<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

અજબ બિહારની ગજબ એન્જિનિયરિંગ: નદી કે રસ્તા વગર ખેતરની વચ્ચોવચ બનાવી દીધા લાખોનો પુલ!

મનરેગા યોજના હેઠળ જનતાની પરસેવાની કમાણીનો ધુમાડો; આસપાસ કોઈ અવરજવર જ નથી છતાં અધિકારીઓએ કાગળ પર મંજૂરી આપી સાડા ચાર લાખના ખર્ચે કલ્વર્ટ ઊભા કરી દીધા

મોતીહારી:  બિહારમાં અવારનવાર પુલ હવામાં ગાયબ થવાના કે ચોરી થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ આ વખતે પૂર્વ ચંપારણ જિલ્લામાં એન્જિનિયરોની અનોખી કરામતનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને તમે દંગ રહી જશો. અહીંના કેસરિયા બ્લોકની ઢેખા પંચાયતમાં કોઈ નદી, નાળું કે રસ્તો ન હોવા છતાં, માત્ર સરકારી ભંડોળ સગેવગે કરવાના ઈરાદે એન્જિનિયરો અને સ્થાનિક અધિકારીઓની મિલીભગતથી સીધા લીલાછમ ખેતરની વચ્ચોવચ જ કલ્વર્ટ (નાના પુલ) બનાવી દેવામાં આવ્યા છે. આ વિચિત્ર કલ્વર્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર રાજ્યના વહીવટી તંત્રમાં ભારે હોબાળો મચી ગયો છે.

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગંડક નદીના તટપ્રદેશ અને કળણવાળા વિસ્તારમાં આવા એક-બે નહીં પરંતુ ચાર-ચાર કલ્વર્ટ ઊભા કરી દેવાયા છે, જ્યાં દૂર-દૂર સુધી કોઈ પાકો કે કાચો રસ્તો જ અસ્તિત્વ ધરાવતો નથી. આશ્ચર્યની વાત એ છે કે આ દરેક કલ્વર્ટ પાછળ અંદાજે રૂ. 4.5 લાખ સરકારી નાણાંનો આંધણ કરવામાં આવ્યું છે, એટલે કે ચારેય પુલ મળીને લાખો રૂપિયાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના સીધા આક્ષેપો થઈ રહ્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યાં કોઈ માણસ કે પશુ પણ પસાર નથી થતું, ત્યાં આખરે કોના ફાયદા માટે આ બાંધકામ કરવામાં આવ્યું?

બીજી તરફ, આ વિવાદ સામે આવ્યા પછી પણ જવાબદાર અધિકારીઓ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે વિચિત્ર બચાવ કરી રહ્યા છે. કેસરિયા બ્લોકના મનરેગા પ્રોગ્રામ ઓફિસર (PO) આશુતોષ કુમારે આ પ્રોજેક્ટનો બચાવ કરતા નિવેદન આપ્યું છે કે સ્થળની તપાસ કરવામાં આવી હતી અને ગ્રામજનોની માંગણીને આધારે જ આ કલ્વર્ટ મંજૂર કરાયા હતા. જો કે, જે જગ્યાએ આ પુલ બન્યા છે ત્યાંની વાસ્તવિકતા જોતા સ્પષ્ટ દેખાય છે કે વિકાસના નામે મનરેગા જેવી મહત્વાકાંક્ષી યોજનાને ભ્રષ્ટ અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓએ પોતાની કમાણીનો જરિયો બનાવી દીધી છે.

(7:21 PM IST)