<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ઉલટફેર: મમતા બેનર્જીની કવિતા 'એપાંગ ઓપાંગ ઝાપંગ' પર નવી સરકારની કાતર; શાળાઓમાંથી હટાવાશે દીદીના ૯૦ પુસ્તકો અને ટીએમસી શાસનના ₹૬૩૫ કરોડના જાહેરાત કૌભાંડની ખુલશે ફાઇલ

દીદીના સાહિત્યને 'બકવાસ અને સમયનો બગાડ' ગણાવી સુવેન્દુ અધિકારી સરકારે લીધો મોટો નિર્ણય; પુસ્તકાલયોમાં હવે મમતા બેનર્જીના બદલે રવિન્દ્રનાથ ટાગોર, શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપનું પ્રેરણાદાયી સાહિત્ય ભરાશે

કોલકાતા : પશ્ચિમ બંગાળની ધરતી પર સત્તા પરિવર્તન થતાંની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ હવે દિન-પ્રતિદિન બમણી થઈ રહી છે. નવી સુવેન્દુ અધિકારી સરકારે એક્શન મોડમાં આવીને મમતા બેનર્જીના શાસનકાળ દરમિયાન લેવાયેલા વિવાદાસ્પદ નિર્ણયોને ઉલટાવવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત એક તરફ જ્યાં સરકારી પુસ્તકાલયો અને શાળાઓમાંથી મમતા બેનર્જી દ્વારા લખાયેલા પુસ્તકો અને તેમની પ્રખ્યાત કવિતા 'એપાંગ ઓપાંગ ઝાપંગ' (Apang Opang Jhapang) ને હટાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, તો બીજી તરફ તેમના શાસનમાં એક મનપસંદ જાહેરાત એજન્સીને સરકારી તિજોરીમાંથી ₹૬૩૫ કરોડ લુટાવવાના ગંભીર કૌભાંડની ફાઇલ ફરી ખોલીને મોટી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પહેલા સમજીએ: શું છે આ 'એપાંગ ઓપાંગ ઝાપંગ'?
વાસ્તવમાં, "એપાંગ ઓપાંગ ઝાપંગ" એ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા બાળકો માટે લખાયેલી એક કવિતાનું શીર્ષક છે, જે તેમના કાવ્યસંગ્રહ "કવિતા બિતન" માં સામેલ છે. બંગાળી સાહિત્યના નિષ્ણાતોના મતે, આ શબ્દોનો શબ્દકોશમાં કોઈ ચોક્કસ કે સીધો અર્થ જ નથી! વર્ષો પહેલાં બાળકોના એક એનર્જી ડ્રિંકની ટીવી જાહેરાત (જિંગલ) માં આ શબ્દો વપરાયા હતા, જેને મમતા બેનર્જીએ પોતાની કવિતામાં પ્રાસ બેસાડવા માટે વાપરી લીધા હતા. વર્ષ ૨૦૨૨ માં જ્યારે આ સાહિત્યિક કૃતિ માટે દીદીને 'બાંગ્લા એકેડેમી પુરસ્કાર' મળ્યો ત્યારે મોટો વિવાદ થયો હતો અને વિવેચકોએ આને "બકવાસ છંદ" (Nonsense Rhymes) ગણાવ્યા હતા.
બાળકોનો સમય બગાડતા પુસ્તકો કચરાપેટીમાં: શિક્ષણ મંત્રીનો પ્રહાર
નવી સરકારના પુસ્તકાલય મંત્રી ગૌરીશંકર ઘોષે આ પુસ્તકોને બાળકોના બૌદ્ધિક વિકાસ માટે નકામા અને સમયનો બગાડ જાહેર કર્યા છે. આ નિર્ણયને મંજૂરી આપતાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સરકારી પુસ્તકાલયોની જગ્યા એવા પુસ્તકોથી બગાડી શકાય નહીં જે બાળકોને કંઈ નવું શીખવતા નથી. હવે આ પુસ્તકાલયોમાં વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ અને કાઝી નઝરુલ ઇસ્લામ જેવા મહાન વિચારકોનું અમૂલ્ય સાહિત્ય મૂકવામાં આવશે. આ ઉપરાંત, બાળકોમાં રાષ્ટ્રભાવના જગાડવા માટે છત્રપતિ શિવાજી મહારાજ અને વીર મહારાણા પ્રતાપના પ્રેરણાદાયી જીવનચરિત્રો ભણાવવામાં આવશે.
જૂન ૨૦૨૫ નો સરકારી આદેશ ઉલટાવાયો
આ વિવાદના મૂળ જૂન ૨૦૨૫ માં તત્કાલીન TMC સરકાર દ્વારા લેવાયેલા એક ચોંકાવનારા નિર્ણયમાં છે. તે સમયે સરકારે શાળાના પુસ્તકાલયો માટે ૫૧૫ પુસ્તકોની સત્તાવાર યાદી બહાર પાડી હતી, જેમાંથી આશરે ૯૦ પુસ્તકો એકલા મમતા બેનર્જીના હતા! એટલું જ નહીં, શાળાઓને આ પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવા સરકારી તિજોરીમાંથી દરેક શાળાને ₹૧ લાખની સબસિડી પણ વહેંચવામાં આવી હતી. નવી સરકારે તિજોરીના આ દુરુપયોગને અટકાવીને જૂનો આદેશ સંપૂર્ણપણે રદ કરી દીધો છે.
બીજો મોટો ફટકો: ₹૬૩૫ કરોડનું મગા જાહેરાત કૌભાંડ
પુસ્તકોના આ વિવાદની પાછળ ટીએમસી શાસનનું એક મોટું નાણાકીય કૌભાંડ પણ બહાર આવ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જીના કાર્યકાળ દરમિયાન કોલકાતાની એક અત્યંત પ્રભાવશાળી જાહેરાત એજન્સી — જે પૂર્વ મુખ્યમંત્રી અને તેમના નજીકના સાથીઓની અતિ પ્રિય માનવામાં આવતી હતી — તેને નિયમોને નેવે મૂકીને છેલ્લા કેટલાક વર્ષોમાં ₹૬૩૫ કરોડની માતબર રકમ ચૂકવવામાં આવી હતી. સરકારી તિજોરીમાંથી સેરવી લેવાયેલી આ આખી રકમ એજન્સીના ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. હવે આ મામલે એન્ટી-કરપ્શન બ્યુરો અને તપાસ એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હોવાથી આગામી દિવસોમાં બંગાળના રાજકારણમાં મોટો ધડાકો થવાની પૂરેપૂરી શક્યતા છે.

(6:34 PM IST)