વેઇટિંગ ટિકિટનું ટેન્શન ખતમ! હવે ચાલતી ટ્રેનમાં પણ મળશે કન્ફર્મ બર્થ : રેલવે લાવ્યું લાઈવ બુકિંગ સિસ્ટમ
IRCTC પોર્ટલ અને TTE ના હેન્ડહેલ્ડ ટર્મિનલ કનેક્ટ થતાં ટ્રેન ઉપડ્યા પછી ખાલી પડેલી સીટો રિયલ-ટાઇમ ઓનલાઈન દેખાશે : વેઇટિંગ લિસ્ટના મુસાફરો ચાલતી મુસાફરીએ સીધા સ્માર્ટફોનથી કન્ફર્મ સીટ બુક કરી શકશે

નવી દિલ્હી: ભારતીય રેલવે મુસાફરોની સફરને વધુ આરામદાયક અને ટેક-સેવી બનાવવા માટે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અત્યાર સુધીનો સૌથી મોટો ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છે. રેલવેની નવીનતમ યોજના હેઠળ હવે ટ્રેન સ્ટેશન પરથી રવાના થઈ ગયા પછી પણ મુસાફરો ચાલતી ટ્રેનમાં જ લાઈવ કન્ફર્મ ટિકિટ મેળવી શકશે. આ નવી ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એવા લાખો મુસાફરોને થશે જેઓ કન્ફર્મ સીટ ન મળવાને કારણે વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરવા મજબૂર બને છે. હવે ટ્રેન ઉપડ્યા બાદ જો કોઈ પેસેન્જર બોર્ડિંગ નહીં કરે, તો તે ખાલી સીટની માહિતી તાત્કાલિક ઓનલાઈન ઉપલબ્ધ થઈ જશે.
આ આખી સિસ્ટમને સફળ બનાવવા માટે રેલવેની ટેકનિકલ શાખા, સેન્ટર ફોર રેલ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS) દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર મોટું અપગ્રેડેશન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રેનમાં હાજર ટિકિટ ચેકર (TTE) ને આપવામાં આવેલા હેન્ડહેલ્ડ ટર્મિનલ (HHT) ડિવાઇસને સીધા મુખ્ય બુકિંગ પોર્ટલ સાથે લિંક કરવામાં આવી રહ્યા છે. વર્તમાન નિયમ મુજબ જો કોઈ મુસાફર ટ્રેનમાં ન ચઢે, તો TTE આગામી બે સ્ટેશનો સુધી તેની રાહ જુએ છે અને ત્યાર બાદ જ તે સીટ અન્યને ફાળવે છે. પરંતુ નવી સિસ્ટમમાં TTE પોતાના ડિવાઇસ પર સીટ ખાલી હોવાનું અપડેટ કરશે જે તરત જ IRCTC ની વેબસાઇટ પર રિફ્લેક્ટ થશે.
આ ડિજિટલ અપડેટ બાદ કોઈપણ મુસાફર તે ખાલી પડેલી સીટને પોતાના મોબાઈલ એપ કે વેબસાઈટ દ્વારા ઓનલાઈન બુક કરી શકશે. અત્યાર સુધી ખાલી સીટોની વહેંચણી સંપૂર્ણપણે TTE ના હાથમાં રહેતી હતી, જેના કારણે પારદર્શિતા સામે સવાલો ઉઠતા હતા. આ નવી લાઈવ બુકિંગ વ્યવસ્થાના અમલીકરણ માટે હાલમાં રેલવેના વાણિજ્યિક વિભાગના અધિકારીઓ અને તમામ TTE ને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ કાર્યરત થતાં જ ટ્રેનમાં ખાલી સીટો બગાડવાની સમસ્યા હલ થશે અને રેલવે મુસાફરોને વચગાળાના સ્ટેશનો પરથી પણ કન્ફર્મ બર્થ મળવાની શક્યતા વધી જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
