<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

ભારતીય જહાજ પર ઈરાની ડ્રોન હુમલાનો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સનસનીખેજ દાવો !!

આકરા શબ્દોમાં વખોડ્યો, કહ્યું, આ હરકત બિલકુલ અસ્વીકાર્ય: દરમિયાન યુએસ સેનાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનના બે 'વન-વે એટેક ડ્રોન' તોડી પાડ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો કર્યો છે કે, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા ભારતીય જહાજો પર ગઈકાલે રાત્રે ઈરાન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને 'સંપૂર્ણપણે અસ્વીકાર્ય' ગણાવીને ટ્રમ્પે ઈરાનને તાત્કાલિક પોતાની હરકતો સુધારવા આકરી ચેતવણી આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ દાવાએ ભારે ચકચાર જગાવી છે. ઉલ્લેખનીય છે કે, કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા અને ૨૦ ક્રૂ મેમ્બર્સ ધરાવતા અન્ય જહાજ પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું. હવે ખુદ અમેરિકન રાષ્ટ્રપતિએ આ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાનો સ્પષ્ટ ઘટસ્ફોટ કરતા મામલો ગરમાયો છે.

આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય જહાજોની સુરક્ષાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ટ્રમ્પે ખુલ્લા શબ્દોમાં દાવો કર્યો છે કે હોર્મુઝની સામુદ્રધુની છોડી રહેલા ભારતીય જહાજો પર ગઈકાલે રાત્રે ઈરાન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતા ટ્રમ્પે ઈરાનની આ હરકતની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને તેને 'સંપૂર્ણપણે અસ્વીકાર્ય' ગણાવી હતી.

ટ્રમ્પે આકરા તેવર બતાવતા ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ તાત્કાલિક પોતાની હરકતો સુધારી લે. ઉલ્લેખનીય છે કે, ઓમાન નજીક કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલાઓમાં ત્રણ ભારતીય ખલાસીઓએ જીવ ગુમાવ્યો હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે અને ૨૦ ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા અન્ય એક જહાજ પર પણ હુમલો થયો હતો. અત્યાર સુધી આ હુમલાઓ પાછળ કોનો હાથ છે તે અંગે અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે અમેરિકન રાષ્ટ્રપતિએ જ સીધો ઈરાન પર આરોપ લગાવતા વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. 

 

ફોક્સ ન્યૂઝના અહેવાલો મુજબ, યુએસ સેનાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનના બે 'વન-વે એટેક ડ્રોન' તોડી પણ પાડ્યા હતા.

આ ડ્રોન હુમલાની સાથે સાથે ટ્રમ્પે ઈરાન પર શાંતિ કરારની ખોટી વિગતો મીડિયામાં લીક કરવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર અંતિમ તબક્કામાં હોવાની વાત ઈરાને નકારી કાઢ્યા બાદ ટ્રમ્પ ભારે રોષે ભરાયા છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાન દ્વારા લીક કરાયેલી શરતો અને વાસ્તવિક લેખિત કરાર વચ્ચે કોઈ જ સંબંધ નથી અને તેઓ અત્યંત બેઈમાન લોકો છે. 

 

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતે પણ આકરૂં વલણ અપનાવીને અમેરિકન રાજદ્વારી જેસન મીક્સને સતત બીજી વખત સમન્સ પાઠવીને દરિયાઈ હુમલાઓ અને ભારતીય નાગરિકોની સુરક્ષા મામલે જવાબ માંગ્યો છે.

(8:41 PM IST)