<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળજું ધ્રુજાવી દેતો ગમખ્વાર અકસ્માત: ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના ૪ સભ્યોના કાળમુખો કોળિયો, ૩ વર્ષના માસૂમ સહિત બે ગંભીર

૧૫ દિવસ પહેલાં પિતાનું કેન્સરથી અવસાન થયું ને હવે પુત્રી સહિત આખો પરિવાર વિખેરાયો: જયપુરથી દિલ્હી જતી અલ્કાઝાર કારનો કુરચો બોલી ગયો, ચીસાચીસથી હાઇવે ધ્રુજી ઊઠ્યો

નુહ (હરિયાણા) : દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર શનિવારની વહેલી સવારે એક અત્યંત દિલધડક અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. હરિયાણાના નુહ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ વે પર સ્પીડમાં જઈ રહેલી એક લક્ઝુરિયસ કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને તેમાં સવાર લોકો લોખંડના પતરાની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયા હતા.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, એક્સપ્રેસ વે પર બાઘોલા ગામ પાસે કિલોમીટર સંખ્યા ૬૪/૧૦ નજીક આ કાળચક્ર ફર્યું હતું. વહેલી સવારે આશરે ૬:૨૪ કલાકે કેળાથી ભરેલી એક આઈશર ટ્રક હાઈવે પર કોઈ કારણોસર ઊભી રહી ગઈ હતી. તેના બરાબર ૧૧ મિનિટ બાદ, એટલે કે સવારે ૬:૩૫ વાગ્યે જયપુરથી દિલ્હી તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી એક અલ્કાઝાર કાર આ ઊભેલી ટ્રકના પાછળના ભાગમાં શક્તિશાળી ધડાકા સાથે ઘૂસી ગઈ હતી. ટક્કર થતાં જ હાઈવે ચીસાચીસ અને બૂમાબૂમથી ગુંજી ઊઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ અને બચાવ ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ ગેસ કટરની મદદથી કારના પતરા કાપીને મૃતકો તથા ઘાયલોને બહાર કાઢ્યા હતા.
મૃતકોની ઓળખ થઈ: ૩ વર્ષના માસૂમની હાલત નાજુક
આ કાળમુખા અકસ્માતમાં ભોગ બનેલા તમામ લોકો રાજસ્થાનના જયપુરના વતની હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ પૂનમ (ઉં.વ. ૩૭, રહે. આમેર, નટાટા રોડ), ખુશી (ઉં.વ. ૧૬), કેશવ (ઉં.વ. ૨૬) અને દુગ્ગી (ઉં.વ. ૧૨) તરીકે થઈ છે. જ્યારે આ અકસ્માતમાં જવાહર (ઉં.વ. ૬૨) અને માત્ર ૩ વર્ષનો માસૂમ બાળક ચેતન ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઇજાગ્રસ્તોની નાજુક સ્થિતિને જોતા પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક ધોરણે જયપુરની હાયર મેડિકલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
પરિવાર પર ૧૫ દિવસમાં જ તૂટ્યો દુઃખનો પહાડ: પોલીસ તપાસ તેજ
આ કરુણ ઘટના પાછળ એક અત્યંત દર્દનાક પાસું પણ સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, આ પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો. એટલું જ નહીં, અકસ્માતમાં જીવ ગુમાવનાર કમનસીબ મહિલા પૂનમના પિતાનું હજુ માંડ ૧૫ દિવસ પહેલાં જ કેન્સરની ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું. પિતાના મોતના આઘાતમાંથી પરિવાર બહાર આવે તે પહેલાં જ કુદરતે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે.
હાલમાં પોલીસે ચારેય મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે મંડીખેડા સ્થિત અલ-આફિયા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસે અકસ્માત સર્જનાર આઇશર કેન્ટર ટ્રકને કસ્ટડીમાં લઈને ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પોલીસ એ દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહી છે કે એક્સપ્રેસ વે જેવા હાઈ-સ્પીડ રોડ પર કયા સંજોગોમાં ટ્રકને પાર્ક કરવામાં આવી હતી અને શું ડ્રાઈવરે હાઈવે સેફ્ટીના નિયમો (જેમ કે ઈન્ડિકેટર કે રિફ્લેક્ટર) નું પાલન કર્યું હતું કે નહીં.

(9:32 PM IST)