<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

લ્‍યો બોલો ...ચોર ૧૩૨ ફુટ ઊંચો મોબાઈલ ટાવર ચોરી ગયા

ભારે કરી! બિહારમાં બની ચોરીની અનોખી ઘટના

બક્‍સર,તા.૧૩: બિહારના બક્‍સર જિલ્‍લામાંથી ચોરીની એક એવી ઘટના સામે આવી છે, જેણે પોલીસ અને સ્‍થાનિક લોકોને ચોંકાવી દીધા છે. મોટા ભાગે ચોર ઘર, દુકાન, ગોદામ અથવા વાહન ચોરી કરે છે. પણ આ વખતે ચોરોએ એવો કાંડ કર્યો છે, જેની ભાગ્‍યે જ કોઈએ કલ્‍પના કરી હોય. અહીં ડુમરાંવ નગર વિસ્‍તારમાં આવેલા ૧૩૨ ફુટ ઊંચા મોબાઈલ ટાવરને જ ગાયબ કરી નાખ્‍યો. એટલું જ નહીં. ચોર ટાવર સાથે રાખેલા મહત્ત્વના ઉપકરણો અને જનરેટર પણ પોતાની સાથે લઈ ગયા.

 સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ટાવર ડુમરાવ નગર વિસ્‍તારના એક રહેણાંક વિસ્‍તારમાં આવેલો હતો અને પોલીસ ચોકી પણ તેનાથી દૂર નથી. તેમ છતાં ચોર કેટલાય દિવસ સુધી ટાવરને ખોલતા રહ્યા અને આ વાતની જાણ કોઈને પણ થઈ નહીં. ઘટના સામે આવ્‍યા બાદ વિસ્‍તારમાં ચર્ચાનો માહોલ છે કે આખરે આટલો મોટો ટાવર કેવી રીતે ગાયબ થઈ ગયો, જેની કોઈને જાણ પણ ન થઈ.

આપને જણાવી દઈએ કે, આ ટાવર GTL કંપનીનો હતો અને કેટલાય વર્ષોથી બંધ પડ્‍યો હતો. હાલમાં જ કંપનીના અધિકારીઓ ટાવરને રિપેર કરવા અને તપાસ કરવા માટે પહોંચ્‍યા તો તેમને ચોંકાવનારી વાત જાણવા મળી. ત્‍યાં જઈને જોયું તો આખો ટાવર જ ગાયબ હતો. ચોરોએ કેટલાય દિવસ સુધી ચોરીનું કામ કર્યું. પણ આ વિસ્‍તારના કોઈ પણ વ્‍યક્‍તિને તેની જાણકારી થઈ નહીં. જાણકારી અનુસાર, ચોરોએ ટાવરને ખોલીને તેના બધા પાર્ટ્‍સ, કેબલ, એન્‍ટેના અને જનરેટર સેટ બધું જ ઉપાડી ગયા. આટલું બધું ચોરી થવા છતાં કોઈને ધ્‍યાનમાં ન આવ્‍યું, આ બહુ મોટી વાત કહેવાય.

આ મામલાની જાણકારી મળતા પોલીસ તપાસમાં લાગી ગઈ. આજુબાજુના લોકો સાથે પૂછપરછ થઈ રહી છે અને એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આખરે આટલો મોટો ટાવર કેવી રીતે ચોરી કરીને લઈ ગયા. હાલમાં આ ઘટનાની સમગ્ર વિસ્‍તારમાં ચર્ચા થઈ રહી છે અને લોકો તેને બિહારની સૌથી અનોખી ચોરીની ઘટનામાંથી એક ગણાવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, આ ઘટના બક્‍સર જિલ્‍લામાં સુરક્ષા વ્‍યવસ્‍થા પર પણ સવાલ ઉઠાવી રહી છે. જ્‍યાં ૧૩૨ ફુટ ઊંચો ટાવર ચોરી થવી સામાન્‍ય ઘટના નથી. પોલીસ હવે સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્‍પદ લોકોની ઓળખ કરી રહી છે. વળી સ્‍થાનિક લોકો હવે આ ઘટનાને લઈ ડરી ગયા છે. જો ચોર આટલો મોટો ટાવર ચોરી કરી શકે છે તો નાની મોટી ચોરી તો તેમના માટે મામૂલી છે. આ ઘટના બિહારમાં એક અનોખો કાંડ બનીને ઊભરી આવી છે. જેની ચર્ચા હવે આખા રાજ્‍યમાં થઈ રહી છે કે આખરે આટલો મોટો ટાવર કેવી રીતે ચોરી થઈ ગયો.

 

(10:08 AM IST)