<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

અમેરિકાના રાજકારણમાં ભારતીય સમુદાયનો દબદબો: ન્યૂ યોર્કની ચૂંટણીમાં 'ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ' સંસ્થાએ વિચલ કુમાર અને લિસા કૌલના ચૂંટણી અભિયાનને આપ્યું ખુલ્લું સમર્થન

યુએસ કોંગ્રેસ અને ન્યૂ યોર્ક સ્ટેટ સેનેટની હાઈ-પ્રોફાઈલ બેઠકો માટે બે ભારતીય મૂળના દિગ્ગજો મેદાનમાં; ઇમિગ્રન્ટ્સ, આરોગ્યસંભાળ અને સસ્તા આવાસના મુદ્દે ન્યૂ યોર્કર્સના દિલ જીતવા પ્રચાર તેજ

ન્યૂ યોર્ક : વિશ્વના સૌથી શક્તિશાળી લોકશાહી દેશ ગણાતા અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળની પ્રતિભાઓ (Indian-Americans) પોતાનો લોખંડી પ્રભાવ સાબિત કરી રહી છે. આગામી ચૂંટણી ચક્રને ધ્યાનમાં રાખીને, અમેરિકામાં ભારતીય સમુદાયના હિતો માટે કામ કરતી અને પ્રતિષ્ઠિત રાજકીય વગ ધરાવતી સંસ્થા 'ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ' (IA Impact) દ્વારા ન્યૂ યોર્કના બે અગ્રણી ભારતીય-અમેરિકન ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરીને તેમને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આ સમર્થન મળ્યા બાદ યુએસ કોંગ્રેસ (સંસદ) અને ન્યૂ યોર્ક સ્ટેટ સેનેટની ચૂંટણી લડી રહેલા આ બંને ભારતીય નેતાઓની સ્થિતિ અત્યંત મજબૂત બની ગઈ છે.
બ્રોન્ક્સના લોકપ્રિય વકીલ વિચલ કુમાર યુએસ કોંગ્રેસની રેસમાં
સંસ્થા દ્વારા સમર્થનની પ્રથમ અને સૌથી મોટી જાહેરાત નાગરિક અધિકાર વકીલ (Civil Rights Lawyer) અને સામાજિક કાર્યકર વિચલ કુમાર માટે કરવામાં આવી છે. વિચલ કુમાર ન્યૂ યોર્કના પ્રતિષ્ઠિત ૭મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ સંસદના નીચલા ગૃહ) માટે ચૂંટણી લડી રહ્યા છે.
એક શ્રમજીવી ઇમિગ્રન્ટ (પ્રવાસી) પરિવારમાં જન્મેલા વિચલ કુમાર પાસે કાનૂની હિમાયત અને જાહેર બચાવ (Public Defense) ના ક્ષેત્રમાં ૨૦ વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 'ધ બ્રોન્ક્સ ડિફેન્ડર્સ' સંસ્થાથી કરી હતી. જ્યાં તેઓ રાત્રિના સમયે કાયદાનો અભ્યાસ (Law School) કરવાની સાથે-સાથે દિવસ દરમિયાન ગરીબ પરિવારોને આવાસની અસ્થિરતા, રોજગારના સંકટો અને મેડિકેડ તેમજ ફૂડ આસિસ્ટન્સ જેવી સરકારી યોજનાઓ અપાવવા માટે લડતા હતા. તેમની આ જ સખત મહેનતને બિરદાવતા 'IA ઇમ્પેક્ટ' એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "અમે NY-7 માં કોંગ્રેસ માટે વિચલ કુમારને સમર્થન આપવા માટે ઉત્સાહિત છીએ. તેઓ વોશિંગ્ટનમાં જઈને સામાન્ય લોકો, ભાડૂતો અને પ્રવાસીઓના હક માટે અવાજ ઉઠાવશે."
ઓક્સફોર્ડના રોડ્સ સ્કોલર લિસા કૌલ સેનેટમાં જવા સજ્જ
ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટનું બીજું મહત્વનું સમર્થન ભારતીય મૂળના મહિલા નેતા લિસા કૌલને મળ્યું છે, જેઓ ન્યૂ યોર્ક સ્ટેટ સેનેટના ડિસ્ટ્રિક્ટ ૩૯ (NY District 39) માંથી ચૂંટણી લડી રહ્યા છે. લિસા કૌલનો ઉછેર ભારતમાં જ થયો હતો અને તેઓ પોતાની અસાધારણ પ્રતિભાના જોરે વિશ્વ વિખ્યાત 'રોડ્સ સ્કોલર' (Rhodes Scholar) તરીકે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયા હતા. ત્યારબાદ તેઓ પોતાના પતિ સાથે અમેરિકા સ્થાયી થયા અને વર્ષ ૨૦૦૮ માં તેમણે યુએસ નાગરિકત્વ મેળવ્યું હતું.
લિસા કૌલનું સમગ્ર ચૂંટણી અભિયાન ન્યૂ યોર્કને સામાન્ય પરિવારો માટે વધુ સસ્તું અને રહેવા યોગ્ય બનાવવા પર કેન્દ્રિત છે. તેઓ ખાસ કરીને મોંઘા શિક્ષણ, આવાસની તંગી, મોંઘા અનાજ અને પ્રજનન સ્વતંત્રતા (Reproductive Freedom) જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. સંસ્થાએ તેમના વખાણ કરતા જણાવ્યું કે, લિસાએ હંમેશાં જાહેર સેવક તરીકે શિક્ષણ અને આરોગ્યની ઉત્તમ નીતિઓનું સમર્થન કર્યું છે, તેથી અમને તેમના પર ગર્વ છે.
પાકિસ્તાની મૂળના ફુરહાન અહેમદને પણ મળ્યો સાથ
આ બે ભારતીય ઉમેદવારો ઉપરાંત, દક્ષિણ એશિયાઈ સમુદાયને વધુ મજબૂત કરવાના ભાગરૂપે 'IA ઇમ્પેક્ટ' દ્વારા પાકિસ્તાની મૂળના ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલી ઉમેદવાર ફુરહાન અહેમદને પણ સમર્થન આપવામાં આવ્યું છે. ફુરહાન અહેમદ એક ઇમિગ્રન્ટ પિતાના પુત્ર છે અને તેઓ ન્યૂ યોર્કમાં માનવ ગૌરવ, આબોહવા પરિવર્તન (Climate Change) અને આરોગ્યસંભાળની સુવિધાઓ બહેતર બનાવવાના એજન્ડા સાથે ઝુંબેશ ચલાવી રહ્યા છે. ન્યૂ યોર્કના રાજકારણમાં દક્ષિણ એશિયાઈ સમુદાયની આ એકતા આગામી ચૂંટણીઓમાં મોટો ઉલટફેર સર્જી શકે છે.

(6:29 PM IST)