<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

દેશભરમાં ચોમાસું પ્રચંડ વેગે આગળ વધતાં બંગાળની ખાડી સહિત ઓડિશા અને બિહારમાં ધમાકેદાર એન્ટ્રી : અસમ અને મેઘાલયમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

દિલ્હી-પંજાબ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકા-ભડાકાની હવામાન વિભાગની મોટી આગાહી : પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને કેરળમાં પણ મેઘરાજા ધમધમશે

નવી દિલ્હી:દેશમાં ચોમાસાની પ્રગતિને લઈને હવામાન વિભાગ (IMD) દ્વારા અત્યંત મહત્વના અને મોટા અહેવાલો જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે વધુ આક્રમક બનીને બંગાળની ઉત્તર-પશ્ચિમ ખાડીના સમગ્ર વિસ્તારમાં સંપૂર્ણપણે આગળ વધી ગયું છે. આ સાથે જ ચોમાસાએ પશ્ચિમ બંગાળ અને બિહારના વધુ કેટલાક ભાગો તેમજ ઓડિશા અને ઝારખંડના વિવિધ વિસ્તારોમાં સત્તાવાર રીતે ધમાકેદાર પ્રવેશે કરી લીધો છે, જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રચંડ વરસાદી માહોલ જામ્યો છે.

હવામાન વિભાગે કુદરતી આફતની ચેતવણી આપતા આવતીકાલે અસમ અને મેઘાલયમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે 'ઓરેન્જ કલર' નું એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વ ભારતની સાથે બિહાર, કેરળ, માહે, ઓડિશા અને પશ્ચિમ બંગાળના હિમાલયન વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ, દેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની આશંકા છે. હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, આવતીકાલે દેશની રાજધાની દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ તેમજ કોંકણ અને ગોવામાં ભારે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડું (થંડરસ્ટોર્મ) આવવાની આશંકા છે. આગામી બે દિવસ દરમિયાન અંડમાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ અને છત્તીસગઢમાં પણ આવું જ તોફાની વાતાવરણ જોવા મળી શકે છે. આ સાથે રાજસ્થાન, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં તીવ્ર ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદી વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી અપાઈ છે.

રાજધાની દિલ્હીના હવામાનની વિગતો આપતા એજન્સીએ જણાવ્યું છે કે, આવતીકાલે દિલ્હીમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૬ થી ૩૮ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૨ થી ૨૪ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાવાની સંભાવના છે, જેનાથી લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળશે.

(10:39 PM IST)