હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગ્લોબલ ટેક જગતમાં મહાભૂકંપ: અમેરિકાએ એન્થ્રોપિકના સૌથી પાવરફુલ AI મોડેલ્સ 'ફેબલ 5' અને 'માયથોસ' પર રાતોરાત લગાવ્યો પ્રતિબંધ, કંપનીએ તમામ યુઝર્સ માટે એક્સેસ બંધ કર્યો!
રાષ્ટ્રીય સુરક્ષા અને 'જેલબ્રેકિંગ' ના ખતરાને ટાંકીને યુએસ સરકારે જારી કર્યો ઈમરજન્સી આદેશ: સૈન્ય હથિયારો માટે AI આપવાનો ઇનકાર કરતાં સરકારે લીધું વેર, હવે યુઝર્સે વાપરવા માટે સાબિત કરવી પડશે નાગરિકતા!

નવી દિલ્હી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની દુનિયામાંથી આજના સૌથી મોટા અને આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ઓપનએઆઈ (OpenAI) ની સૌથી મોટી હરીફ ગણાતી અમેરિકન ટેક કંપની એન્થ્રોપિક (Anthropic) ના સૌથી અદ્યતન અને શક્તિશાળી AI મોડેલ્સ 'ક્લાઉડ ફેબલ 5' (Claude Fable 5) અને 'માયથોસ 5' (Mythos 5) પર યુએસ સરકારે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાના વાણિજ્ય વિભાગે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને તમામ વિદેશી નાગરિકો માટે આ મોડેલ્સના ઉપયોગ પર રોક લગાવવાનો કડક નિકાસ નિયંત્રણ નિર્દેશ (Export Control Directive) જારી કર્યો છે.
આ સરકારી આદેશ બાદ મુશ્કેલીમાં મુકાયેલી એન્થ્રોપિક કંપનીએ શુક્રવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, નિયમોનું પાલન કરવા માટે તેઓએ ભારે હૃદયે વિશ્વભરના 'તમામ વપરાશકર્તાઓ' માટે આ બંને મોડેલ્સને અચાનક અને કાયમી ધોરણે અક્ષમ (Disable) કરી દેવા પડ્યા છે. એમેઝોનની ક્લાઉડ વિંગ AWS એ પણ પુષ્ટિ કરી છે કે એન્થ્રોપિકની વિનંતી બાદ તમામ પ્રદેશોમાં આ મોડેલ્સ બ્લોક કરી દેવાયા છે.
પેન્ટાગોન સાથેનો વિવાદ અને 'અમેરિકા ફર્સ્ટ' ની જીદ
ટેક નિષ્ણાતોના મતે, એન્થ્રોપિક અને અમેરિકાની ટ્રમ્પ સરકાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી 'કોલ્ડ વોર' નું આ પરિણામ છે. આ વર્ષની શરૂઆતમાં એન્થ્રોપિક કંપનીએ યુએસ સૈન્ય (US Military) ને સ્થાનિક દેખરેખ (Surveillance) અને સંપૂર્ણ સ્વાયત્ત શસ્ત્રો પ્રણાલીઓ (Autonomous Weapons) ના વિકાસ માટે પોતાના AI મોડેલ્સ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ વૈચારિક મતભેદ બાદ સરકારે એન્થ્રોપિકને સપ્લાય ચેઇન બ્લેકલિસ્ટમાં મૂકી દીધી હતી.
હવે જ્યારે એન્થ્રોપિક કંપની ગુપ્ત રીતે યુએસ માર્કેટમાં પોતાનો આઈપીઓ (IPO) લાવવાની તૈયારી કરી રહી હતી, બરાબર ત્યારે જ સરકારે આ મોટો ફટકો માર્યો છે. પેન્ટાગોનના મુખ્ય માહિતી અધિકારી કિર્સ્ટન ડેવિસે એક્સ (X) પર એક આક્રમક પોસ્ટમાં સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવતા લખ્યું કે, "કેટલીક બાબતો કંપનીના રેવન્યુ મોડલ, ક્લિકબેટ અને પ્રી-IPO વેલ્યુએશન કરતાં વધુ મહત્વપૂર્ણ હોય છે. અમેરિકા ફર્સ્ટ. હંમેશા."
