<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

યુપીમાં ‘જય ભીમ-જય મીમ’નો નવો દાવ: અખિલેશ-રાહુલની ઊંઘ ઉડાવવા ઓવૈસીનો માસ્ટર પ્લાન તૈયાર

લોકસભાની સફળતા બાદ સપા-કોંગ્રેસના 'PDA' ગણિતને રોકવા AIMIM ૨૦૦ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીમાં : માયાવતીના ઈનકાર છતાં મુસ્લિમ-દલિત ગઠબંધનના ભરોસે અસદુદ્દીન ઓવૈસી ૧૪ જૂને બહરાઇચથી ફૂંકશે ચૂંટણી શંખનાદ

બહરાઇચ: ઉત્તર પ્રદેશનું રાજકીય મેદાન આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં એક મોટા રસપ્રદ વળાંક તરફ આગળ વધી રહ્યું છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જોરદાર દેખાવ કરનાર સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જ્યારે પોતાની જીતનું પુનરાવર્તન કરવા આતુર છે, ત્યારે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ યુપીના સમીકરણો બગાડવા માટે એન્ટ્રી કરી લીધી છે. બિહાર ચૂંટણીમાં પોતાની પકડ મજબૂત રાખ્યા બાદ, ઓવૈસી હવે ઉત્તર પ્રદેશમાં 'જય ભીમ-જય મીમ' એટલે કે દલિત-મુસ્લિમ સોશિયલ એન્જિનિયરિંગના જોરે મોટો સટ્ટો ખેલવા જઈ રહ્યા છે. AIMIM નું ઉત્તર પ્રદેશ એકમ આગામી ૧૪ જૂનના રોજ બહરાઇચ જિલ્લાના માતેરા વિધાનસભા મતવિસ્તારના શંકરપુર ચોકડી ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરી રહ્યું છે, જ્યાંથી ઓવૈસી પોતે ચૂંટણી રણશિંગું ફૂંકશે.

આ હાઈ-પ્રોફાઈલ રેલીને સફળ બનાવવા માટે AIMIM ના યુપી પ્રમુખ શૌકત અલી અત્યારથી જ ઘરે-ઘરે જઈને આક્રમક પ્રચાર કરી રહ્યા છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ઓવૈસી આ મંચ પરથી જ શૌકત અલીને માતેરા બેઠકના સત્તાવાર ઉમેદવાર જાહેર કરી શકે છે. આ વખતે ઓવૈસીની નજર પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપરાંત અવધના મુસ્લિમ બહુલ વિસ્તારો જેમ કે બહરાઇચ, બલરામપુર અને બસ્તી પર છે, જે ભૌગોલિક અને સામાજિક રીતે બિહારના સીમાંચલ પ્રદેશ જેવા જ છે. રાજકીય અહેવાલો મુજબ, AIMIM આ વખતે ઉત્તર પ્રદેશની લગભગ ૨૦૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની ભવ્ય રણનીતિ ઘડી રહ્યું છે, જે ૨૦૨૨ની ૯૫ બેઠકોની સરખામણીએ બમણાથી પણ વધુ છે. ઓવૈસીનો મુખ્ય ઉદ્દેશ્ય મુસ્લિમ મતદારો સમક્ષ અખિલેશ યાદવની સપાના મજબૂત અને કટ્ટર વિકલ્પ તરીકે ઉભરી આવવાનો છે.

જોકે, ઓવૈસીના આ દલિત-મુસ્લિમ ગઠબંધનના સપના આડે બહુજન સમાજ પાર્ટી (BSP) ના સુપ્રીમો માયાવતીએ મોટો સ્પીડબ્રેકર મૂકી દીધો છે. બસપાએ સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ પક્ષ સાથે ચૂંટણી જોડાણ નહીં કરે અને ૨૦૦૭ની જેમ પક્ષોનું નહીં પણ 'લોકોનું ગઠબંધન' બનાવીને એકલા હાથે મેદાન મારશે. માયાવતી આગામી ૨૨ જૂનથી રાજ્યવ્યાપી કાર્યકર્તા સંમેલનો શરૂ કરીને પ્રથમ તબક્કામાં ૧૦૦ વિધાનસભા બેઠકો પર પોતાના પ્રભારીઓ જાહેર કરવા જઈ રહ્યા છે. માયાવતીના આ કડક વલણ છતાં ઓવૈસી પોતાના ગણિત પર મક્કમ છે. હવે જોવાનું એ રહેશે કે મુસ્લિમ અને દલિત મતોના વિભાજનનો આ ખેલ સપા-કોંગ્રેસને નુકસાન પહોંચાડે છે કે પછી ભાજપ માટે સત્તાનો માર્ગ વધુ સરળ બનાવે છે.

(10:40 PM IST)