<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ઈરાનમાં સદીનો સૌથી મોટો શોક: અલી ખામેનેઈના અંતિમ સંસ્કારની નવી તારીખો જાહેર

28 ફેબ્રુઆરીના રોજ યુએસ-ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં માર્યા ગયેલા ખામનેઈના અંતિમ સંસ્કાર યુદ્ધ અને મોહરમને કારણે મુલતવી રખાયા બાદ હવે જુલાઈમાં યોજાશે: વિશ્વભરમાંથી 20 મિલિયન લોકો ઉમટી પડવાની ધારણાથી તેહરાનથી મશહદ સુધી અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા

તેહરાન:  ઈરાનના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા અને ઐતિહાસિક અંતિમ સંસ્કારની સત્તાવાર તારીખો આખરે જાહેર કરવામાં આવી છે. 28 ફેબ્રુઆરીના રોજ તેહરાન સ્થિત તેમના નિવાસસ્થાને અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત સૈન્ય હુમલામાં માર્યા ગયેલા સર્વોચ્ચ નેતા અલી ખામેનીના પાર્થિવ દેહને આગામી 9 જુલાઈએ તેમના વતન મશહદમાં દફનાવવામાં આવશે. અગાઉ આ અંતિમ વિધિ માર્ચ મહિનામાં યોજાવાની હતી, પરંતુ મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધ અને ત્યારબાદ પવિત્ર મોહરમ માસના પરંપરાગત શોક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા આ સંસ્કાર સતત મુલતવી રાખવામાં આવ્યા હતા. તેહરાનના મેયર અલીરેઝા ઝકાનીના જણાવ્યા અનુસાર, શિયા સમુદાય માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ઇમામ હુસૈનની શહાદતના વાર્ષિક શોકમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે આ સંવેદનશીલ નિર્ણય લેવાયો છે.

આ ભવ્ય અને અભૂતપૂર્વ વિદાય આપવા માટે આગામી 4 જુલાઈથી તેહરાનમાં ભવ્ય રાજ્ય કક્ષાના અંતિમ સંસ્કારની વિધિઓ શરૂ થશે. ઈરાની મીડિયા અને ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલો મુજબ, આ 6 દિવસીય શોક યાત્રા તેહરાનથી શરૂ થઈને પવિત્ર શહેર કોમ (Qom) જશે અને અંતે 9 જુલાઈએ મશહદના પવિત્ર ઈમામ રેઝા શ્રાઈન ખાતે સમાપ્ત થશે. ખામેનીએ લગભગ 37 વર્ષ સુધી ઇસ્લામિક રિપબ્લિકનું નેતૃત્વ કર્યું હોવાથી, ઈરાનની સરકાર આ વિદાયને દેશના ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણ બનાવવા માટે કોઈ કસર બાકી રાખવા માંગતી નથી.

વિશ્વભરમાંથી અંદાજે 20 મિલિયન (2 કરોડ) જેટલી વિશાળ જનમેદની આ અંતિમ સંસ્કારમાં ભાગ લેવા ઈરાન પહોંચે તેવી સંભાવના છે. આટલી મોટી સંખ્યામાં આવનારા લોકોને સંભાળવા અને પ્રાદેશિક તણાવ વચ્ચે સુરક્ષા જાળવી રાખવા માટે ઈરાનની સૈન્ય અને સ્થાનીય વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર વિશ્વની નજરો અત્યારે આ મહા-અંતિમ સંસ્કાર પર ટકેલી છે, કારણ કે આ ઘટના માત્ર ઈરાન જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વના ભૌગોલિક-રાજકીય સમીકરણો પર ઊંડી અસર છોડશે.

(5:34 PM IST)