તા. ૨૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૫ શુક્રવાર
પીએમ મોદી માત્ર લાંબો કાર્યકાળ ભોગવનાર નહીં, પણ ભારતના ઇતિહાસના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી: મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસનો મોટો દાવો!
પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશમાં આવ્યું ૩૬૦ ડિગ્રી પરિવર્તન; ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ગરીબોના ખાતામાં રૂ. ૫૧ લાખ કરોડ જમા કરાવ્યા

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમના ઐતિહાસિક કાર્યકાળના મુક્ત કંઠે વખાણ કર્યા છે. મુંબઈમાં આયોજિત એક ભવ્ય પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ફડણવીસે એક મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "નરેન્દ્ર મોદી માત્ર ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી જ નથી, પરંતુ તેઓ આઝાદ ભારતના ઇતિહાસના અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ પ્રધાનમંત્રી (Best Prime Minister) પણ સાબિત થયા છે." તેમણે ઉમેર્યું કે પીએમ મોદીના વિઝનરી નેતૃત્વને કારણે જ આજે વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વાગી રહ્યો છે અને દેશમાં ૩૬૦ ડિગ્રી પરિવર્તન જોવા મળ્યું છે.
સમયગાળો નહીં, પણ દેશમાં થયેલા બદલાવ મહત્વના છે
પીએમ મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ સંભાળવાનો રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ ઐતિહાસિક ઉપલબ્ધિનું મહત્વ માત્ર એ વાતમાં નથી કે તેમણે કેટલા વર્ષ શાસન કર્યું, પરંતુ મહત્વ એ વાતનું છે કે આ સમયગાળા દરમિયાન દેશના સામાન્ય નાગરિકના જીવનમાં કેટલો સકારાત્મક સુધારો આવ્યો છે. મોદી સરકારે દેશના અર્થતંત્ર અને વહીવટી તંત્રનો ચહેરો સંપૂર્ણપણે બદલી નાખ્યો છે.
ગરીબો અને ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓનો ધોધ
કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અને જનકલ્યાણના કાર્યો પર પ્રકાશ પાડતા દેવેન્દ્ર ફડણવીસે આંકડાકીય વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે મોદી સરકારની નીતિઓને કારણે દેશના આશરે ૨૫ કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર લાવવામાં મોટી સફળતા મળી છે. આ ઉપરાંત દેશના ૮૦ કરોડ નાગરિકોને અનાજ આપીને ખાદ્ય સુરક્ષા (Food Security) પુરી પાડવામાં આવી રહી છે. તેમણે કેન્દ્ર સરકારની લોકપ્રિય યોજનાઓ જેવી કે:
• પીએમ-કિસાન યોજના: ખેડૂતોને સીધી આર્થિક સહાય.
• આયુષ્માન ભારત: ગરીબોને મફત તબીબી સારવારની ગેરંટી.
• જન ધન અને પીએમ આવાસ યોજના: દરેક ગરીબને પાકું મકાન અને બેંકિંગ સુવિધા.
• ઉજ્જવલા અને લખપતિ દીદી કાર્યક્રમ: મહિલા સશક્તિકરણ અને રોજગારના નવા અવસરો.
સુશાસનની સૌથી મોટી મિસાલ: ₹૫૧ લાખ કરોડ સીધા ખાતામાં
ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું કે ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન (Good Governance) અને અત્યંત કાર્યક્ષમ વહીવટી તંત્ર એ પીએમ મોદીના કાર્યકાળની સૌથી મોટી તાકાત રહી છે. અગાઉની સરકારોમાં વચેટિયાઓ ગરીબોનો હક મારી જતા હતા, જ્યારે મોદી સરકારે ટેક્નોલોજીના માધ્યમથી પારદર્શિતા લાવીને અત્યાર સુધીમાં વિવિધ સરકારી યોજનાઓ હેઠળ અધધધ... ₹૫૧ લાખ કરોડ સીધા જ જરૂરિયાતમંદ નાગરિકોના બેંક ખાતામાં (Direct Benefit Transfer) જમા કરાવ્યા છે, જે પોતાનામાં જ એક વર્લ્ડ રેકોર્ડ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
