<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ફીફા વર્લ્ડ કપમાં ખાલી બેઠકો જોતાં હોબાળો : ફીફાએ મેક્સિકો મેચમાં ખાલી દેખાતી સીટો માટે પ્રેક્ષકોના વર્તનને જવાબદાર ગણાવ્યું

સ્ટેડિયમની ક્ષમતા ૪૫,૬૬૪ હોવા છતાં સ્ટેન્ડ્સ વચ્ચે ખાલી સ્પેસ દેખાતા વિવાદ ઊભો થયો : ફૂટબોલ એસોસિએશને સ્પષ્ટતા કરી કે ટિકિટધારક ચાહકો સીટો પર બેસવાને બદલે કન્કોર્સ (લોબી) માં ઉભા રહીને મેચ જોતા હતા

મેક્સિકો:મેક્સિકોમાં રમાઈ રહેલા ફીફા વર્લ્ડ કપ (FIFA World Cup) ની એક હાઈ-પ્રોફાઈલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હજારો બેઠકો ખાલી જોવા મળતા વૈશ્વિક સ્તરે મોટો વિવાદ અને ચર્ચા જાગી છે. આ ઘટનાને લઈને ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફા (FIFA) એ સત્તાવાર નિવેદન જારી કરીને આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. ફીફાએ મેક્સિકોના ગ્વાડલાજારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સીટો ખાલી હોવાના દ્રશ્યો માટે મેચ જોવા આવેલા ફૂટબોલ ચાહકોના વર્તનને જ સીધું જવાબદાર ઠેરવ્યું છે.

ગ્વાડલાજારા સ્ટેડિયમ ખાતે સાઉથ કોરિયા (દક્ષિણ કોરિયા) અને ચેક રિપબ્લિક (ઝેકિયા) વચ્ચે રમાયેલી ગ્રૂપ-એ ની રોમાંચક મેચ દરમિયાન ટીવી બ્રોડકાસ્ટ અને સ્ટેડિયમના મધ્ય ભાગમાં સેંકડો સીટો ખાલી નજરે પડતી હતી. આ સ્ટેડિયમની કુલ ક્ષમતા ૪૫,૬૬૪ પ્રેક્ષકોની છે, જેમાંથી મધ્ય સ્ટેન્ડ્સ અને આસપાસના વિસ્તારોમાં ઘણી સીટો પર કોઈ બેઠેલું દેખાતું ન હતું. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ટિકિટના ઊંચા ભાવો અને ઓર્ગેનાઈઝેશન સામે સવાલો ઉઠ્યા હતા, કારણ કે આ મેચમાં ખુદ ફીફા પ્રમુખ જિઆન્ની ઇન્ફેન્ટિનો પણ હાજર હતા.

સમગ્ર વિવાદ પર પૂર્ણવિરામ મૂકતા ફીફાએ શુક્રવારે રાત્રે સ્પષ્ટતા કરી હતી કે, ગઈકાલની મેચમાં સત્તાવાર રીતે રેકોર્ડ થયેલી હાજરી ૪૪,૯૮૫ પ્રેક્ષકોની હતી. ફીફાએ જણાવ્યું કે, "અમારા સત્તાવાર હાજરીના આંકડા સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પર સ્કેન થયેલી વાસ્તવિક ટિકિટોના આધારે નક્કી કરવામાં આવે છે, નહીં કે વિઝ્યુઅલ એસેસમેન્ટ એટલે કે સ્ટેન્ડ્સમાં દેખાતી ખાલી સીટોના આધારે." ફીફાના મતે ટિકિટો પૂરેપૂરી વેચાઈ ગઈ હતી અને લોકો સ્ટેડિયમની અંદર જ હાજર હતા.

ફૂટબોલ એસોસિએશને વધુમાં વિગત આપતા જણાવ્યું કે, મેચ દરમિયાન મોટી સંખ્યામાં ટિકિટ ખરીદનારા ચાહકો પોતાની ફાળવાયેલી સીટો પર સતત બેસી રહેવાને બદલે સ્ટેડિયમની લોબી (કન્કોર્સ) અને ખાણી-પીણીના સ્ટોલ્સ (કન્સેસન સ્ટેન્ડ્સ) નજીક ઊભા રહીને જ મેચનો આનંદ માણી રહ્યા હતા. આ જ કારણે મેચ દરમિયાન વારંવાર સીટો ખાલી હોવાનો ભ્રમ ઊભો થતો હતો. માત્ર મેક્સિકો જ નહીં, પરંતુ ટોરોન્ટો સ્ટેડિયમમાં રમાયેલી કેનેડાની પ્રથમ મેચમાં પણ આવી જ રીતે નીચલા ભાગમાં અને કામચલાઉ સ્ટેન્ડ્સના ખૂણાઓમાં કેટલીક સીટો ખાલી જોવા મળી હતી, જ્યાં સત્તાવાર હાજરી ૪૩,૦૩૬ ની ક્ષમતા સામે ૪૩,૦૦૨ નોંધાઈ હતી.

સ્પોર્ટ્સ જગતના નિષ્ણાતોના મતે, આ વર્ષે ફીફા વર્લ્ડ કપની ટિકિટોના ભાવો અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. મેટા ડાયનેમિક પ્રાઇસિંગના કારણે ટિકિટોના ભાવ પાંચ આંકડા સુધી પહોંચી ગયા હોવાથી ચાહકોમાં પહેલેથી જ નારાજગી છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ૨૯ મેચો સંપૂર્ણપણે સોલ્ડ આઉટ થઈ ગઈ હતી, જ્યારે ૭૫ મેચોની ટિકિટો હજુ પણ ઉપલબ્ધ છે. ટિકિટના ભારે ખર્ચ બાદ પણ ચાહકોનું સીટો પર ન બેસવું અને લોબીમાં ઊભા રહેવું એ ફૂટબોલ કલ્ચરનો એક ભાગ હોવાનું ફીફાના સત્તાવાળાઓ જણાવી રહ્યા છે.

(6:36 PM IST)