<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

અમેરિકા અને ઇરાન વચ્ચે ઐતિહાસિક ૧૪ મુદ્દાની શાંતિ સમજૂતીનો ડ્રાફ્ટ જાહેર : તમામ મોરચે કાયમી યુદ્ધવિરામ અને ઇરાનને ૩૦૦ અબજ ડોલરનું જંગી આર્થિક પેકેજ મળવાના સંકેત : ઇરાનની સમાચાર સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવી વિગતો

આગામી ૩૦ દિવસની અંદર હોર્મુઝની સામુદ્રધુની ને ઇરાનની વહીવટી ગોઠવણો અને નિયંત્રણ હેઠળ ફરીથી સંપૂર્ણપણે ખોલી દેવામાં આવી શકે : લેબનોન સહિતના મોરચાઓ પરથી સૈન્ય હુમલા અટકાવવા, ઇરાન પરની દરિયાઈ નાકેબંધી હટાવવા અને તેના મિસાઇલ પ્રોગ્રામ પર કોઈ ચર્ચા ન કરવા અમેરિકા સંમત : બદલામાં ઇરાન પરમાણુ હથિયારો ન બનાવવા અને યુરેનિયમનો જથ્થો સોંપવા તૈયાર : સત્તાવાર જાહેરાત બાકી

તેહરાન:અમેરિકા અને ઇરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષનો અંત લાવવા માટે ઘડવામાં આવેલા ૧૪ કલમોના ઐતિહાસિક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) ના ડ્રાફ્ટની સંપૂર્ણ વિગતો ઇરાનની સમાચાર સંસ્થા 'મેહર ન્યૂઝ એજન્સી' દ્વારા જાહેર કરવામાં આવી છે. આ પ્રસ્તાવિત કરાર ઇરાનની તરફેણમાં ખૂબ જ મજબૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધનો ચોક્કસ સમય માટે અંત આવશે. આ કરારના આધારે ઇરાનને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ મોટી રાજદ્વારી જીત અને જંગી આર્થિક રાહત મળવા જઈ રહી છે.

 

મેહર ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા શાંતિ સમજૂતીના મુખ્ય ૧૪ મુદ્દાઓ નીચે મુજબ છે:

  ૧. લેબનોન સહિતના તમામ સૈન્ય મોરચાઓ પર તાત્કાલિક અને કાયમી ધોરણે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવશે.

  ૨. અમેરિકા આગામી ૩૦ દિવસની અંદર ઇરાન વિરુદ્ધ લાદવામાં આવેલી તમામ પ્રકારની દરિયાઈ નાકેબંધી (નેવલ બ્લોકેડ) સત્તાવાર રીતે હટાવી લેશે.

  ૩. અમેરિકા ઇરાનની સરહદોની આસપાસ અને આસપાસના વિસ્તારોમાં તૈનાત કરાયેલા પોતાના તમામ સૈન્ય દળોને પાછા ખેંચી લેશે.

  ૪. આગામી ૩૦ દિવસની અંદર હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને ઇરાનની વહીવટી ગોઠવણો અને નિયંત્રણ હેઠળ ફરીથી સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે.

  ૫. ઇરાન પર લાદવામાં આવેલા તેલ (ઓઇલ) અને પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટ્સના તમામ આકરા આર્થિક પ્રતિબંધો તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવશે.

  ૬. અમેરિકા અને તેના સહયોગી દેશો ઇરાનના વિકાસ માટે ૩૦૦ અબજ યુએસ ડોલરનો એક ભવ્ય પુનઃનિર્માણ પ્લાન (રિકન્સ્ટ્રક્શન પ્લાન) રજૂ કરશે.

  ૭. વિવિધ આંતરરાષ્ટ્રીય બેંકોમાં ફ્રીઝ થયેલા ઇરાનના ૨4 અબજ ડોલરના ભંડોળને આગામી ૬૦ દિવસમાં મુક્ત કરવામાં આવશે.

  ૮. આ મુક્ત થનારા ભંડોળમાંથી અડધોઅડધ એટલે કે ૧૨ અબજ ડોલરની રકમ સત્તાવાર વાટાઘાટો શરૂ થાય તે પહેલાં જ ઇરાનને વાપરવા માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

  ૯. ઇરાનના પરમાણુ મુદ્દાઓ અને બાકીના તમામ પ્રતિબંધોને કાયમી ધોરણે હટાવવા માટેની આખરી વાટાઘાટો ૬૦ દિવસ સુધી ચાલશે.

  ૧૦. આ બંને દેશો વચ્ચે થનારી અંતિમ સમજૂતીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના સત્તાવાર ઠરાવ દ્વારા સમર્થન અને મંજૂરી આપવામાં આવશે.

  ૧૧. ઇરાનના સૈન્ય મિસાઇલ પ્રોગ્રામ અંગેની કોઈપણ પ્રકારની ચર્ચાને વાટાઘાટોના ટેબલ પરથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે.

  ૧૨. હિઝબુલ્લાહ અને હુથી જેવા પ્રાદેશિક પ્રતિકારક જૂથો (રેઝિસ્ટન્સ ગૃપ્સ) ને ઇરાન દ્વારા આપવામાં આવતા સમર્થન અંગે પણ કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં.

  ૧૩. અમેરિકા ઇરાનની આંતરિક બાબતોમાં ક્યારેય દખલગીરી નહીં કરવાની સત્તાવાર આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે.

  ૧4. આ તમામ આર્થિક અને રાજદ્વારી સવલતોના બદલામાં ઇરાન પોતાના દ્વારા અત્યાર સુધી સંવર્ધિત કરવામાં આવેલો તમામ યુરેનિયમનો જથ્થો આંતરરાષ્ટ્રીય સમુદાયને સોંપી દેશે, લાંબા ગાળાના યુરેનિયમ સંવર્ધન પર કડક મર્યાદાઓ સ્વીકારશે અને ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ હથિયારો નહીં બનાવવાની સત્તાવાર ખાતરી આપશે.

 

આ ઐતિહાસિક દસ્તાવેજ પરથી સ્પષ્ટ થાય છે કે, તેહરાન હોર્મુઝની સામુદ્રધુની પર પોતાનું મજબૂત નિયંત્રણ જાળવી રાખશે, પોતાનો મિસાઇલ પ્રોગ્રામ અને પ્રોક્સી જૂથોને મદદ કરવાનું ચાલુ રાખશે અને બદલામાં ૨૪ અબજ ડોલરની તાત્કાલિક રાહત સાથે ૩૦૦ અબજ ડોલરનું મોટું ફંડ મેળવશે. જો આ કરાર પર બંને દેશો સત્તાવાર હસ્તાક્ષર કરશે, તો ઇરાનને ખૂબ મોટો આર્થિક સધ્ધરતાનો માર્ગ મળશે, પરંતુ ભવિષ્ય માટેના કેટલાક મુખ્ય વિવાદાસ્પદ મુદ્દાઓ હજુ પણ વણઉકેલાયેલા જ રહેશે. જો કે, આ 14 મુદ્દાના કરાર બાબતે હજુ સુધી, અમેરિકા કે ઈરાન દ્વારા સત્તાવાર જાહેરાત નથી કરાઈ.

(7:46 PM IST)