News of Friday, 12th June 2026
હોર્મુઝ બનશે ઈરાન માટે સોનાની ખાણ? દરિયાઈ માર્ગે અબજો ડોલર વસૂલવાનો માસ્ટરપ્લાન
વૈશ્વિક તેલ પુરવઠાના સૌથી વ્યૂહાત્મક રૂટ પર ટ્રાન્ઝિટ ટેરિફ લાદવાની ઈરાનની ગુપ્ત યોજનાથી ખળભળાટ: પ્રતિ બેરલ ૧ ડોલર વસૂલાય તો તેલના વેચાણ કરતા પણ બમણી વાર્ષિક કમાણી થવાનો અંદાજ

તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ૧૦૦ કરતાં વધુ દિવસોથી ચાલી રહેલા ભયંકર સૈન્ય સંઘર્ષ બાદ હવે યુદ્ધવિરામની આશા પ્રબળ બની છે, પરંતુ આ શાંતિની વચ્ચે ઈરાને વૈશ્વિક ઉર્જા બજારને હચમચાવી મૂકે તેવો એક નવો આર્થિક દાવ ખેલ્યો છે. આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, ઈરાન વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ 'હોર્મુઝ માંથી પસાર થતા તમામ તેલ ટેન્કરો પર પ્રતિ બેરલ આશરે ૧ ડોલરની ટ્રાન્ઝિટ ફી એટલે કે દરિયાઈ ટોલ ટેક્સ લાદવાની યોજનાનો ગંભીરતાથી અભ્યાસ કરી રહ્યું છે. જો આ નવું મોડેલ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવે, તો આ સાંકડા દરિયાઈ માર્ગ પર એકહથ્થુ વર્ચસ્વ ધરાવતા ઈરાનને વાર્ષિક ૭૦ થી ૮૦ અબજ ડોલરની વધારાની આવક થઈ શકે છે, જે વૈશ્વિક નાણાકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખશે.
આ આંકડો કેટલો વિશાળ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ઈરાને વર્ષ ૨૦૨૩ માં તેલની નિકાસમાંથી ૪૧.૧ અબજ ડોલર અને ૨૦૨૪ માં ૪૬.૭ અબજ ડોલરની કમાણી કરી હતી. એટલે કે, જો આ નવો દરિયાઈ ટેક્સ મંજૂર થાય તો ઈરાનને પોતાના કૂવાના તેલ વેચવા કરતાં માત્ર બીજાના જહાજો પસાર થવા દેવાથી બમણી કમાણી થશે. આંતરરાષ્ટ્રીય કડક પ્રતિબંધો અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પણ માર્ચ ૨૦૨૬ માં ઈરાનની દૈનિક તેલની આવક વધીને ૧૩૯ મિલિયન ડોલર પર પહોંચી ગઈ છે, જે તેની આર્થિક મજબૂતી દર્શાવે છે. પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડતી આ સામુદ્રધુનીમાંથી વિશ્વના કુલ દરિયાઈ તેલ વેપારનો આશરે ૨૦ ટકા ભાગ અને એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) નો મોટો જથ્થો પસાર થતો હોવાથી સાઉદી અરેબિયા, ઇરાક, કુવૈત અને યુએઈ જેવા દેશોની નિકાસ પણ સીધી ઈરાનની દયા પર આવી જશે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ફેબ્રુઆરીના અંતમાં થઈ હતી જ્યારે ઈરાને અમેરિકી-ઈઝરાયેલી સૈન્ય કાર્યવાહીના જવાબમાં આ રૂટ પર જહાજોની અવરજવર રોકી દીધી હતી, જેનાથી વિશ્વભરમાં ઇંધણના ભાવો ભડકે બળ્યા હતા અને હજારો જહાજો સમુદ્રમાં ફસાઈ ગયા હતા. શિપિંગ નિષ્ણાતોના મતે, યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં લાંબા સમય સુધી જહાજ થોભાવી રાખવું અતિશય ખર્ચાળ સાબિત થાય છે, કારણ કે કંપનીઓએ સતત ક્રૂનો પગાર, વીમા પ્રિમીયમ અને વધારાનું રિસ્ક ફંડ ચૂકવવું પડે છે. કથિત અહેવાલો તો એવા પણ છે કે સંઘર્ષ દરમિયાન સુરક્ષિત રસ્તો મેળવવા માટે કેટલીક મોટી કંપનીઓએ ગુપ્ત રીતે પ્રતિ જહાજ ૨ મિલિયન ડોલર સુધીની મસમોટી રકમ ચૂકવી હતી. આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા (UNCLOS) મુજબ આવા મુક્ત માર્ગ પર ટોલ વસૂલવો કાનૂની રીતે પડકારજનક છે, પરંતુ ઈરાન જે રીતે પોતાના ભૌગોલિક સ્થાનને આર્થિક હથિયાર બનાવી રહ્યું છે તે જોતા ભારત જેવા આયાતકાર દેશોની ઉર્જા સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
