<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

'હું આ નફરતને જ પાત્ર છું...': રૂ. ૩૭૦ બિરયાની વિવાદમાં ચોમેરથી ઘેરાયેલા કોમેડિયન પ્રણિત મોરેએ માગી નવી માફી, વાયરલ વીડિયોના શરમજનક ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર પ્રચંડ આક્રોશ!

ગુરુગ્રામના શોમાં યુવતી પર અપમાનજનક ટિપ્પણી બદલ કોમેડિયને સ્વીકારી પોતાની મોટી ભૂલ: કાનૂની કાર્યવાહીમાં પોલીસને સહકાર આપવાની ખાતરી સાથે સુધરવા માટે વધુ એક તક આપવા આજીજી કરી

નવી દિલ્હી : ગુરુગ્રામમાં આયોજિત એક સ્ટેન્ડ-અપ કોમેડી શો દરમિયાન મહિલાઓ પ્રત્યે અત્યંત વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે વિવાદોમાં સપડાયેલા કોમેડિયન પ્રણિત મોરેએ આખરે સોશિયલ મીડિયા પર ભારે ફિટકાર અને ટીકાઓનો સામનો કર્યા બાદ એક નવો વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને જાહેર માફી માગી છે. પ્રણિત મોરેએ સ્વીકાર્યું છે કે શો દરમિયાન પ્રેક્ષકો સાથે સંવાદ (Crowd Work) કરતી વખતે તેનાથી નિર્ણય લેવામાં બહુ મોટી ભૂલ થઈ હતી અને તે લોકોના આક્રોશ તેમજ નફરતને પૂરેપૂરો પાત્ર છે.
અહેવાલો અનુસાર, પ્રણિતે પોતાના સસ્પેન્ડ થયેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ભારે પસ્તાવો વ્યક્ત કરતા તેણે હિન્દીમાં જણાવ્યું કે, "જ્યારે હું તે યુવક સાથે સ્ટેજ પરથી વાત કરી રહ્યો હતો, ત્યારે તેણે ઘણી અપમાનજનક વાતો કહી હતી અને વાતાવરણ એવું હતું કે બધા હસી રહ્યા હતા. મને લાગે છે કે તેને ત્યાં જ ન રોકવો એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. હું ઇચ્છતો તો તેને ટોકી શક્યો હોત, પરંતુ મેં તેને મારી જ મંચ પર વધુ બોલવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું, જેના કારણે પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ."
શું હતો આખો 'રૂ. ૩૭૦ બિરયાની' વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત ગુરુગ્રામમાં યોજાયેલા પ્રણિત મોરેના એક લાઇવ શોની ટૂંકી ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં થઈ હતી. આ ક્લિપમાં હિમાંશુ જાંગરા નામનો એક પ્રેક્ષક સ્ટેજ પાસે ઊભો રહીને પોતાની એક 'ડેટ' (મુલાકાત) નો કડવો અને શરમજનક અનુભવ સંભળાવી રહ્યો હતો.
જાંગરાએ જાહેરમાં એવી ટિપ્પણી કરી હતી કે, તેણે એક યુવતી સાથે ડેટ પર જઈને ચિકન બિરયાનીની પ્લેટ પાછળ ૩૭૦ રૂપિયા ખર્ચ્યા હતા, તેથી તે બદલામાં તે મહિલા પાસેથી શારીરિક આત્મીયતાની અપેક્ષા રાખતો હતો. તેણે શોમાં હસતા હસતા કહ્યું હતું કે, "મેં વિચાર્યું કે ૩૭૦ રૂપિયા ખર્ચ્યા છે, તો વસૂલ તો કરીશ જ." ભોજનના પૈસા ચૂકવ્યા હોવાથી મહિલાના શરીર પર પોતાનો હક હોવાની આ માનસિકતાની ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ભારે ટીકા થઈ હતી.
લાંબો વીડિયો સામે આવતા નવો વળાંક: કાનૂની ગાળિયો કસાવાની ભીતિ
આ વિવાદે ત્યારે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક લાંબો અને અસલી વીડિયો સામે આવ્યો. આ નવો વીડિયો જૂના વીડિયો કરતાં ઘણો વધારે હેરાન કરનારો અને શરમજનક હતો. લાંબી ક્લિપમાં હિમાંશુ જાંગરા અત્યંત ગ્રાફિક અને અભદ્ર શબ્દોમાં વિગતવાર વર્ણન કરી રહ્યો હતો કે તેણે કેવી રીતે તે યુવતીને શારીરિક રીતે પોતાની જાળમાં લીધી અને તેની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે કથિત આત્મીયતા કેળવી. આ શરમજનક વાતો પર કોમેડિયન પ્રણિત મોરે મંચ પર સતત હસતો રહ્યો હતો અને હોલમાં બેઠેલા પ્રેક્ષકો પણ તાળીઓ પાડીને તેનો ઉત્સાહ વધારી રહ્યા હતા.
આ ગંભીર અને અસંવેદનશીલ વર્તનને કારણે મહિલા સંગઠનો અને નેટીઝન્સ દ્વારા કોમેડિયન અને તે યુવક બંને સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોતાની સામે કાનૂની ગાળિયો કસાતો જોઈ પ્રણિત મોરેએ હાથ જોડીને માફી માગતા ઉમેર્યું છે કે, તે પોતાની સામે ચાલી રહેલી કોઈપણ કાનૂની તપાસમાં અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે. તેણે લોકોને વિનંતી કરી છે કે તેને એક સારો માણસ સાબિત થવા માટે સમાજ વધુ એક તક આપે. જો કે, સોશિયલ મીડિયા પર હજી પણ કોમેડીના નામે પીરસાતી આવી અશ્લીલતા અને વિકૃતિ સામે લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

(9:43 PM IST)