હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મમતા બેનર્જીની મુશ્કેલીઓ બેવડાઈ: પક્ષમાં ભયંકર બળવા વચ્ચે કોલકાતામાં FIR દાખલ
ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ પત્તાના મહેલની જેમ વિખેરાઈ રહી છે ત્યારે જ 'હેટ સ્પીચ' મામલે દીદી સામે કાનૂની સકંજો કસાયો : પક્ષનું ચિહ્ન ગુમાવવાનું પણ મોટું જોખમ

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક સમયે એકહથ્થુ શાસન ભોગવનારા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જી હાલમાં તેમના રાજકીય જીવનના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ચૂંટણીમાં કારમા પરાજય અને સત્તા ગુમાવ્યા બાદ હવે તેમની સામે કાનૂની મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. કોલકાતાના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં મમતા બેનર્જી વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક ટિપ્પણી કરવા બદલ એક નવી FIR દાખલ કરવામાં આવી છે. એક સ્થાનિક ઉદ્યોગપતિની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ આ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, જેને કારણે બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
આ વિવાદની વિગત એવી છે કે ચૂંટણી પૂર્વે કોલકાતામાં એક વરિષ્ઠ અધિકારી વિરૂદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મમતા બેનર્જીએ મંચ પરથી એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "તમે બધા અત્યારે સુરક્ષિત છો કારણ કે અમે અહીં છીએ. જો અમે નહીં હોઈએ અને એક ખાસ સમુદાય તમને ઘેરી લેશે, તો તે તમને એક સેકન્ડમાં ખતમ કરી દેશે." આ દ્વેષપૂર્ણ ભાષણ ઉપરાંત અગાઉ મે ૨૦૨૬ માં પણ સિલિગુડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સનાતન ધર્મ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે કેસ નોંધાયો હતો. આ સતત નોંધાતી ફરિયાદો દીદીની રાજકીય પ્રતિષ્ઠાને મોટો ધક્કો પહોંચાડી રહી છે.
બીજી તરફ, મમતા બેનર્જી માટે પડતા પર પાટું જેવી સ્થિતિ એ છે કે તેમની પોતાની પાર્ટી અંદરથી સંપૂર્ણપણે તૂટી રહી છે. પક્ષમાં ચાલી રહેલા આંતરિક બળવાને કારણે માત્ર ચાર દિવસની અંદર તૃણમૂલ કોંગ્રેસના ચાર રાજ્યસભા સાંસદોએ પોતાના રાજીનામા ધરી દીધા છે, જ્યારે લોકસભાના અનેક સાંસદો પણ ખુલ્લેઆમ બળવાખોર બન્યા છે. આ પૂર્વે પક્ષના ૫૮ જેટલા ધારાસભ્યોએ પહેલેથી જ મમતાનો સાથ છોડી દીધો છે. આ ભયંકર રાજકીય કટોકટી વચ્ચે હવે તૃણમૂલ કોંગ્રેસ પર પોતાનું સત્તાવાર પક્ષ પ્રતીક (સિમ્બોલ) પણ ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે, જે મમતા બેનર્જીના અસ્તિત્વ સામે મોટો સવાલ ખડો કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
