<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

પાકિસ્તાનમાં બજેટ પહેલાં જ 'બળવો': ઇસ્લામાબાદમાં સરકારી કર્મચારીઓ રસ્તા પર ઊતર્યા : સંસદ ભવન બહાર પોલીસનો ભારે લાઠીચાર્જ

દેશ આર્થિક કટોકટી અને અબજોના દેવામાં ડૂબેલો હોવા છતાં નેતાઓ માટે મોંઘા વિમાનો ખરીદાતા કર્મચારીઓમાં રોષ ભભૂક્યો : પગાર વધારો, પેન્શન સુરક્ષા અને તબીબી ભથ્થા જેવી વ્યાજબી માંગણીઓ સાથે શિક્ષકોથી લઈને ક્લાર્ક સુધીના હજારો પ્રદર્શનકારીઓ સંસદ ભવન ઘેરવા પહોંચ્યા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં નાણાકીય વર્ષ 2026-27 માટે ₹17.5 ટ્રિલિયનનું ભવ્ય બજેટ રજૂ થાય તે પહેલાં જ દેશની રાજધાની ઇસ્લામાબાદ રણમેદાનમાં ફેરવાઈ ગઈ છે. ભારે આર્થિક તંગી અને મોંઘવારીના મારથી ત્રસ્ત હજારો સરકારી કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. 'ઓલ ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝ ગ્રાન્ડ એલાયન્સ' (AGEGA) ના બેનર હેઠળ શિક્ષકો, ક્લાર્ક, ચોથા વર્ગના કર્મચારીઓ, ટેકનિકલ સ્ટાફ અને પેન્શનરો સહિતનો વિશાળ જનમેદની સચિવાલય ચોક ખાતે એકત્રિત થયો હતો. માર્ચ 2025માં સરકારે આપેલા વચનો જેવા કે તમામ એડહોક રાહત ભથ્થાઓને મૂળ પગારમાં ભેળવવા અને 2026ના સુધારેલા પગાર ધોરણોને લાગુ કરવા જેવી માંગણીઓ સાથે આક્રોશિત ભીડે સંસદ ભવન તરફ કૂચ કરી હતી.

જોકે, કર્મચારીઓનો આ અવાજ દબાવવા માટે ઇસ્લામાબાદ પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. પ્રદર્શનકારીઓ જ્યારે સંસદ ભવન તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને અધવચ્ચે જ રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં જ પોલીસે ભીડને વિખેરવા માટે નિર્દયતાપૂર્વક લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. આ લાઠીચાર્જમાં અનેક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જેની કર્મચારી સંગઠનોના નેતાઓ દ્વારા ઉગ્ર આલોચના કરવામાં આવી છે. આ દમન છતાં કર્મચારીઓ ઝૂકવા તૈયાર નથી અને તેમણે મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ સત્તાવાર રીતે સ્વીકારશે નહીં, ત્યાં સુધી સંસદ ભવનની બહાર અનિશ્ચિત મુદ્દતના ધરણા ચાલુ રહેશે.

વિરોધ કરી રહેલા નેતાઓએ સરકારની બેવડી નીતિઓ અને ખર્ચની પ્રાથમિકતાઓ પર તીખા સવાલો ઉઠાવ્યા છે. કર્મચારીઓનો આરોપ છે કે આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ (IMF) ના દબાણ હેઠળ સામાન્ય કર્મચારીઓના પગાર વધારાનો વિરોધ કરતી સરકાર પોતાના નેતાઓ માટે તિજોરી ખુલ્લી મૂકી દે છે. એક તરફ દેશ ગરીબી અને આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ચૂંટાયેલા અધિકારીઓ અને વરિષ્ઠ કાયદા નિર્માતાઓનો પગાર ઉદારતાથી વધારવામાં આવી રહ્યો છે અને સરકાર મોંઘા વિમાનો ખરીદી રહી છે. આ સિવાય, તાજેતરમાં અમલમાં આવેલા પેન્શન અને રજા એન્કેશમેન્ટ સુધારાઓના કારણે નિવૃત્ત કર્મચારીઓના લાભોમાં મોટો કાપ મુકાયો છે, જેનાથી હજારો પરિવારો માનસિક અને આર્થિક તણાવમાં આવી ગયા છે. આ અસંતોષ હવે પાકિસ્તાન સરકાર માટે ગળાનું હાડકું બની ગયો છે.

(7:12 PM IST)