<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

લખનૌથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીથી ખળભળાટ: ફ્લાઇટને ટેક ઓફ પહેલા રોકી દેવાઈ

વિમાન અને મુસાફરોના સામાનની સઘન તપાસ શરૂ: ટોયલેટમાંથી બૉમ્બ લખેલું શંકાસ્પદ ટીશ્યુ પેપર મળ્યું:ફ્લાઇટમાં અંદાજે 180 મુસાફરો સવાર હતા

લખનૌથી દિલ્હી જઇ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટને બોમ્બ હોવાની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને ફ્લાઇટને ટેકઓફ પહેલાં જ રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ વિમાન અને મુસાફરોના સામાનની સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળો કોઈપણ જોખમને ધ્યાનમાં રાખીને દરેક પાસાની બારીકાઈથી ચકાસણી કરી રહ્યા છે. સાથે જ ધમકી કોણે આપી, તેનો સ્ત્રોત શું છે અને તેની પાછળ કોઈ ષડયંત્ર તો નથી ને તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, લખનૌથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ સવારે લગભગ 10:45 વાગ્યે રવાના થવાની હતી. આ ફ્લાઇટમાં અંદાજે 180 મુસાફરો સવાર હતા. જોકે, ટેકઓફ પહેલાં જ ક્રૂ ને બોમ્બની ધમકી અંગે માહિતી મળી હતી. કોઈપણ જોખમ ટાળવા માટે વિમાનને એરપોર્ટના એપ્રોન પર જ રોકી દેવામાં આવ્યું અને સુરક્ષા દળોને જાણ કરવામાં આવી હતી.

 

 

સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન વિમાનના ટોયલેટમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર "Bomb" શબ્દ લખેલો હતો. આ માહિતી સામે આવતા મુસાફરો અને ક્રૂ સભ્યોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, સુરક્ષા એજન્સીઓએ તરત જ સમગ્ર વિમાનની તપાસ શરૂ કરી હતી.

 

 

વ્યાપક તપાસ અને સર્ચ ઓપરેશન દરમિયાન વિમાનમાંથી કોઈ વિસ્ફોટક સામગ્રી અથવા અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. પ્રાથમિક તપાસમાં આ ધમકી ખોટી હોવાનું જણાયું છે. તેમ છતાં, સુરક્ષા પ્રોટોકોલ મુજબ તમામ કાનૂની અને તકેદારીની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર ઘટનાને પગલે એરપોર્ટ વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓએ મુસાફરોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપી હતી. વિમાનની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફ્લાઇટને રવાના કરવામાં આવી નહોતી. સાથે જ ધમકી કોણે આપી અને તેની પાછળનું કારણ શું હતું તે જાણવા માટે પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

તાજેતરમાં એરલાઇન્સ ને એરપોર્ટ્સ પર મળતી ખોટી ધમકીઓના બનાવોને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. લખનૌ એરપોર્ટ પર બનેલી આ ઘટનામાં ભલે કોઈ ખતરો સામે આવ્યો ન હોય, પરંતુ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ અધિકારીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે અને ધમકી આપનાર વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

(1:15 PM IST)