<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ગુરુગ્રામના હાઈટેક ફ્લેટમાં બંગાળની મહિલાને બે વર્ષ સુધી બંધક બનાવી કરાતો હતો અમાનુષી અત્યાચાર : સંયુક્ત ઓપરેશનમાં આખરે બચાવી લેવાઈ

ડિજિટલ સિક્યોરિટી સિસ્ટમ ધરાવતા એપાર્ટમેન્ટમાં રોજ ૧૬ કલાક મજૂરી કરાવી નરાધમો ગુજારતા હતા શારીરિક જુલમ : પરિવારથી રખાઈ તદ્દન વંચિત

ગુરુગ્રામ:હરિયાણાના ગુરુગ્રામ શહેરમાંથી માનવતાને શર્મસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના એક આધુનિક એપાર્ટમેન્ટમાં પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાની વતની એવી ૩૯ વર્ષીય મહિલાને છેલ્લા બે વર્ષ કરતાં પણ વધુ સમયથી ઘરેલું કામકાજના બહાને બંધક બનાવીને રાખવામાં આવી હતી. આ લાંબા સમયગાળા દરમિયાન મહિલા પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો હતો અને તેની સ્વતંત્રતા છીનવી લેવાઈ હતી. પશ્ચિમ બંગાળ પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર, સામાજિક સંસ્થાઓ અને હરિયાણા પોલીસના સંયુક્ત અને સુનિયોજિત ઓપરેશનના કારણે આખરે શુક્રવારે આ પીડિત મહિલાને નરાધમોની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં સફળતા મળી છે.

પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ૩૯ વર્ષીય મહિલાને ઘરેલું કામકાજમાં સારી રોજગારી અપાવવાની લાલચ આપીને વચેટિયાઓ દ્વારા ૪૦ હજાર રૂપિયાની એડવાન્સ રકમ ચૂકવીને ગુરુગ્રામ લાવવામાં આવી હતી. જોકે, ગુરુગ્રામના આ ફ્લેટમાં પહોંચ્યા બાદ તેની જિંદગી નરક સમાન બની ગઈ હતી. ફ્લેટ માલિકો દ્વારા તેને પ્રતિદિન સતત ૧૬ કલાક કરતાં પણ વધુ સમય સુધી કાળી મજૂરી કરવા માટે મજબૂર કરવામાં આવતી હતી. આટલું જ નહીં, તેને સમયસર પૂરતું ભોજન પણ અપાતું નહોતું અને નાની વાતોમાં નિર્દયતાપૂર્વક માનસિક તેમજ ભારે શારીરિક શોષણનો શિકાર બનાવવામાં આવતી હતી.

આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, જે ફ્લેટમાં મહિલાને રાખવામાં આવી હતી ત્યાં અત્યાધુનિક ડિજિટલ સુરક્ષા પ્રણાલી (ડિજિટલ લોકીંગ સિસ્ટમ) લગાવવામાં આવી હતી. આ હાઈટેક સુરક્ષા વ્યવસ્થાના કારણે પીડિત મહિલા માટે ઘરની બહાર નીકળવું કે પોતાના પરિવાર સાથે ફોન પર સંપર્ક સાધવો તદ્દન અશક્ય બની ગયું હતું. આ ભયાનક વાસ્તવિકતાનો પર્દાફાશ ચાલુ વર્ષના માર્ચ મહિનામાં થયો હતો, જ્યારે આ અભાગી મહિલાની બહેને કોઈક રીતે ભગાડીને મદદ મેળવવા માટે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, થોડા સમય પહેલાં ફ્લેટમાં કોઈ ટેકનિશિયન રિપેરિંગના કામે આવ્યો ત્યારે મહિલાએ છૂપી રીતે તેની મદદથી પરિવારને પોતાની આપવીતી જણાવી શકી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને 'નારી અને શિશુ કલ્યાણ કેન્દ્ર' નામની બિનસરકારી સામાજિક સંસ્થા (NGO) આગળ આવી હતી અને સરકારી એજન્સીઓ સાથે સતત સમન્વય સાધ્યો હતો. ત્યારબાદ પશ્ચિમ બંગાળના ઇલ્લમબજાર પોલીસ સ્ટેશનમાં આ મામલે વિવિધ ગુનાહિત કલમો હેઠળ વિધિવત એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી. ગુનાની તપાસ માટે બંગાળ પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક ગુરુગ્રામ પહોંચી હતી અને સ્થાનિક સત્તાવાળાઓની મદદથી ફ્લેટ પર દરોડો પાડી મહિલાને હેમખેમ છોડાવી લીધી હતી. જોકે, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પૂર્વે જ પાપી ફ્લેટ માલિકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે હાલ તેમના ઘર પર કાયદાકીય નોટિસ ચોંટાડીને હાજર થવા આદેશ કર્યો છે અને બંગાળ પોલીસ પીડિતાનું વિગતવાર નિવેદન નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરી રહી છે.

(10:46 PM IST)