<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

મેગીના પેકેટમાંથી નીકળ્યા કીડા! એક્શન મોડમાં FSSAI એ નેસ્લેને ફટકારી કડક નોટિસ; શેરબજારમાં નેસ્લેના શેર ૩% કડડભૂસ

ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ રેગ્યુલેટરની મોટી કાર્યવાહી; ફ્લિપકાર્ટ મિનિટ્સ, ઓપન સિક્રેટ અને આંધ્રપ્રદેશના KFC આઉટલેટને પણ સપાટામાં લીધા

નવી દિલ્હી : ભારતના કરોડો લોકો અને ખાસ કરીને બાળકોની ફેવરિટ એવી 'મેગી' (Maggi) ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. મેગીના પેકેટમાંથી કીડા અને લાર્વા (જીવાત) મળી આવ્યા હોવાની ગંભીર ફરિયાદ ઉઠ્યા બાદ દેશની સર્વોચ્ચ ફૂડ સેફ્ટી સંસ્થા FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ કડક વલણ અપનાવ્યું છે. FSSAI એ આ મામલે તુરંત એક્શન લેતા મેગી બનાવતી માતૃ કંપની નેસ્લે ઇન્ડિયા (Nestle India) ને કારણદર્શક નોટિસ ફટકારી દીધી છે. આ નકારાત્મક સમાચારની સીધી અસર શેરબજાર પર જોવા મળી હતી, જ્યાં શુક્રવારે નેસ્લે ઇન્ડિયાના શેર રૂ. ૪૩.૪૦ (આશરે ૩.૦૫%) ના મોટા ઘટાડા સાથે રૂ. ૧,૩૭૮ ની આસપાસ બંધ આવ્યા હતા.
FSSAI એ નેસ્લે પાસે માંગ્યો જવાબ અને એકશન પ્લાન
ફૂડ રેગ્યુલેટરે નેસ્લે ઇન્ડિયાને મોકલેલી નોટિસમાં આ વિવાદિત પ્રોડક્ટના આખા બેચની કુંડળી માંગી છે. સંસ્થાએ કંપનીને નીચેની વિગતો તાત્કાલિક જમા કરાવવા આદેશ આપ્યો છે:
•    આ ચોક્કસ બેચ માટે વપરાયેલ કાચો માલ કયા સ્ત્રોત અને સપ્લાયર પાસેથી આવ્યો હતો?
•    કંપનીનો આંતરિક ગુણવત્તા નિરીક્ષણ (Internal Quality Inspection) અહેવાલ શું કહે છે?
•    બજાર અને સપ્લાય ચેઈનમાંથી આવા ખામીયુક્ત પેકેટોને તાત્કાલિક હટાવવા માટે શું પગલાં લેવાયા?
•    ભવિષ્યમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડાં ન થાય તે માટે કંપનીનો એક્શન પ્લાન શું છે?
ઓનલાઈન ડિલિવરી એપ 'Flipkart Minutes' અને KFC પણ સપાટામાં
FSSAI માત્ર નેસ્લે પર જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી અન્ય ફરિયાદોના આધારે ઈ-કોમર્સ દિગ્ગજ ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને હેલ્ધી સ્નેક્સ બ્રાન્ડ 'ઓપન સિક્રેટ' (Open Secret) સામે પણ લાલઆંખ કરી છે. ફરિયાદ અનુસાર, ઝડપી ડિલિવરી સર્વિસ 'ફ્લિપકાર્ટ મિનિટ્સ' દ્વારા મંગાવવામાં આવેલા ઓપન સિક્રેટના ખજૂર (Dates) ના પેકેટમાંથી જીવતા જંતુઓ મળી આવ્યા હતા. નિયમનકારે આ બંને કંપનીઓ પાસે પણ ગુણવત્તાના રેકોર્ડ અને સુધારાત્મક પગલાંના અહેવાલો માંગ્યા છે.
આ ઉપરાંત, આંધ્રપ્રદેશના એલુરુમાં આવેલા પ્રખ્યાત MVR મોલના કેએફસી (KFC) આઉટલેટમાં પણ ગંદકી અને અસ્વસ્થતા હોવાની ફરિયાદ બાદ નોટિસ મોકલવામાં આવી છે. KFC ને તેમના આઉટલેટમાં વેસ્ટ મેનેજમેન્ટ, જંતુ નિયંત્રણ (Pest Control) અને સ્ટાફની પર્સનલ હાઇજીનની ખામીઓ સુધારીને પુરાવા સાથે રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું છે.
FSSAI એ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તે સોશિયલ મીડિયા પર ગ્રાહકોની દરેક ફરિયાદનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યું છે. જો કોઈપણ બ્રાન્ડ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે, તો કાયદા હેઠળ તેમની સામે કડક કાનૂની કાર્યવાહી અને દંડ કરવામાં આવશે.

(8:25 PM IST)