હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"કોંગ્રેસ ડૂબતું જહાજ નથી": સંજય રાઉતે વિપક્ષી એકતા માટે જાહેર કર્યો 'માસ્ટરપ્લાન' : મોદી-શાહ પર આકરા પ્રહારો
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો :ફડણવીસના ટોણાનો જવાબ આપતા શિવસેના નેતાએ શરદ પવારને તમામ પક્ષપલટુ નેતાઓને ફરી કોંગ્રેસમાં જોડી મહાગઠબંધન બનાવવાની અપીલ કરી : પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરતા નવો વિવાદ છેડાયો

પુણે: મહારાષ્ટ્રના રાજકારણના અગ્રણી અને શિવસેના (UBT) ના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉતે વિપક્ષી એકતાને લઈને એક મોટો રાજકીય ધડાકો કર્યો છે. પુણેમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસ કોઈ "ડૂબતું જહાજ" નથી, બલ્કે આજે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસની તાકાતથી ડરે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કોંગ્રેસ પર કરાયેલી નકારાત્મક ટિપ્પણીનો જડબાતોડ જવાબ આપતા રાઉતે એક માસ્ટરપ્લાન રજૂ કર્યો હતો. તેમણે એનસીપી પ્રમુખ શરદ પવારને અપીલ કરી કે ભૂતકાળમાં કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસ કે એનસીપી જેવા અલગ પક્ષો બનાવનારા તમામ વરિષ્ઠ નેતાઓને ફરી એક મંચ પર લાવીને કોંગ્રેસને મહાશક્તિશાળી બનાવવાની પહેલ કરવી જોઈએ.
સંજય રાઉતે ભાજપના ઈતિહાસ અને વિચારધારા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, જે લોકો આજે મોટી વાતો કરે છે તેઓ ન તો દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો ભાગ હતા કે ન તો તેમણે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળમાં કોઈ યોગદાન આપ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિપક્ષી નેતાઓમાં ભંગાણ પડાવવા માટે ચલાવવામાં આવતા કથિત 'ઓપરેશન ટાઇગર' પર પ્રહાર કરતા રાઉતે તેને લોકશાહીની વિકૃત માનસિકતા ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે તપાસ એજન્સીઓ, ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ જેવી સ્વાયત્ત સંસ્થાઓ અત્યારે ભાજપના એજન્ટની જેમ કામ કરી રહી છે, પરંતુ દેશની જનતા ટૂંક સમયમાં આ સરમુખત્યારશાહી વલણ સામે મોટો રાજકીય બળવો કરશે.
આ દરમિયાન સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અત્યંત આક્રમક અને વિવાદાસ્પદ ટિપ્પણી કરીને દેશના રાજકારણમાં નવો વિવાદ છેડી દીધો છે. તેમણે પીએમ મોદીની સરખામણી મોગલ શાસક ઔરંગઝેબ સાથે કરતા કહ્યું કે, ભારતની ધરતીએ નહેરૂ, ઇન્દિરા, શાસ્ત્રી અને બાળાસાહેબ ઠાકરે જેવા ઉદાર નેતાઓ જોયા છે, પરંતુ વર્તમાન નેતૃત્વ જેવી ક્રૂરતા ક્યારેય જોઈ નથી. તેમણે કટાક્ષ કર્યો કે ઔરંગઝેબનો જન્મ પણ ગુજરાતની ધરતી પર થયો હતો અને વર્તમાન શાસકોના વ્યક્તિત્વમાં પણ એ જ ક્રૂરતાની ઝલક દેખાય છે. રાઉતના આ તીખા નિવેદન બાદ મહારાષ્ટ્ર સહિત દેશભરના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં ભાજપ-શિવસેના વચ્ચેનો આ વાકયુદ્ધ વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
