હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એક-બે નહીં, ૧૯ સરકારી નોકરીની પરીક્ષા પાસ કરીને સર્જ્યો ઇતિહાસ
અસાધારણ સિદ્ધિ બદલ ચારુ પાંડેનું સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે થશે સન્માન : જો વિદ્યાર્થીઓ સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરે, સમયનું યોગ્ય આયોજન કરે અને સતત મહેનત કરે તો સફળતા ચોક્કસ મળે છે

રાયપુર,તા.૧૩: કોઈએ સાચું જ કહ્યું છે કે, જેઓ પ્રયાસ કરે છે તેઓ ક્યારેય નિષ્ફળ જતા નથી. છત્તીસગઢની આશાસ્પદ પુત્રી ચારુ પાંડેએ આ વાક્યને પોતાના જુસ્સા અને મહેનતથી સાચું સાબિત કર્યું છે. માત્ર ૨૩ વર્ષની ઉંમરે ચારુએ લાખો ઉમેદવારો જેનું સ્વપ્ન જુએ છે તેવી સિદ્ધિ હાંસલ કરી છે. તેણીએ SSC, બેંકિગ, રેલ્વે અને પોલીસ સહિત કુલ ૧૯ સરકારી ભરતી પરીક્ષાઓ પાસ કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ અસાધારણ સિદ્ધિ બદલ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના સન્માનમાં સુવર્ણ ચંદ્રક અર્પણ કરશે.
રાયપુર જિલ્લાના તિલ્ડા-નેવારાની રહેવાસી ચારુ લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. તેણીની સફળતા સાબિત કરે છે કે લ્લઢ નિヘય, સખત મહેનત અને યોગ્ય વ્યૂહરચના દ્વારા કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.
ચારુ પાંડેએ પોતાનું પ્રાથમિક શિક્ષણ તિલ્ડા-નેવારામાં પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેણીએ દુર્ગની હેમચંદ્ર યાદવ યુનિવર્સિટીમાંથી ગણિત વિષયમાં ગ્.લ્ણૂ.ની ડિગ્રી મેળવી. અભ્યાસ દરમિયાન જ તેણીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી હતી. હાલમાં ચારુ ચેન્નાઈમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) કાર્યાલયમાં સહાયક ઓડિટ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમની સિદ્ધિઓ હવે માત્ર છત્તીસગઢ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે.
ચારુએ SSC CGL, SSC CHSL, SSC MTS, SSC GD અને SSC CPO સહિતની અનેક મહત્વપૂર્ણ SSC પરીક્ષાઓ પાસ કરી છે. ઉપરાંત IBPS PO, IBPS ક્લાર્ક, SBI PO અને SBI ક્લાર્ક જેવી બેંકિગ પરીક્ષાઓમાં પણ સફળતા મેળવી છે. રેલ્વે ભરતી બોર્ડની NTPC અને ગ્રુપ-D પરીક્ષાઓ પણ તેણીએ પાસ કરી છે. આ ઉપરાંત દિલ્હી પોલીસ, છત્તીસગઢ સબ-ઇન્સ્પેક્ટર અને ટ્રાન્સપોર્ટ સબ-ઇન્સ્પેક્ટરની ભરતી પરીક્ષાઓમાં પણ તેણી સફળ રહી છે. CG NHM સહિત અન્ય અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તેણીએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે.
ચારુની સફળતાની સફર સરળ નહોતી. શરૂઆતના તબક્કામાં તેણીને અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી પરીક્ષાઓમાં તે સફળ થઈ શકી નહોતી, પરંતુ હાર માનવાને બદલે તેણીએ પોતાની નબળાઈઓ ઓળખી અને સતત સુધારાનો માર્ગ અપનાવ્યો. ચારુ માને છે કે નિષ્ફળતા અંત નથી, પરંતુ પોતાની જાતને વધુ સારી બનાવવા માટેની તક છે. આ જ વિચારધારાએ તેને સતત આગળ વધારતી રહી.
ચારુ જણાવે છે કે, તેની તૈયારી વિષયવાર વ્યૂહરચના, નિયમિત મોક ટેસ્ટ અને સતત સ્વ-મૂલ્યાંકન પર આધારિત હતી. દરેક પરીક્ષા પછી તેણી પોતાની ભૂલોનું વિશ્લેષણ કરતી અને આગામી પરીક્ષા માટે તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરતી. તેણીનું માનવું છે કે જો વિદ્યાર્થીઓ સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરે, સમયનું યોગ્ય આયોજન કરે અને સતત મહેનત કરે તો સફળતા ચોક્કસ મળે છે.
ચારુ પાંડેની આ પ્રેરણાદાયી વાર્તા એ સંદેશ આપે છે કે સપનાઓ મોટા હોય તો પડકારો ક્યારેય રસ્તો રોકી શકતા નથી. નાના શહેરની આ પુત્રી આજે દેશભરના યુવાનો માટે આશા, સંઘર્ષ અને સફળતાનું પ્રતીક બની ગઈ છે. તેમની સિદ્ધિ માત્ર છત્તીસગઢ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
