<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

યુપી ચૂંટણી પહેલા માયાવતીનો મોટો સપાટો: બસપામાંથી વધુ બે દિગ્ગજ નેતાઓની હકાલપટ્ટી, આંતરિક જૂથબંધીથી 'હાથી' અકળાયો!

અનુશાસનહીનતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ પી.એન. ગર્ગ અને રવિ જાટવ પર પડી પક્ષની ગાજ; છેલ્લા ચાર મહિનામાં ૫ મોટા માથા સાફ થતાં રાજકારણ ગરમાયું

લખનૌ,: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે જ રાજકીય પક્ષોમાં આંતરિક ઉથલપાથલ અને શિસ્તભંગના પગલાં લેવાનો સિલસિલો અત્યંત તેજ બની ગયો છે. બહુજન સમાજ પાર્ટી (BSP) ના સુપ્રીમો માયાવતીએ ફરી એકવાર કડક વલણ અપનાવીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ બે મોટા નેતાઓને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. શુક્રવારે બસપાના જિલ્લા પ્રમુખ મનોજ કુમાર જાટવે સત્તાવાર પુષ્ટિ કરી છે કે પક્ષના વરિષ્ઠ નેતા પી.એન. ગર્ગ અને ભૂતપૂર્વ મંડલ પ્રભારી રવિ જાટવને તાત્કાલિક અસરથી પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. માયાવતીના આ આકરા નિર્ણયથી યુપીના રાજકારણમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
પેટાચૂંટણીમાં હાર બાદ પણ ન સુધર્યા, ચેતવણીઓ બાદ એક્શન
પાર્ટી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બસપાએ વર્ષ ૨૦૨૪ ની શહેર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પી.એન. ગર્ગને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, ચૂંટણીમાં કારમી હાર થયા બાદ તેમની કાર્યશૈલી શંકાના દાયરામાં આવી ગઈ હતી. પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો અને પાયાના કાર્યકરો સાથેના તેમના વ્યવહાર તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અંગે હાઈકમાન્ડ દ્વારા તેમને અનેક નોટિસો ફટકારીને સુધરી જવા માટે આખરી ચેતવણી આપવામાં આવી હતી. આ બધી લાલબત્તીઓ છતાં ગર્ગની વલણમાં કોઈ અપેક્ષિત સુધારો ન દેખાતા આખરે માયાવતીએ તેમને ઘરભેગા કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ ભૂતપૂર્વ મંડલ પ્રભારી રવિ જાટવ સામે પણ પક્ષ વિરોધી ષડયંત્રો રચવાના પુરાવા મળતા તેમના પર પણ પક્ષની ગાજ પડી છે.
૪ મહિનામાં ૫ નેતાઓ આઉટ: બસપામાં 'ઇન-આઉટ' ની રમત શરૂ
બસપામાં છેલ્લા કેટલાક સમયથી હકાલપટ્ટી અને ફરીથી પક્ષમાં સામેલ કરવાનો હાઈ-વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા માત્ર ચાર મહિનામાં જ માયાવતીએ પક્ષના ૫ દિગ્ગજ નેતાઓને બહારનો રસ્તો બતાવ્યો છે. આ અગાઉ ૨૪ એપ્રિલે સહારનપુર વિભાગના ઝોન ઇન્ચાર્જ હાજી સરફરાઝ અને કેરળના પાર્ટી ઇન્ચાર્જ જયપ્રકાશ સિંહને પણ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે, આ આકરી કાર્યવાહી વચ્ચે પણ પક્ષનો 'ડામેજ કંટ્રોલ' પણ ચાલુ છે. ગત ૧૭ માર્ચે મુરાદનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય વહાબ ચૌધરીને હાંકી કાઢવામાં આવ્યા હતા, પરંતુ રાજકીય સમીકરણો બદલાતા ગત ૨૮ મેના રોજ તેમને ફરી સન્માનભેર બસપામાં એન્ટ્રી આપી દેવાઈ હતી.
ચૂંટણી પહેલા કાર્યકરોમાં નીરસતા, માયાવતી સામે મોટો પડકાર
રાજકીય વિશ્લેષકોનું માનીએ તો, વિધાનસભાની મોટી લડાઈ પહેલા માયાવતી પોતાના સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત અને સંપૂર્ણપણે શિસ્તબદ્ધ કરવા માંગે છે. કોઈપણ પ્રકારની જૂથબંધી કે ગદ્દારી સાંખી ન લેવાનો આ કડક સંદેશ છે. જોકે, સતત થઈ રહેલી આ આંતરિક તોડફોડને કારણે પક્ષના પાયાના કાર્યકરોમાં અપેક્ષિત ઉત્સાહ અને સક્રિયતા જોવા મળી રહી નથી. એક તરફ પક્ષ નેતૃત્વ સંગઠન મજબૂત હોવાના દાવા કરે છે, તો બીજી તરફ જમીની સ્તરે નેતાઓની નારાજગી બસપા માટે આગામી ચૂંટણીમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે માયાવતીનો આ 'ચૂંટણી શુદ્ધિકરણ' નો દાવ બસપાના હાથીને સત્તાની રેસમાં કેટલો આગળ લઈ જાય છે.

(8:22 PM IST)