<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

મેડિકલ જગતમાં ભારે હોબાળો: કૉમેડી શોમાં 'પુરુષ શબ' પર અશ્લીલ મજાક કરનાર લેડી ડૉક્ટર સામે KEM હોસ્પિટલ લાલઘૂમ, માતા-પિતાને બોલાવી લેવાશે આકરા પગલાં!

સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરેના શોનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ફાટી નીકળ્યો જનઆક્રોશ; MBBS ની વિદ્યાર્થીની સેજલ પવારે માફી માગી છતાં મેડિકલ કાઉન્સિલ એક્શનના મૂડમાં

મુંબઈ : મુંબઈની પ્રતિષ્ઠિત કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હોસ્પિટલ અને મેડિકલ કોલેજ હાલમાં એક મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરેના એક પબ્લિક શો દરમિયાન સંસ્થાની MBBS ની વિદ્યાર્થીની ડૉ. સેજલ પવાર દ્વારા 'પુરુષ શબ' (Male Cadaver) વિશે કરવામાં આવેલી અત્યંત આપત્તિજનક અને લજ્જાસ્પદ ટિપ્પણી પર હોસ્પિટલ પ્રશાસને સખત વલણ અપનાવ્યું છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ આ ટિપ્પણીને તબીબી વ્યવસાયની ગરિમા વિરુદ્ધ, અસંવેદનશીલ અને સદંતર વાંધાજનક ગણાવીને આ મામલે હાઈ-લેવલ તપાસ બાદ કડક શિસ્તભંગના પગલાં લેવાની જાહેરાત કરી છે.
શું હતો સમગ્ર વિવાદ? જેણે ડોક્ટરોને પણ નારાજ કર્યા
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રણિત મોરેના કોમેડી શોની એક ક્લિપ ઝડપથી વાયરલ થઈ હતી. આ વીડિયોમાં શોમાં ઓડિયન્સ તરીકે બેઠેલી મેડિકલ સ્ટુડન્ટ સેજલ પવાર માઇક પર એનાટોમી લેબમાં રાખવામાં આવતા પુરુષ શબના ગુપ્તાંગના કદ (Size) વિશે અત્યંત અશોભનીય મજાક અને સરખામણી કરતી સાંભળવા મળી હતી. તબીબી અભ્યાસ માટે રાખવામાં આવતા માનવ શરીર પ્રત્યે આવી નિર્દયી અને અભદ્ર મજાક સામે આવતા જ મેડિકલ એસોસિએશન અને સિનિયર ડોક્ટરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ જ શોમાં હિમાંશુ જાંગરા નામના અન્ય એક શખ્સની '₹૩૭૦ બિરયાની' વાળી ટિપ્પણી પણ વિવાદોમાં ઘેરાઈ છે, જેના પર મહારાષ્ટ્ર સાયબર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
KEM હોસ્પિટલની તપાસ કમિટીનો ચોંકાવનારો અહેવાલ
મામલો વણસતા જ KEM હોસ્પિટલના ડીન દ્વારા તાત્કાલિક એક ખાસ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. હોસ્પિટલે શુક્રવારે જારી કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "સમિતિએ વાયરલ વીડિયોના તમામ રેકોર્ડિંગની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી છે અને સંબંધિત વિદ્યાર્થીની પૂછપરછ પણ કરી છે. પ્રારંભિક ફેક્ટ-ફાઇન્ડિંગ રિપોર્ટ સબમિટ થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર, જાહેરમાં કરવામાં આવેલી આ ટિપ્પણીઓ તબીબી વિદ્યાર્થી પાસેથી અપેક્ષિત ગૌરવ, સહાનુભૂતિ, સંયમ અને વ્યાવસાયિક જવાબદારીની વિરુદ્ધ છે."
શનિવારે માતા-પિતાની હાજરીમાં કાઉન્સેલિંગ અને સજાની જાહેરાત
અહેવાલો અનુસાર, વિવાદ વધતાં સેજલ પવારે હોસ્પિટલ પ્રશાસનને લેખિતમાં માફીપત્ર સોંપ્યું છે અને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને સ્વીકાર્યું છે કે તેના શબ્દોથી લોકોની લાગણી દુભાઈ છે અને તેનો હેતુ કોઈના અનાદરનો નહોતો. જોકે, વરિષ્ઠ ડોક્ટરો આ માફીથી સંતુષ્ટ નથી. હોસ્પિટલના આદેશ અનુસાર, શનિવારે સેજલ પવારને તેના માતા-પિતાની હાજરીમાં કડક કાઉન્સેલિંગ સેશનમાંથી પસાર થવું પડશે. ત્યારબાદ સક્ષમ અધિકારીઓ દ્વારા નક્કી કરાયેલો સસ્પેન્શન કે અન્ય કોઈ કાનૂની શિસ્તભંગનો લેખિત ઓર્ડર પાસ કરવામાં આવશે, અને આ ઔપચારિકતા પૂર્ણ થયા પછી જ તેને વાલીઓ સાથે ઘરે જવાની મંજૂરી અપાશે.

(8:42 PM IST)