<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

ભગવાન શિવની જેમ ઝેર ગળી જઈશ પણ ગઠબંધન તૂટવા નહીં દઉં: ઇન્ડિયા ગઢબંધનની બેઠકમાં રાહુલ ગાંધીની હુંકાર

"ભલે અમારા માથા કાપી નાખો, પણ આરએસએસ સામે ક્યારેય નહીં ઝૂકીએ" : ૨૦૨૪ ની ચૂંટણી આપણે જીત્યા છીએ અને ૧૦૦% મતોની ચોરી કરીને ભાજપે બધી સરકારી સંસ્થાઓ પર કબજો કર્યો હોવાનો રાહુલ ગાંધીનો સનસનાટીભર્યો આક્ષેપ

નવી દિલ્હી:  પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ નવી દિલ્હીમાં યોજાયેલી 'ભારત ગઠબંધન' ની હાઈપ્રોફાઈલ બેઠકમાં કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા રાહુલ ગાંધીએ એક અત્યંત આક્રમક અને ભાવનાત્મક ભાષણ આપીને વિપક્ષી નેતાઓમાં નવો પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે. ૨૫ થી વધુ વિપક્ષી પક્ષોની હાજરીમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસની ભૂમિકા તમામ પક્ષોને પ્રેમ અને સ્નેહથી એક તાંતણે બાંધવાની છે. શૈવ પરંપરાનો ઉલ્લેખ કરતા તેમણે ભાવુક થઈને કહ્યું કે, ગઠબંધનની એકતા માટે સાથી પક્ષો તરફથી મળતી તમામ ટીકાઓ અને અપમાનના ઝેરને તેઓ ભગવાન શિવ (નીલકંઠ) ની જેમ હસતા મુખે ગળી જવા તૈયાર છે, પરંતુ દેશના બંધારણને બચાવવાની આ લડાઈ આખરી શ્વાસ સુધી ચાલુ રહેશે.

રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર અત્યાર સુધીનો સૌથી આકરો પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ માત્ર એક રાજકીય પક્ષ નથી પરંતુ એક પ્રતિકાર ચળવળ છે, જે ભારતના તમામ નાગરિકોની સમાનતા માટે લડે છે. તેમણે પક્ષના કાર્યકરોના જુસ્સાને બિરદાવતા સિંહગર્જના કરી કે, "અમે કોંગ્રેસમાં મરી જઈશું, અમારા માથા કપાવી નાખીશું, પણ ભાજપ કે આરએસએસની વિચારધારા સામે ક્યારેય ઘૂંટણ નહીં ટેકીએ." આ બેઠકમાં તેમણે સાથી પક્ષો જેવા કે તૃણમૂલ કોંગ્રેસ (TMC), સમાજવાદી પાર્ટી અને આરજેડીને ચેતવતા કહ્યું કે, જો તમે એવા ભ્રમમાં જીવતા હોવ કે જૂની રાજકીય પદ્ધતિઓથી તમે ચૂંટણી જીતી શકશો, તો તમે વાસ્તવિકતાથી દૂર છો કારણ કે ભાજપે ચૂંટણી પંચ, ન્યાયતંત્ર, અમલદારશાહી અને ગુપ્તચર એજન્સીઓ જેવી તમામ લોકશાહી સંસ્થાઓ પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે.

ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવતા રાહુલે દાવો કર્યો કે દેશમાં ૧૦૦% મતોની ચોરી થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર વિપક્ષના અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને તેજસ્વી યાદવને પણ તેમની ચૂંટણીઓ ચોરાઈ હોવાની આશંકા છે તે બાબતનો ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યું કે, ૨૦૨૪ ની લોકસભા ચૂંટણી વિપક્ષ જીતી ચૂક્યો હતો પરંતુ સરકારી તંત્રનો દુરુપયોગ કરીને પરિણામો બદલાયા છે. તેમણે તમામ નેતાઓને 'પાર્ટી મોડ' માંથી બહાર આવીને 'વિરોધ અને આંદોલન મોડ' માં આવવા આહ્વાન કર્યું હતું. અંતમાં વિપક્ષી નેતાઓની ઉદાસી દૂર કરતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જો આપણે પરસ્પર લડવાનું બંધ કરી દઈએ અને દેશના યુવાનો સાથે મળીને NEET કે શિક્ષણ જેવા મુદ્દાઓ પર રસ્તા પર ઉતરીને વિરોધ કરીશું, તો અહંકારી ભાજપ સરકારને હરાવવી અત્યંત સરળ બની જશે.

(7:24 PM IST)