<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

બિહાર-ઝારખંડમાં કાળનો પંજોઃ કુલ ૯ ના મોત

બેગુસરાઈમાં ૩ પોલીસ અધિકારીઓએ જીવ ગુમાવ્‍યાઃ લગ્નના હરખ વચ્‍ચે એકજ પરિવારના ૫ ના મોત

 

પટના, તા.૧૨: કુદરત કયારે કઈ પળે કેવો ક્રૂર વળાંક લેશે તે કોઈ જાણી શકતું નથી. શુક્રવારની એ ગોઝારી વહેલી સવાર બિહાર અને ઝારખંડ માટે ભારે કાળમુખી સાબિત થઈ છે. બે પાડોશી રાજ્‍યોના હાઈવે રક્‍તરંજિત બન્‍યા છે, જેમાં કુલ ૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્‍યા છે. એક તરફ ઝારખંડના સિમડેગામાં ખુશીનો માહોલ પલભરમાં માતમમાં ફેરવાઈ ગયો, તો બીજી તરફ બિહારના બેગુસરાઈમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવતા ત્રણ સિંઘમ જેવા થાણા પ્રભારીઓ ઓફિશિયલ ટ્રેનિંગ પૂરી કરીને પરત ફરતી વખતે કાળનો કોળિયો બની ગયા. આ બંને ઘટનાઓએ સ્‍થાનિક પ્રશાસન અને પીડિત પરિવારોને એવો ઘા આપ્‍યો છે જે કયારેય રૂઝાઈ શકશે નહીં.

ઝારખંડના સિમડેગા જિલ્લાના કોલેબિરા પ્રખંડ પાસે આવેલી અઘરમાની સડક પર સ્‍કોર્પિયો કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. લોહરદગાના રહેવાસી ૫૮ વર્ષીય ગુલામ મુસ્‍તફા પોતાના પરિવાર સાથે દીકરીના સાસરે લસિયા ગામે જવા નીકળ્‍યા હતા. ગાડીમાં માસૂમ બાળકોના કિલ્લોલ વચ્‍ચે અચાનક ડ્રાઈવરે સ્‍ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્‍યો અને કાર રોડ કિનારે આવેલા એક વિશાળ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ. ટક્કર એટલી પ્રચંડ હતી કે લોખંડના પતરાની જેમ ગાડીના કુચ્‍ચેકુચ્‍ચા ઊડી ગયા. આ કરુણ દ્રશ્‍યમાં ગુલામ મુસ્‍તફા, તેમના પત્‍ની ગુલશન પરવીન અને ત્રણ માસૂમ બાળકોએ ઘટનાસ્‍થળે જ દમ તોડી દીધો. અકસ્‍માત બાદ ચીસાચીસ થતાં સ્‍થાનિકો દોડી આવ્‍યા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલી બે દીકરીઓ, એક બાળક અને ડ્રાઈવરને તાત્‍કાલિક રાંચીની રીમ્‍સ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે.

બીજી તરફ, બિહારના બેગુસરાઈ જિલ્લાના સાહેબપુર કમાલ થાણા વિસ્‍તારના NH-31 પર મોડી રાત્રે કાળજું કંપાવી દેનારો અકસ્‍માત સર્જાયો હતો. પટના ખાતે આયોજિત એક દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામ પૂરો કરીને મધેપુરા પરત ફરી રહેલા પોલીસ અધિકારીઓની કાર આગળ જઈ રહેલી એક ભારે ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કારની ગતિ એટલી તેજ હતી કે આગળનો ભાગ કચડાઈ ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં મધેપુરા જિલ્લાના ત્રણ જાંબાઝ થાણા પ્રભારીઓ સાજન પાસવાન (રતવારા થાણા), નીરજ કુમાર (બેલારી થાણા), જ્ઞાનેન્‍દ્ર અમરેન્‍દ્ર (આરર થાણા) અને તેમના ખાનગી ડ્રાઈવર જ્‍યોતિષ કુમારનું કરુણ મોત નીપજ્‍યું હતું. બે પોલીસ ઓફિસર અને ડ્રાઈવરે ત્‍યાં જ અંતિમ શ્વાસ લીધા, જ્‍યારે ત્રીજા ઓફિસરે હોસ્‍પિટલના બિછાને દમ તોડ્‍યો હતો. આ ઘટનાની જાણ થતાં જ બેગુસરાઈના એસપી અને ડીઆઈજી સહિતના ઉચ્‍ચ અધિકારીઓ હોસ્‍પિટલ દોડી ગયા હતા. કર્તવ્‍યનિષ્ઠ અધિકારીઓના આકસ્‍મિક નિધનથી સમગ્ર બિહાર પોલીસ વિભાગમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. (રર.૪)

 

 

 

(11:10 AM IST)