<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

મતદાર યાદીમાંથી સ્‍મૃતિ ઈરાનીનું નામ ગાયબ

હાઇપ્રોફાઇલ રાજકીય ઘટનાને કારણે સમગ્ર જિલ્‍લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ

અમેઠી,તા.૧૩: ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્‍લામાં પંચાયત ચૂંટણીને લઈને જાહેર કરવામાં આવેલી આખરી મતદાતા યાદી માંથી પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઈરાનીનું નામ ગાયબ હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે. આ હાઇપ્રોફાઇલ રાજકીય ઘટનાને કારણે સમગ્ર જિલ્‍લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, વિધાનસભા મતવિસ્‍તારની સામાન્‍ય મતદાતા યાદીમાં તેમનું નામ હજુ પણ નોંધાયેલું છે.

મળતી વિગતો અનુસાર, સ્‍મૃતિ ઈરાનીએ વર્ષ ૨૦૨૧માં અમેઠીના ગૌરીગંજ હેઠળ આવતા મેદન મવઈ ગામમાં ૧૧ વીઘા જમીન ખરીદી હતી. ત્‍યારબાદ ૨૯ જુલાઈ ૨૦૨૧ ના રોજ તેમના પુત્ર જોહર ઈરાનીએ આ જમીન પર ભૂમિપૂજન કરીને આવાસ નિર્માણનો પાયો નાખ્‍યો હતો. ઘર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ તેમણે ગૃહપ્રવેશ કર્યો હતો. આ નવા ઘરના આધારે જ તેમનું નામ ગામના 'લીલા ટિકરા' બૂથની મતદાતા યાદીમાં નોંધાયું હતું, અને તેમણે વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આ જ બૂથ પર મતદાન પણ કર્યું હતું. આ પહેલાં તેઓ મુંબઈ ઉત્તર-પヘમિ સંસદીય ક્ષેત્રના મતદાતા હતા.

આ સમગ્ર વિવાદ અંગે અમેઠીના જિલ્‍લાધિકારી (DM) સંજય ચૌહાણે સત્તાવાર માહિતી આપતાં જણાવ્‍યું કે, 'પંચાયત ચૂંટણીની મતદાતા યાદીમાં નામ સામેલ કરાવવા માટે સામાન્‍ય ચૂંટણી કરતાં અલગથી નિયમ મુજબનું અરજીપત્રક ભરવું પડે છે. પ્રશાસન દ્વારા અત્‍યારે આ મામલે કાયદેસરની તપાસ કરવામાં આવી રહી છે, અને જૂના રેકોર્ડ્‍સની ચકાસણી ચાલુ છે. અમે એ વાતની તપાસ કરાવી રહ્યા છીએ કે, પંચાયત ચૂંટણી માટેનું જરૂરી અરજીપત્રક સમયસર જમા કરવામાં આવ્‍યું હતું કે નહીં. જો સત્તાવાર તપાસમાં અરજી મળી આવશે, તો નિયમાનુસાર તેમનું નામ પંચાયતની મતદાતા યાદીમાં તાત્‍કાલિક ઉમેરી દેવામાં આવશે. તપાસ અહેવાલ આવ્‍યા બાદ જ સ્‍થિતિ સંપૂર્ણપણે સ્‍પષ્ટ થશે.'

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણી માટેની આખરી મતદાતા યાદી ૧૦ જૂન ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી અનુસાર, ઉત્તર પ્રદેશમાં હવે પંચાયત ચૂંટણીના કુલ મતદાતાઓની સંખ્‍યા ૧૨ કરોડ ૫૮ લાખ ૫૧ હજાર ૫૭૦ (૧૨,૫૮,૫૧,૫૭૦) પર પહોંચી ગઈ છે. વર્ષ ૨૦૨૧માં આ સંખ્‍યા ૧૨ કરોડ ૨૯ લાખ ૫૦  હજાર ૦૫૨ (૧૨,૨૯,૫૦,૦૫૨) હતી, જેની સરખામણીએ આ વર્ષે ૨૯ લાખ ૦૧ હજાર ૫૧૮ (૨૯,૦૧,૫૧૮) મતદારોનો મોટો વધારો નોંધાયો છે. ચૂંટણી પંચના વિશેષ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આ વખતે ૨ કરોડ ૩૨ લાખ ૨૪  હજાર ૮૦૫ (૨,૩૨,૨૪,૮૦૫) નવા નામ ઉમેરવામાં આવ્‍યા છે, જ્‍યારે મૃત્‍યુ પામેલા કે અપાત્ર એવા ૨ કરોડ ૦૩ લાખ ૨૩ હજાર ૨૮૭ (૨,૦૩,૨૩,૨૮૭) નામો યાદીમાંથી હટાવવામાં આવ્‍યા છે

 

(10:07 AM IST)