હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ: કોલકાતાની સરકારી ઇમારતમાં ભીષણ આગથી ૪,૦૦૦ EVM બળીને ખાખ
વિધાનસભા ચૂંટણીમાં વપરાયેલા મશીનો રહસ્યમય રીતે નાશ પામતા કાવતરાની આશંકા: ચોથા-પાંચમા માળને નુકસાન કર્યા વિના આગ સીધી આઠમા માળે કેવી રીતે પહોંચી તે અંગે મંત્રીએ ઉઠાવ્યા સવાલો : ફોરેન્સિક તપાસ શરૂ

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર મોટો ગરમાવો આવી ગયો છે. દક્ષિણ કોલકાતાના હાઈપ્રોફાઈલ અલીપોર વિસ્તારમાં આવેલી એક નવ માળની સરકારી ઇમારતમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા અંદાજે ૪,૦૦૦ જેટલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વહીવટી તંત્ર અને ચૂંટણી પંચમાં ભારે દોડધામ મચી ગઈ છે. દક્ષિણ ૨૪ પરગણા જિલ્લા પરિષદ કાર્યાલય ધરાવતી આ બિલ્ડિંગમાં લાગેલી આગ માત્ર એક અકસ્માત છે કે પછી ચૂંટણી પરિણામો સાથે છેડછાડ કરવાનું કોઈ મોટું રાજકીય ષડયંત્ર, તે દિશામાં પોલીસે FIR નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અગ્નિશામક અને કટોકટી સેવાઓ રાજ્યમંત્રી કૌશિક ચૌધરીએ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ પત્રકારો સમક્ષ આશ્ચર્યજનક ખુલાસા કર્યા છે, જેનાથી કાવતરાની આશંકા વધુ પ્રબળ બની છે. મંત્રીના જણાવ્યા અનુસાર, આગની શરૂઆત બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળેથી થઈ હતી, પરંતુ તે વચ્ચેના ચોથા, પાંચમા કે છઠ્ઠા માળને અડ્યા વગર સીધી સાતમા અને આઠમા માળે કેવી રીતે પહોંચી ગઈ? આ રહસ્યમય પેટર્ન દર્શાવે છે કે આ કોઈ સામાન્ય શોર્ટ સર્કિટની ઘટના નથી. જે માળ પર EVM સ્ટોર કરવામાં આવ્યા હતા, બરાબર ત્યાં જ આગનું આટલું પ્રચંડ સ્વરૂપ જોવા મળવું એ તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક ગંભીર સવાલો ઉભા કરે છે.
આ ભયાનક કાંડ સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદાર અને ભાજપના નેતા રાકેશ સિંહે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે આ ચૂંટણીના પુરાવાઓ નાશ કરવાનું એક સુઆયોજિત કૃત્ય (તોડફોડ) હોઈ શકે છે. હાલમાં અલીપોર પોલીસે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (ADM) ની લેખિત ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર ઇમારતને સીલ કરી દીધી છે અને ત્યાં કડક પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે. પોલીસ અને સરકાર બંને સ્વીકારી રહ્યા છે કે હવે માત્ર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી નો રિપોર્ટ અને વૈજ્ઞાનિક પુરાવા જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવશે કે આ આગ પાછળ અસલી ગુનેગાર કોણ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
