<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

વેનેઝુએલાનો ખતરનાક માફિયા ડોન ‘નીનો ગુરેરો'

જેલના ફાઇવ સ્‍ટાર કિલ્‍લામાંથી ચલાવતો હતો આંતરરાષ્ટ્રીય આતંકનું સામ્રાજ્‍ય!

કારાકાસ : સમગ્ર લેટિન અમેરિકામાં જેના નામથી ભલભલાના રુંવાડા ઊભા થઈ જાય છે, તેવા વેનેઝુએલાના સૌથી  ખતરનાક ડ્રગ માફિયા અને ગેંગસ્‍ટર એટલે હેક્‍ટર રસ્‍ટનફોર્ડ ગુરેરો ફલોરેસ, જેને ગુનાહિત જગત 'નીનો ગુરેરો' ના નામે ઓળખે છે. વેનેઝુએલાની અત્‍યંત ખતરનાક સિન્‍ડિકેટ 'ટ્રેન ડી અરાગુઆ' નો આ મુખિયા જેલની ચાર દીવાલોમાં કેદ હોવા છતાં પોતાનો આંતરરાષ્ટ્રીય કાળો કારોબાર બેરોકટોક ચલાવતો હતો. ડિજિટલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય ક્રાઈમ રિપોર્ટ્‍સમાંથી પ્રાપ્ત થતી સત્તાવાર વિગતો અનુસાર, નીનો ગુરેરોનું જીવન ચરિત્ર અને તેના ગુનાઓની કહાની કોઈ ફિલ્‍મી સ્‍ટોરી કરતા પણ વધુ ભયાનક છે. આજે અમેરિકન લશ્‍કરે તેનો ખાતમો બોલાવ્‍યો છે.

ગુનાહિત સફરની શરૂઆત અને ગેંગસ્‍ટર તરીકે ઉદય

૪૩ વર્ષના નીનો ગુરેરોનો જન્‍મ ૨ ડિસેમ્‍બર ૧૯૮૩ ના રોજ વેનેઝુએલાના અરાગુઆ રાજ્‍યમાં થયો હતો. ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં જ તેણે ગુનાખોરીના માર્ગે ડગલાં માંડી દીધા હતા. શરૂઆતમાં નાના-મોટા ગુનાઓ કર્યા બાદ, તેણે હત્‍યા, લૂંટ અને હથિયારોની હેરાફેરીમાં હાથ અજમાવ્‍યો. જોતજોતામાં તેણે 'ટ્રેન ડી અરાગુઆ' નામની ગેંગની કમાન પોતાના હાથમાં લઈ લીધી. આ ગેંગ મૂળ એક રેલવે યુનિયનના કામદારોમાંથી બની હતી, જેણે ભ્રષ્ટાચાર અને બેરોજગારીનો ફાયદો ઉઠાવીને વેનેઝુએલામાં આતંકનું સામ્રાજ્‍ય ઊભું કર્યું.

ટોકોરોન જેલ : ગુનેગારનો ‘ફાઈવ સ્‍ટાર કિલ્‍લો'

પોલીસના હાથે પકડાયા બાદ નીનો ગુરેરોને વેનેઝુએલાની પ્રખ્‍યાત 'ટોકોરોન જેલ' માં મોકલવામાં આવ્‍યો હતો. પરંતુ ભ્રષ્ટ સિસ્‍ટમ્‍સનો લાભ લઈને તેણે આ જેલને જ પોતાનું હેડક્‍વાર્ટર બનાવી દીધું! આ જેલમાં સરકારનું નહીં પણ નીનોનું શાસન ચાલતું હતું. તેણે જેલની અંદર પોતાના સાગરીતો માટે સ્‍વિમિગ પૂલ, નાઈટ ક્‍લબ, બેંક, નાનું પ્રાણીસંગ્રહાલય, જુગારઘર અને મોંઘી રેસ્‍ટોરન્‍ટ્‍સ જેવી સુવિધાઓ ઊભી કરી હતી. જેલમાંથી જ બેઠા બેઠા તે દક્ષિણ અમેરિકાના કોલમ્‍બિયા, પેરુ, ચિલી અને બ્રાઝિલ જેવા દેશોમાં ડ્રગ્‍સ અને હથિયારોનું નેટવર્ક ઓપરેટ કરતો હતો.

અમાનવીય જુલમો અને કાળા કારનામા

નીનો ગુરેરોની ગેંગ ફક્‍ત ડ્રગ્‍સના વેપાર પૂરતી સીમિત નહોતી. સોનાની ગેરકાયદેસર ખાણો પર કબ્‍જો, માનવ તસ્‍કરી, ખંડણી, અને કોન્‍ટ્રાક્‍ટ કિલિગ તેના મુખ્‍ય ધંધા હતા.

વેનેઝુએલાની આર્થિક કટોકટીના કારણે દેશ છોડીને ભાગી રહેલા લાચાર નાગરિકો પાસેથી આ ગેંગ બળજબરીથી પૈસા પડાવતી હતી. યુવતીઓ અને બાળકોની તસ્‍કરી કરીને તેમને દેહવ્‍યાપારમાં ધકેલી દેવાનું ઘૃણાસ્‍પદ કામ પણ આ સિન્‍ડિકેટ કરતી હતી.

જે પણ વ્‍યક્‍તિ તેની સામે અવાજ ઉઠાવે કે ખંડણી આપવાની ના પાડે, તેને જાહેરમાં નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતો, જેથી લોકોમાં ડર કાયમ રહે.

હાલમાં જ ઇન્‍ટરપોલ દ્વારા નીનો ગુરેરો પર 'રેડ કોર્નર નોટિસ' જારી કરવામાં આવી હતી અને તે વિશ્વના સૌથી વોન્‍ટેડ ગુનેગારોની યાદીમાં ટોચ પર હતો. જેનું આજે અમેરિકન લશ્‍કરના માટે અંત આવ્‍યો છે.

૧૧,૦૦૦ સૈનિકોના દરોડા અને ગુપ્‍ત ટનલમાંથી નાટકીય ફરાર !

 આંતરરાષ્ટ્રીય દબાણ વધતા સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ માં વેનેઝુએલાની સરકારે ટોકોરોન જેલ પર કબજો મેળવવા અને નીનોને પકડવા ૧૧,૦૦૦ થી વધુ સૈનિકો સાથે એક મહા-ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ, ભ્રષ્ટ અધિકારીઓના માધ્‍યમથી આ દરોડાની માહિતી નીનો ગુરેરોને અગાઉથી જ મળી ગઈ હતી. સેના જેલમાં પ્રવેશે તે પહેલા જ તે જેલની નીચે બનાવેલી અત્‍યાધુનિક ગુપ્ત ટનલ મારફતે પોતાના ખાસ સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો.

(11:43 AM IST)