હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગલ્ફમાં અમેરિકી હુમલાથી ભારત લાલઘૂમ! વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએસ સેક્રેટરી માર્કો રુબિયો સામે નોંધાવ્યો પ્રચંડ વિરોધ, અમેરિકાએ કહ્યું- 'નાકાબંધીનું ઉલ્લંઘન સહન નહીં થાય'
ઓમાન કિનારે તેલ ટેન્કરો પર યુએસ નેવીના ઘાતક હુમલામાં ૩ ભારતીય જાંબાઝ ખલાસીઓએ ગુમાવ્યા જીવ: વાણિજ્યિક જહાજો પર સૈન્ય બળનો ઉપયોગ કોઈપણ ભોગે વાજબી નથી, વૈશ્વિક સ્તરે રાજદ્વારી ગરમાવો વધ્યો

નવી દિલ્હી : ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) નજીક યુએસ નેવી દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ લશ્કરી હુમલાઓમાં ત્રણ ભારતીય નાવિકોના કમકમાટીભર્યા મોત બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર ઘટનાક્રમ વચ્ચે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે સાંજે અમેરિકાના વિદેશ મંત્રી (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રુબિયો સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકી સેનાની આ ઘાતક કાર્યવાહી સામે ભારતનો અત્યંત કડક અને આકરો વિરોધ નોંધાવ્યો છે.
જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર આ વાતચીતની પુષ્ટિ કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "મેં ગલ્ફમાં યુએસ નેવી દ્વારા કરવામાં આવેલા હુમલાઓ સામે ભારતનો સખત વિરોધ પુનરોચ્ચાર કર્યો છે, જેમાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા છે. નિર્દોષ વાણિજ્યિક શિપિંગ (Commercial Shipping) સામે આવા ઘાતક સૈન્ય પગલાં કોઈપણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય નહીં."
અમેરિકાનું અક્કડ વલણ: 'ઇરાની તેલનું ગેરકાયદે પરિવહન અટકાવીશું'
બીજી તરફ, આ મહાસંવાદ અંગે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા પણ એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જે અમેરિકાના અક્કડ વલણને દર્શાવે છે. યુએસ સેક્રેટરી માર્કો રુબિયોએ જયશંકરને સ્પષ્ટ કહી દીધું છે કે વોશિંગ્ટન સંઘર્ષગ્રસ્ત દરિયાઈ ચોકપોઇન્ટ પર પોતાની નાકાબંધીનું કોઈપણ ઉલ્લંઘન સહન કરશે નહીં.
અમેરિકી નિવેદન અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તમામ વાણિજ્યિક જહાજોએ યુએસ દળોના આદેશોનું તાત્કાલિક પાલન કરવું જ પડશે. રુબિયોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નાકાબંધીનો ભંગ કરીને ઇરાની તેલના થઈ રહેલા ગેરકાયદેસર પરિવહનને રોકવા માટે યુએસ સેના પોતાની કાર્યવાહી ચાલુ રાખશે.
એક અઠવાડિયામાં ત્રણ ટેન્કરો પર હુમલા: ભારતીય પરિવારોમાં શોકનો માહોલ
ગલ્ફના દરિયામાં છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાએ ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા ત્રણ તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા છે, જેના કારણે ભારત સરકાર અત્યંત ચિંતિત છે:
• ૮ જૂન: ૨૪ ભારતીય ખલાસીઓ ધરાવતા પલાઉના ધ્વજવાળા ટેન્કર 'મેરીવેક્સ' પર યુએસ દળોએ હુમલો કરી તેને અક્ષમ કરી દીધું હતું, જો કે સદનસીબે તમામ ખલાસીઓ સુરક્ષિત બચી ગયા હતા.
• ૧૦ જૂન: પલાઉના જ ધ્વજવાળા બીજા ટેન્કર 'એમટી સેટેબેલો' પર યુએસ નેવીએ ભયાનક હુમલો કર્યો. આ હુમલામાં ૨૪ ભારતીય ખલાસીઓમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. શહીદ થનારા નાવિકોમાં ડેક કેડેટ આદિત્ય શર્મા, એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા અને મુખ્ય ઇજનેર પટનાલા સુરેશનો સમાવેશ થાય છે.
• ૧૧ જૂન (ગુરુવાર): ૨૦ ભારતીય નાવિકો ધરાવતા ગિની-બિસાઉના ધ્વજવાળા ટેન્કર 'જલવીર' પર પણ અમેરિકાએ હુમલો કર્યો હતો.
નવી દિલ્હીએ યુએસ રાજદૂતને કર્યા તલબ: રાજદ્વારી પ્રયાસો તેજ
ત્રણ ભારતીય નાવિકોના મોતથી રોષે ભરાયેલી નવી દિલ્હીએ વોશિંગ્ટન સમક્ષ સત્તાવાર રીતે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે (MEA) દિલ્હી ખાતે અમેરિકાના ચાર્જ ડી'અફેર્સ (કાર્યવાહક રાજદૂત) ને મંત્રાલયમાં તલબ કરીને આ ઘાતક બળના ઉપયોગ સામે ઊંડી ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, વાણિજ્યિક જહાજો પરના આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વ્યાપારની સલામતી, સુરક્ષા અને સ્થિરતાને સંપૂર્ણપણે નબળી પાડે છે. ભારતે માંગ કરી છે કે ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા વેપારી જહાજો પરના હુમલા તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ. આ સાથે જ ભારતે ગલ્ફ પ્રદેશમાં યુદ્ધ જેવી સ્થિતિ રોકવા માટે બંને પક્ષોને બંદૂકના જોરે નહીં પણ સંવાદ અને રાજદ્વારી પ્રયાસો દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
