<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

વાયરસનું પ્રવેશદ્વાર કેરળ? જાણો શા માટે દરેક નવો જીવલેણ વાયરસ અહીં જ દસ્તક દે છે

દેશની સૌથી સજ્જ હેલ્થ સિસ્ટમ અને વૈશ્વિક કનેક્ટિવિટી જ રોગોને પકડવામાં બને છે નિમિત્ત : ચામાચીડિયા સાથે વધતું માનવ ઘર્ષણ અને હાઈ વસ્તી ગીચતા વાયરસ ફેલાવવામાં ભજવે છે મુખ્ય ભૂમિકા

તિરુવનંતપુરમ:  કોરોના હોય, નિપાહ હોય, મંકીપોક્સ હોય કે શિગેલા બેક્ટેરિયા—ભારતમાં જ્યારે પણ કોઈ નવો અને રહસ્યમય વાયરસ એન્ટ્રી મારે છે, ત્યારે તેનો પહેલો શિકાર કેરળ જ બને છે. આ પરિસ્થિતિ જોઈને સમગ્ર દેશ આશ્ચર્યચકિત છે કે આખરે કેરળ જ કેમ વારંવાર આ ચેપી રોગોનું સંવર્ધન સ્થળ બને છે? આ પાછળનું સૌથી મોટું અને આશ્ચર્યજનક કારણ કેરળનું અદભુત હેલ્થ સર્વેલન્સ મોડેલ છે. ઉત્તર પ્રદેશ કે બિહાર જેવા રાજ્યોમાં નબળી તબીબી તપાસને કારણે વાયરસ અઠવાડિયા સુધી પકડાતા નથી, જ્યારે કેરળની સિસ્ટમ એટલી સજ્જ અને પારદર્શક છે કે સામાન્ય તાવના કેસમાં પણ છુપાયેલા દુર્લભ વાયરસને તુરંત ટ્રેક કરી લે છે. એટલે કે, અહીં રોગો વધારે છે એવું નથી, પણ અહીં રોગોને પકડવાની તાકાત દેશમાં સૌથી શ્રેષ્ઠ છે.

બીજું મોટું કારણ કેરળની ભૌગોલિક સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી છે. વર્ષ ૨૦૨૦ માં દેશનો પહેલો કોરોના કેસ પણ વુહાનથી કેરળ પરત ફરેલા વિદ્યાર્થીમાં જ મળ્યો હતો. કેરળનો બહુ મોટો વર્ગ ખાડી દેશો અને વિશ્વના ખૂણે-ખૂણે વેપાર કે ભણતર અર્થે વસેલો હોવાથી વૈશ્વિક વાયરસ પ્રવાસીઓ મારફતે સીધા અહીં લેન્ડ થાય છે. વધુમાં, કેરળનો મોટો હિસ્સો પશ્ચિમ ઘાટના ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, જે ફ્રૂટ બેટ્સ (ફળ ખાતા ચામાચીડિયા) નું કુદરતી નિવાસસ્થાન છે. ઝડપી શહેરીકરણને કારણે જંગલો કપાતા આ ચામાચીડિયા માનવ વસાહતોની નજીક આવી ગયા છે, જેનાથી પ્રાણીઓમાંથી મનુષ્યોમાં વાયરસ ટ્રાન્સફર થવાનું જોખમ અનેકગણું વધી ગયું છે.

ખાસ કરીને ઉત્તર કેરળના કોઝિકોડ અને મલપ્પુરમ જેવા જિલ્લાઓમાં નિપાહ વાયરસ સ્થાનિક જંગલોમાંથી જ ફાટી નીકળે છે. ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ વૃક્ષો પરથી ઉતારવામાં આવતી તાજી તાડી અને ફળો ખાવાનો ક્રેઝ છે, જે ચામાચીડિયાના લાળ અથવા મળથી દૂષિત હોવાના કારણે સીધો 'ઝૂનોટિક' ચેપ ફેલાવે છે. કેરળની વસ્તી ગીચતા ખૂબ વધારે હોવાથી અને સામાજિક તાણાવાણા મજબૂત હોવાથી આ વાયરસ એક વ્યક્તિમાંથી આખા પરિવાર કે સારવાર કરતા ડૉક્ટરોમાં વીજળીની ગતિએ ફેલાઈ જાય છે. આમ, પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક, અતિશય વૈશ્વિક મુસાફરી અને સચોટ મેડિકલ ટેસ્ટિંગના કારણે કેરળ હંમેશા વાયરસના નકશા પર પ્રથમ ક્રમે આવી જાય છે.

(7:23 PM IST)