<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના ડૉક્ટરનો દબદબો: મૈને ગવર્નરની ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં ડૉ. નીરવ શાહ સૌથી આગળ; 'રેન્ક-ચોઇસ' સિસ્ટમ પર મિલાયેલી નજર

કોરોના કાળના રિયલ હીરો અને CDC ના પૂર્વ ચીફ નીરવ શાહે પાંચ દિગ્ગજોના જંગમાં મેળવી પાતળી લીડ; અમેરિકાના મેઈન સ્ટેટમાં પ્રથમ ભારતીય ગવર્નર બનવા તરફ મજબૂત કદમ

ઓગસ્ટા (મૈને) : અમેરિકાના રાજકીય ફલક પર ભારતીય મૂળના નેતાઓ અને વ્યાવસાયિકોનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આ કડીમાં વધુ એક ગૌરવશાળી પ્રકરણ ઉમેરાયું છે. અમેરિકાના મૈને (Maine) રાજ્યમાં ગવર્નર પદ માટે યોજાયેલી ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં ભારતીય મૂળના પ્રખ્યાત ફિઝિશિયન (તબીબ) ડૉ. નીરવ શાહે પોતાના હરીફોને પછાડીને અત્યંત મહત્વપૂર્ણ અને પ્રારંભિક લીડ મેળવી લીધી છે. ટર્મ-લિમિટના કારણે નિવૃત્ત થઈ રહેલા ગવર્નર જેનેટ મિલ્સના સ્થાને નવા ગવર્નર બનવા માટે ડેમોક્રેટિક પક્ષમાં પાંચ દિગ્ગજ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે, જેમાં ડૉ. નીરવ શાહ હાલમાં સૌથી ટોચ પર ચાલી રહ્યા છે.
વિશ્વ વિખ્યાત ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (AP) ના લેટેસ્ટ આંકડા અનુસાર, મતગણતરી દરમિયાન ડૉ. નીરવ શાહને અત્યાર સુધીમાં ૫૩,૭૯૦ મતો એટલે કે કુલ મતદાનના ૨૬.૯ ટકા વોટ મળ્યા છે.
પાંચ દિગ્ગજો વચ્ચે ખરાખરીનો જંગ: જુઓ કોણ કેટલા પાણીમાં?
આ હાઈ-પ્રોફાઈલ રેસમાં ડૉ. શાહ ભલે આગળ હોય, પરંતુ અન્ય ડેમોક્રેટિક નેતાઓ પણ તેમને જોરદાર ટક્કર આપી રહ્યા છે. મૈને હાઉસના ભૂતપૂર્વ સ્પીકર હેન્ના પિંગ્રી ૪૬,૪૩૭ મતો (૨૩.૨ ટકા) સાથે બીજા ક્રમે છે. જ્યારે મૈને સેનેટના પૂર્વ પ્રમુખ ટ્રોય જેક્સન ૪૨,૦૨૦ મતો (૨૧.૦ ટકા) સાથે ત્રીજા સ્થાને અને સેક્રેટરી ઓફ સ્ટેટ શેના બેલોઝ ૪૧,૩૪૦ મતો (૨૦.૭ ટકા) મેળવીને ચોથા ક્રમે છે. આ સિવાય યુએસ સેનેટર એંગસ કિંગના પુત્ર એંગસ કિંગ III માત્ર ૧૬,૪૩૦ મતો (૮.૨ ટકા) સાથે પાછળ રહી ગયા છે.
હવે 'રેન્ક-ચોઇસ' મતદાન પ્રણાલી નક્કી કરશે વિજેતા
હાલની સ્થિતિએ કોઈ પણ ઉમેદવાર સ્પષ્ટ બહુમતી (૫૦ ટકાથી વધુ વોટ) મેળવવાની નજીક દેખાતો નથી. આથી, હવે મૈને રાજ્યની વિશિષ્ટ 'રેન્ક-ચોઇસ' (Ranked-Choice) મતદાન પ્રણાલી દ્વારા આખરી વિજેતા નક્કી કરવામાં આવશે. આ અનોખી સિસ્ટમ હેઠળ, મતદારો પોતાની પસંદગીના ક્રમમાં (૧, ૨, ૩...) ઉમેદવારોને રેટિંગ આપે છે. જો કોઈને પ્રથમ પસંદગીના ૫૦ ટકા વોટ ન મળે, તો સૌથી ઓછા વોટ મેળવનાર ઉમેદવારને રેસમાંથી બહાર કરી, તેના મતદારોની બીજી પસંદગીના મતો અન્ય ઉમેદવારોમાં વહેંચવામાં આવે છે. આ પ્રક્રિયા જ્યાં સુધી કોઈ એક ઉમેદવાર ૫૦ ટકાનો આંકડો પાર ન કરે ત્યાં સુધી ચાલે છે. આ જટિલ ગણતરી પૂર્ણ થવામાં હજુ થોડા દિવસો લાગી શકે છે.
કોરોના કાળના 'સુપરહીરો' તરીકે ઘર-ઘરમાં જાણીતું નામ
ડૉ. નીરવ શાહ મૈને રાજ્યના નાગરિકો માટે નવો ચહેરો નથી. કોવિડ-૧૯ મહામારી દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વ સંકટમાં હતું, ત્યારે ડૉ. શાહ મૈને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. તે સમયે તેમની નિયમિત અને સચોટ જાહેર બ્રીફિંગ તથા શાંત સ્વભાવે તેમને આખા રાજ્યમાં લોકપ્રિય નેતા બનાવી દીધા હતા. તેમની કાબિલિયત જોઈને પાછળથી તેમને યુએસ સેન્ટ્રલ CDC ના ચીફ ડેપ્યુટી ડિરેક્ટર અને કાર્યકારી ડિરેક્ટર જેવી સર્વોચ્ચ દેશવ્યાપી જવાબદારી પણ સોંપવામાં આવી હતી. ૨૦૨૫ માં તેઓ ફરી મૈને પરત ફર્યા અને ગવર્નરની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.
તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં મોંઘવારી, સસ્તા આવાસ (હાઉસિંગ), આરોગ્યસંભાળ અને આર્થિક વિકાસ જેવા સામાન્ય જનતાને સ્પર્શતા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચૂંટણી પૂર્વેના તમામ ઓપિનિયન પોલ્સમાં પણ ડૉ. શાહ સતત આગળ ચાલી રહ્યા હતા. જો રેન્ક-ચોઇસ ટેબ્યુલેશન બાદ ડૉ. નીરવ શાહ વિજેતા બનશે, તો તે અમેરિકાના રાજકીય ઇતિહાસમાં ભારતીય સમુદાય માટે એક બહુ મોટી અને ઐતિહાસિક સિદ્ધિ સાબિત થશે.

(6:27 PM IST)