<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

કોર્પોરેટ ટોર્ચરની ભયાનક પરાકાષ્ઠા: પુણેમાં TCS ના સિનિયર ટેકીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, ૨ મહિલા સાથીદારો સહિત ૩ સામે ગુનો દાખલ!

સુસાઇડ નોટમાં ખુલ્યું દર્દનાક સત્ય: 'બધાની સામે મારું અપમાન કરાતું, ક્ષમતા બહારના કામ આપી નોકરી છોડવા ધમકાવાતો'; આઈટી સેક્ટરમાં ખળભળાટ મચાવતી ઘટના

પુણે : આઈટી હબ ગણાતા પુણે શહેરમાંથી એક હૃદયદ્રાવક અને કોર્પોરેટ કલ્ચરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દેશની અગ્રણી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ની હિંજવાડી ઓફિસમાં કામ કરતા ૪૮ વર્ષીય કર્મચારી અમિત બ્રહ્મેએ પોતાની કંપનીની જ બે મહિલા સાથીદારોની કથિત માનસિક સતામણીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આ મામલે પિંપરી-ચિંચવડના ભોસરી પોલીસ સ્ટેશનમાં કંપનીની બે મહિલા કર્મચારીઓ સહિત ત્રણ વ્યક્તિઓ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.
સુસાઇડ નોટમાં દર્શાવી આપવીતી: 'બીજા કર્મચારીઓની સામે મારું અપમાન કરાતું'
પોલીસ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, અમિત બ્રહ્મેએ ગત ૨ જૂનના રોજ ભોસરી સ્થિત પોતાના નિવાસસ્થાને ફાંસી લગાવીને આપઘાત કર્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં કોર્પોરેટ શોષણની ભયાનક કહાની સામે આવી છે. અમિતે નોટમાં કંપનીની જ બે મહિલા સાથીદારો, અર્ચના અને શાશ્વતીના નામ લખ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ બંને મહિલાઓ વારંવાર અન્ય કર્મચારીઓની સામે તેમનું અપમાન કરતી હતી, તેમને યોગ્ય કામ સોંપવાનો ઇનકાર કરતી હતી અને જાણીજોઈને તેમની કુશળતા (Skills) ની બહારના પ્રોજેક્ટ્સ આપીને હેરાન કરતી હતી.
નોકરી છોડી દેવાની ધમકી અને બદનક્ષીભર્યા ઇમેઇલ
સુસાઇડ નોટમાં વધુમાં ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ બંને મહિલાઓ અમિતના પરફોર્મન્સ બદલ બધાની સામે તેને ખરાબ રીતે ઠપકો આપતી હતી અને નોકરી છોડી દેવા માટે દબાણ કરી ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપતી હતી. આ સિવાય, અમિતે તેના એક અન્ય મિત્ર વિનોદ પાલિચાનું પણ નામ લીધું છે, જેણે કંપનીને અમિત વિરુદ્ધ બદનક્ષીભર્યા અને ખોટા ઇમેઇલ્સ મોકલીને તેની કારકિર્દી બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સતત માનસિક તણાવ સહન ન થતાં આખરે આઈટી એન્જિનિયરે આ આત્યંતિક પગલું ભરી લીધું હતું.
પોલીસ એક્શન અને TCS કંપનીનું સત્તાવાર નિવેદન
મૃતક કર્મચારીના પુત્ર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ભોસરી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BJS) ની કલમ ૧૦૮ (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, આ મામલે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
બીજી તરફ, આઈટી જાયન્ટ ટીસીએસએ આ મામલે ઊંડો શોક વ્યક્ત કરતા એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે કે, "અમારા કર્મચારીઓની સુખાકારી અમારા માટે સર્વોપરી છે. અમે શોકગ્રસ્ત પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ. બંને મહિલા કર્મચારીઓ સામેના આરોપોની આંતરિક તપાસ કરીને હકીકતોની ચકાસણી કરવામાં આવી રહી છે."
દરમિયાન, આઈટી કર્મચારીઓના હિત માટે લડતા સંગઠન 'NITES' (Nascent Information Technology Employees Senate) એ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખ્યો છે અને આ હાઈ-પ્રોફાઈલ આત્મહત્યા કેસની તટસ્થ અને કડક તપાસ કરવાની માંગ કરી છે.

(9:39 PM IST)