<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

આકાશમાં ગુંજશે જેવરનું નામ: ૧૫ જૂને નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડશે પ્રથમ ઐતિહાસિક ફ્લાઇટ, સામાન્ય મુસાફરો નહીં પણ 'ધરતીપુત્રો' બનશે આ ગૌરવના પ્રથમ સાક્ષી!

લખનૌ જવા રવાના થનારી પ્રથમ ફ્લાઇટને DGCA અને ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ આપશે લીલી ઝંડી: દિલ્હી એરપોર્ટનું ભારણ ઘટશે, વેસ્ટર્ન યુપી અને હરિયાણાના કરોડો મુસાફરોની સફર બનશે આસાન

નોઇડા, : ભારતના એવિએશન (નાગરિક ઉડ્ડયન) ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના જેવર ખાતે નવનિર્મિત ભવ્ય નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આગામી ૧૫ જૂનથી દેશ-વિદેશના મુસાફરો માટે પોતાના દ્વાર ખોલવા સંપૂર્ણપણે તૈયાર છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અત્યંત વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ નવલખા એરપોર્ટના રનવે પરથી જે પહેલી સત્તાવાર ફ્લાઇટ આકાશમાં ઉડાન ભરશે, તેમાં કોઈ વીઆઈપી નેતાઓ કે સેલિબ્રિટીઝ નહીં, પરંતુ આ જમીન માટે પોતાનું લોહી-પરસેવો વહાવનારા સ્થાનિક ખેડૂતો સવાર હશે. આ પ્રથમ ફ્લાઇટ ખેડૂતોને લઈને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ જવા રવાના થશે.
૧૫ જૂનની વહેલી સવારે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય, ડીજીસીએ (DGCA) અને નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (NIAL) ના સીઇઓ સહિતના તમામ ટોચના વહીવટી અધિકારીઓની ગરિમામય હાજરીમાં આ પ્રથમ વિમાનને રનવે પરથી લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે.
ડોમેસ્ટિક ફ્લાઇટ્સ સાથે વાણિજ્યિક ધમધમાટ શરૂ: ઇન્ડિગો ભરશે પહેલી ઉડાન
નોઇડા એરપોર્ટ ૧૫ જૂનથી સ્થાનિક (ડોમેસ્ટિક) ફ્લાઇટ્સની સાથે પોતાની વાણિજ્યિક (કમર્શિયલ) કામગીરી વિધિવત રીતે શરૂ કરી રહ્યું છે. આ ભવ્ય ઉદ્ઘાટન પહેલાં એરપોર્ટના તમામ અત્યાધુનિક માળખાકીય સાધનો જેવા કે વિઝ્યુઅલ ડોકિંગ ગાઇડન્સ સિસ્ટમ (VDGS), પેસેન્જર બોર્ડિંગ બ્રિજ અને ગ્રાઉન્ડ પાવર સિસ્ટમ્સનું હાઇટેક ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ ફાઇનલ ટ્રાયલ રન દરમિયાન, ખરાબ હવામાનમાં પણ પ્લેનને સુરક્ષિત ઉતારવા માટેની ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) અને નેવિગેશન પર્ફોર્મન્સ (RNP) પ્રક્રિયાઓને પણ ફરીથી પ્રમાણિત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની અગ્રણી એરલાઇન કંપની 'ઇન્ડિગો' (IndiGo) એ અગાઉથી જ જાહેરાત કરી દીધી છે કે તે ૧૫ જૂનથી જેવર એરપોર્ટથી પોતાની કમર્શિયલ ફ્લાઇટ્સ ઓપરેટ કરવાનું શરૂ કરશે.
દિલ્હી જવાની પળોજણમાંથી મુક્તિ: પાડોશી રાજ્યોના કરોડો લોકોને મોટો ફાયદો
વર્ષોના સખત આયોજન અને રાત-દિવસના બાંધકામ બાદ શરૂ થઈ રહેલું આ એરપોર્ટ દિલ્હી-એનસીઆર (NCR) સહિત આસપાસના અનેક મોટા શહેરોનો નકશો બદલી નાખશે. આ એરપોર્ટ શરૂ થવાથી નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, સમગ્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત પાડોશી રાજ્ય હરિયાણા અને રાજસ્થાનના કેટલાક સરહદી વિસ્તારોના કરોડો મુસાફરો માટે હવાઈ સફરનો નવો અને અદભુત અનુભવ શરૂ થશે. અત્યાર સુધી પશ્ચિમ યુપીના જે મુસાફરોને નેશનલ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પકડવા માટે કલાકોનો ટ્રાફિક વેઠીને દિલ્હીના આઇજીઆઇ (IGI) એરપોર્ટ સુધી લાંબા થવું પડતું હતું, તેઓ હવે પલક ઝપકાવતા જ પોતાના ઘર આંગણેથી દેશ-વિદેશની ફ્લાઇટ્સ પકડી શકશે.
નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ કેવી રીતે પહોંચવું?
જે મુસાફરો આગામી દિવસોમાં નોઇડા એરપોર્ટથી સફર કરવા ઈચ્છે છે, તેમના માટે હાલના તબક્કે પ્રાઇવેટ કેબ કે ટેક્સી સેવાઓ સૌથી વધુ અનુકૂળ અને આરામદાયક સાબિત થશે. મુસાફરો એરપોર્ટ પહોંચવા માટે સ્પેશિયલ એરપોર્ટ ટેક્સી ઉપરાંત ઓલા (Ola), ઉબેર (Uber) અને રેપિડો (Rapido) જેવી એપ્લિકેશન આધારિત રોડ ટ્રાન્સપોર્ટ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
શરૂઆતના તબક્કામાં એરપોર્ટ સાથે કોઈ સીધી મેટ્રો કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી, તેથી મુસાફરોએ રોડ માર્ગ પર જ નિર્ભર રહેવું પડશે. જો કે, કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા દિલ્હી-એનસીઆરના મુખ્ય પોઇન્ટ્સ પરથી એર-કન્ડિશન્ડ (AC) ઇલેક્ટ્રિક બસ સેવાઓ શરૂ કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે, જે ખૂબ જ ટૂંક સમયમાં ઓન-રોડ જોવા મળશે. ભવિષ્યમાં આ હાઇવે એરપોર્ટને હાઇ-સ્પીડ મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડવાનું આયોજન પણ ગતિમાં છે.

(9:33 PM IST)