હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી હવે હાઈએલર્ટ પર! રસ્તાઓ પર સિંઘમ અવતારમાં દેખાશે ખાખી વર્દી, ઉપરાજ્યપાલના આદેશ બાદ કમિશનરે જારી કર્યો કડક પરિપત્ર
વીકેન્ડ સહિત અઠવાડિયામાં ૪ દિવસ અધિકારીઓએ કમ્પલસરી કરવું પડશે ફૂટ પેટ્રોલિંગ: સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી મીટિંગો પર પ્રતિબંધ, રસ્તા પર ઉતરીને જનતાની સમસ્યાઓનું સ્થળ પર જ કરવું પડશે નિરાકરણ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ લોખંડી બનાવવા તેમજ ટ્રાફિકની જટિલ સમસ્યાઓમાંથી જનતાને મુક્તિ અપાવવા માટે એક બહુ મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીના ઉપરાજ્યપાલ (LG) સરદાર ટી.એસ. સંધુના કડક નિર્દેશો બાદ, દિલ્હી પોલીસ કમિશનરે સત્તાવાર પરિપત્ર જારી કરીને સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે. આ નવા આદેશ મુજબ, હવે પોલીસ અધિકારીઓએ એરકન્ડિશન્ડ ઓફિસો છોડીને જમીની સ્તરે (ફિલ્ડ પર) વધુ સમય વિતાવવો પડશે અને સામાન્ય જનતા સાથે સીધો સંવાદ સાધવો પડશે.
નવી માર્ગદર્શિકા હેઠળ, હવે દિલ્હીના તમામ જિલ્લાની લોકલ પોલીસ અને ટ્રાફિક પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ દર શનિવાર અને રવિવારે (વીકેન્ડમાં) સંયુક્ત રીતે 'ફૂટ પેટ્રોલિંગ' (પગપાળા ગશ્ત) કરવાનું રહેશે. આ સિવાય અઠવાડિયાના અન્ય બે દિવસ પણ આ પ્રક્રિયા ફરજિયાત રહેશે. આ હાઇટેક પેટ્રોલિંગ રોજ સાંજે ૫:૦૦ વાગ્યાથી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી ચાલશે. જે-તે વિસ્તારના ડીસીપી (DCP) પોતાના રેન્જના સંયુક્ત પોલીસ કમિશનર સાથે બેઠક કરીને બાકીના બે દિવસ કયા રાખવા તે નક્કી કરશે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનેગારોમાં પોલીસનો ખૌફ પેદા કરવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવાનો છે.
સાંજે ૫ થી ૮ નો સમય પ્યોર ફિલ્ડ ડ્યુટી: ફોર્માલિટી ચાલશે નહીં
પરિપત્રમાં સૌથી આકરો આદેશ એ આપવામાં આવ્યો છે કે, દરરોજ સાંજે ૫:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધીના પીક-અવર્સ દરમિયાન કોઈ પણ વરિષ્ઠ અધિકારી આંતરિક મીટિંગ, કોન્ફરન્સ, ઓફિશિયલ રિવ્યુ કે અન્ય કોઈ કાગળિયાં કાર્યવાહી યોજી શકશે નહીં. આ ૩ કલાકનો સમય માત્ર ને માત્ર ઓન-ગ્રાઉન્ડ ડ્યુટી, પબ્લિક કનેક્ટ અને ટ્રાફિક મોનિટરિંગ માટે અનામત રાખવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન જિલ્લા અને ટ્રાફિક યુનિટના ડીસીપી, એડિશનલ ડીસીપી અને એસીપી કક્ષાના તમામ અધિકારીઓએ રસ્તા પર હાજર રહેવું પડશે. કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે આને માત્ર કાગળ પરની ઔપચારિકતા નહીં, પણ 'ફરજિયાત ફિલ્ડ ડ્યુટી' ગણવામાં આવશે.
પગપાળા પેટ્રોલિંગ દરમિયાન આ પાંચ બાબતો પર રહેશે ખાસ નજર:
• રસ્તાઓ અને ફૂટપાથ પરથી કામચલાઉ અતિક્રમણ (દબાણો) અને અવરોધો તાત્કાલિક દૂર કરવા.
• ટ્રાફિક જામ થતા મુખ્ય પોઈન્ટ્સની ઓળખ કરી તેનું કાયમી નિવારણ લાવવું.
• પિક-અવર્સમાં વાહનોની અવરજવર એકદમ સુગમ અને ઝડપી રહે તે સુનિશ્ચિત કરવું.
• ગેરકાયદેસર પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં વાહનો ખડકનારાઓ સામે કડક દંડનીય કાર્યવાહી.
• સંવેદનશીલ વિસ્તારો, ભીડભાડવાળા બજારો અને જાહેર સ્થળોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવું.
એક-એક મિનિટનો રખાશે રેકોર્ડ: બેદરકારી દાખવનાર અધિકારીની ખેર નથી!
દિલ્હી પોલીસના આદેશ અનુસાર, હવે દરેક ફૂટ પેટ્રોલિંગનો એક અલગ સત્તાવાર રેકોર્ડ મેઈન્ટેન કરવામાં આવશે. આ ડાયરીમાં પેટ્રોલિંગની તારીખ, સમય, હાજર અધિકારીઓના નામ, કયા કયા માર્કેટ એસોસિએશન (MTA) કે રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન (RWA) સાથે મુલાકાત કરી તેની તમામ વિગતો નોંધાશે. આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા (BNS), BNSS અને દિલ્હી પોલીસ એક્ટ હેઠળ તે દિવસે કેટલી અટકાયત કે દંડ કરાયો તેની એન્ટ્રી પણ કરવાની રહેશે.
તમામ જિલ્લાઓએ દર સોમવારે પોતાનો સાપ્તાહિક પાલન અહેવાલ (Weekly Compliance Report) ફોટોગ્રાફ્સ અને વીડિયો રેકોર્ડિંગ પુરાવા સાથે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) ને સબમિટ કરવો પડશે. જો કોઈ અધિકારી આ કામમાં આળસ કે બેદરકારી દાખવશે, અથવા તો ખોટા રિપોર્ટ સબમિટ કરશે, તો તેમની સામે ખાતાકીય કડક પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે. ઉપરાજ્યપાલ સંધુએ ભારપૂર્વક જણાવ્યું છે કે, રસ્તાઓ પર પોલીસની સક્રિય હાજરી જ ગુનાખોરી નાબૂદ કરવાનો એકમાત્ર અચૂક ઈલાજ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
