<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

યુક્રેન આર્થિક બરબાદીના આરે: પુતિનની સેના સામે લડતા લડતા ૧૦ લાખ કરોડના નવા દેવા હેઠળ દબાયું : ચૂકવતા ૩૫ વર્ષ નીકળી જશે!

ફેબ્રુઆરી ૨૦૨૨થી શરૂ થયેલા યુદ્ધ બાદ યુક્રેનનું કુલ દેવું બમણું થઈને ૧૯ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું : વિદેશી દેવામાં ત્રણ ગણો તોતિંગ વધારો અને દેશના દરેક નાગરિક પર ૭ લાખ રૂપિયાથી વધુનું દેવું હોવાનો રશિયન એજન્સી તાસ નો સનસનાટીભર્યો દાવો

મોસ્કો:  રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ભીષણ અને વિનાશક યુદ્ધની વચ્ચે યુક્રેનની આર્થિક કમર સંપૂર્ણપણે તૂટી ગઈ હોવાનો એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. રશિયન સરકારી સમાચાર એજન્સી તાસ (TASS) ના અહેવાલ અનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૨ માં રશિયન આક્રમણ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં યુક્રેન પર વધારાનું ૧૧૦ અબજ યુએસ ડોલર એટલે કે અંદાજે ૧૦ લાખ ૪૬ હજાર ૨૧૫ કરોડ રૂપિયાનું નવું દેવું ચડી ગયું છે. યુક્રેનના જ નાણા મંત્રાલયના સત્તાવાર આંકડાઓનો હવાલો આપીને રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનનું કુલ સરકારી દેવું હવે બમણાથી પણ વધુ વધીને ૨૦૮.૯૭ અબજ ડોલર (આશરે ૧૯ લાખ કરોડ રૂપિયા) ના ભયજનક સ્તરે પહોંચી ગયું છે, જે દેશના ભવિષ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.

આ યુદ્ધના કારણે યુક્રેનનો સંરક્ષણ ખર્ચ આકાશે આંબી રહ્યો છે અને તેની વિદેશી નાણાકીય સહાય પરની નિર્ભરતા સતત વધી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં યુક્રેનનું વિદેશી દેવું જ માત્ર ત્રણ ગણું વધીને ૧૬૨.૭૩ અબજ ડોલર (આશરે ૧૫ લાખ કરોડ રૂપિયા) થઈ ગયું છે. આ અધધધ રકમમાંથી યુક્રેને એકલા આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ને જ ૧૦ અબજ ડોલર ચૂકવવાના બાકી છે, જ્યારે બાકીની રકમ અમેરિકા સહિતના વિવિધ પશ્ચિમી સાથી દેશોને લોન પેટે પરત કરવાની રહેશે. પશ્ચિમી દેશો તરફથી અબજો ડોલરની સૈન્ય સહાય અને સબસિડી મળવા છતાં અર્થતંત્ર ખાડે ગયું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોગ્રાફી એન્ડ સોશિયલ સ્ટડીઝના મતે, યુક્રેનની વર્તમાન ૨.૮ કરોડની વસ્તીના આધારે ગણતરી કરીએ તો આજે દેશના દરેક નાના-મોટા નાગરિકના માથે અંદાજે ૭,૧૩,૩૨૮ રૂપિયાનું વ્યક્તિગત દેવું બોજા સમાન ઊભું છે.

આ ભયાનક આર્થિક સંકટ વચ્ચે, યુક્રેનની સંસદ 'વર્ખોવના રાડા' ના ટોચના કાયદા નિર્માતાઓ અને અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે દેશને આ વર્તમાન દેવાના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવામાં અને તેની સંપૂર્ણ ચુકવણી કરવામાં ઓછામાં ઓછા ૩૫ વર્ષનો લાંબો સમય લાગી શકે છે. જો કે, યુક્રેન અત્યારે પણ પોતાની ગંભીર પરિસ્થિતિને સુધારવા માટે પશ્ચિમી જગત સામે હાથ ફેલાવી રહ્યું છે અને તાજેતરમાં જ યુરોપિયન યુનિયન (EU) દ્વારા યુક્રેન માટે ૯૦ અબજ યુરો ધરાવતા એક વિશાળ લોન પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે. આ નવી લોન કદાચ યુદ્ધના મેદાનમાં યુક્રેનને થોડો સમય ટકાવી રાખશે, પરંતુ લાંબા ગાળે આ આંધળું દેવું આગામી પેઢીઓ માટે સૌથી મોટો માથાનો દુખાવો અને ગુલામીની જંજીર બનીને સામે આવશે તે નક્કી છે.

(7:11 PM IST)