શું છે 'જેલબ્રેકિંગ' અને સાયબર હુમલાનો અસલી ખતરો?
યુએસ સરકારના વ્હાઇટ હાઉસના પૂર્વ અધિકારી ડીન બોલના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધ એટલો કડક છે કે હવે વિદેશી તો ઠીક, પણ અમેરિકામાં રહેતા લોકોએ પણ આ AI મોડેલ વાપરવા માટે પોતાની નાગરિકતા સાબિત કરવી પડશે! સરકારનો દાવો છે કે 'ફેબલ 5' અને 'માયથોસ' ક્લાસના આ મોડેલ્સ એટલા શક્તિશાળી છે કે હેકર્સ તેનો ઉપયોગ કરીને મોટી સોફ્ટવેર સિસ્ટમ્સની નબળાઈઓ શોધી શકે છે અને સેકન્ડોમાં સુરક્ષા કવચને બાયપાસ એટલે કે "જેલબ્રેક" કરી શકે છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો આ મોડેલ્સ કોઈ વિદેશી દુશ્મન કે ખોટા હાથોમાં પડી જાય, તો બેંકિંગ અને સરકારી સંરક્ષણ જેવી દાયકાઓ જૂની સિસ્ટમ્સ પર અત્યંત વિનાશક અને સુસંસ્કૃત સાયબર હુમલા (Cyber Attacks) થઈ શકે છે. જો કે, એન્થ્રોપિક આ વાત સાથે અસંમત છે. કંપનીએ જણાવ્યું કે સરકારે માત્ર મૌખિક પુરાવા આપ્યા છે અને આટલી નાની આશંકા માટે લાખો કોમર્શિયલ યુઝર્સ માટે મોડેલ બંધ કરવું અવાસ્તવિક છે.
પોતાના જ કર્મચારીઓ પર લટકતી તલવાર: ટેક ઉદ્યોગ ઠપ્પ થવાની ભીતિ
આ અજીબોગરીબ ઓર્ડરના કારણે ખુદ એન્થ્રોપિક કંપનીની અંદર પણ મોટો આંતરિક સંકટ ઊભો થયો છે. કંપનીના સહ-સ્થાપક ક્રિસ ઓલાહ, પ્રખ્યાત AI સંશોધક આન્દ્રેજ કાર્પથી અને ફિલોસોફર અમાન્ડા એસ્કેલ સહિતના અનેક મુખ્ય વૈજ્ઞાનિકો અને કર્મચારીઓનો જન્મ અમેરિકાની બહાર (વિદેશમાં) થયો છે. હવે જો વિદેશીઓ માટે એક્સેસ બંધ થાય, તો શું કંપનીના પોતાના જ ટોચના વૈજ્ઞાનિકો પોતાના બનાવેલા AI મોડેલ પર કામ કરી શકશે કે નહીં, તે અંગે કંપનીએ મૌન સેવ્યું છે.
એન્થ્રોપિકે ચેતવણી આપી છે કે જો સરકાર આ જ કડક વલણ રાખશે, તો ભવિષ્યમાં કોઈ પણ કંપની નવા અને એડવાન્સ AI મોડેલ્સ લોન્ચ જ નહીં કરી શકે અને સમગ્ર ફ્રન્ટિયર મોડેલ ઇન્ડસ્ટ્રી અનિવાર્યપણે ઠપ્પ થઈ જશે. હાલમાં કંપની સરકાર સાથે વાતચીત કરીને આ 'ગેરસમજ' દૂર કરવા અને વહેલી તકે એક્સેસ પુનઃસ્થાપિત કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
