હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અયોધ્યા રામ મંદિર પ્રસાદ અને દાન વિવાદમાં PMO ની એન્ટ્રી: પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્રસ્ટને મોકલ્યો ગુપ્ત પત્ર, નૃપેન્દ્ર મિશ્રા અને ચંપત રાય વચ્ચે બંધ બારણે હાઈ-લેવલ બેઠકથી ગરમાયું રાજકારણ!
સોશિયલ મીડિયા પર ઉઠેલા સવાલો બાદ એક્શનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર: વિવાદોનો અંત લાવવા સીએમ યોગી આદિત્યનાથે ત્રણ ઉચ્ચ અધિકારીઓની 'SIT' રચી, કાવતરાનો પર્દાફાશ કરવા તપાસનો ધમધમાટ શરૂ

અયોધ્યા : અયોધ્યામાં પ્રભુ શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરમાં ચઢાવાતા પ્રસાદ અને દાનપેટીઓ (દાનના નાણાં) ના કથિત દુરુપયોગ અથવા ગેરરીતિ અંગે સોશિયલ મીડિયા પર શરૂ થયેલા વિવાદે હવે દિલ્હી સુધી હલચલ મચાવી દીધી છે. લાખો ભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દા પર વિવાદ વધતાં હવે સીધો પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ હસ્તક્ષેપ કર્યો છે. પીએમઓ તરફથી આ મામલે રામ મંદિર ટ્રસ્ટને એક મહત્વપૂર્ણ નિર્દેશ પત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્ર મળતાંની સાથે જ રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય વચ્ચે અયોધ્યામાં એક અત્યંત ગુપ્ત અને લાંબી બંધ બારણે બેઠક યોજાઈ છે, જેના કારણે દિલ્હીથી લખનૌ સુધી અટકળોનો દોર તેજ બન્યો છે.
મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ વડાપ્રધાન કાર્યાલયનો એ ખાસ પત્ર રૂબરૂ મળીને ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયને સોંપ્યો હતો. પત્ર આપ્યા બાદ બંને દિગ્ગજ અધિકારીઓએ બંધ રૂમમાં કલાકો સુધી વિવિધ પાસાઓ પર ગંભીર ચર્ચા કરી હતી. આ સમય દરમિયાન મહામંત્રી ચંપત રાયે સત્તાધારી પક્ષ ભાજપના એક પ્રભાવશાળી અને ઉચ્ચ હોદ્દેદાર સાથે પણ ફોન પર લાંબી મંત્રણા કરી હોવાના અહેવાલ છે.
ટ્રસ્ટના મૌન વચ્ચે અટકળો તેજ, ચંપત રાયની તબિયત લથડી
રામ મંદિરમાં દાનના કથિત દુરુપયોગની અફવાઓ અને આક્ષેપો પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કે નિવેદન બહાર ન પાડવામાં આવતા શંકાઓનું બજાર ગરમ છે. અગાઉ એવી ધારણા હતી કે શનિવારે યોજાનારી ભવન નિર્માણ સમિતિની નિયમિત બેઠકમાં ટ્રસ્ટના ખજાનચી મહંત ગોવિંદ દેવગિરી અને સંઘ તરફથી રામ મંદિરના સંભાળ રાખનાર ભૈયાજી જોશી પણ હાજર રહેશે અને આ આરોપો પર ચર્ચા થશે. જો કે, શનિવારે આ તમામ અટકળો પર વિરામ મુકાઈ ગયો હતો અને બેઠક માત્ર નિર્માણ કાર્યના એજન્ડા પૂરતી જ સીમિત રહી હતી. પરંતુ બેઠક પૂરી થયા બાદ નૃપેન્દ્ર મિશ્રા અને ચંપત રાય વચ્ચે થયેલી પર્સનલ મુલાકાતને આ જ વિવાદ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
આ ભારે તણાવની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય છેલ્લા બે દિવસથી ગંભીર રીતે બીમાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ સખત શરદી, ઉધરસ, તાવ અને ડાયાબિટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે અને ડોક્ટરોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આમ છતાં, આ વિવાદની ગંભીરતાને જોતાં તેઓ નાદુરસ્ત તબિયતે પણ થોડા સમય માટે ભવન નિર્માણ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા. બીજી તરફ, ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ શનિવારે બપોરે અચાનક કોલકાતા જવા રવાના થયા છે. તેમના શિષ્યના જણાવ્યા મુજબ તેઓ પશ્ચિમ બંગાળમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ઉપરાંત ત્યાંની નવી ચૂંટાયેલી સરકારના મુખ્યમંત્રી અને મંત્રીઓને પણ મળી શકે છે.
લાખો ભક્તોની શ્રદ્ધાને કલંકિત કરવાનું કાવતરું? સીએમ યોગી દ્વારા SIT ની રચના
સોશિયલ મીડિયા પર રામ મંદિરની દાનપેટીઓ અને પ્રસાદને લઈને ફેલાવવામાં આવી રહેલી અફવાઓ અને ભ્રમણાને ટ્રસ્ટે બહુ ગંભીરતાથી લીધી છે. ટ્રસ્ટનું માનવું છે કે આ તીર્થસ્થળની વૈશ્વિક છબી અને દેશ-વિદેશના કરોડો ભક્તોની શ્રદ્ધાને કલંકિત કરવાનું એક બહુ મોટું અને ઊંડું કાવતરું હોઈ શકે છે અને તેનો પર્દાફાશ કરવો અત્યંત જરૂરી છે. આથી, સત્ય બહાર લાવવા અને નિષ્પક્ષ તપાસ માટે ટ્રસ્ટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લેખિત વિનંતી કરી હતી.
ટ્રસ્ટની આ વિનંતી પર ત્વરિત એક્શન લેતા સીએમ યોગી આદિત્યનાથે આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઈટી (SIT) ની રચના કરી દીધી છે. આ હાઈ-લેવલ SIT ટીમમાં લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંત, આઈજી રેન્જ કિરણ એસ. અને ઉત્તર પ્રદેશ શાસનના ખાસ સચિવ (નાણા) નીલ રતન કુમાર જેવા કડક અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિશેષ ટીમ અયોધ્યા તીર્થસ્થળ પર દાન અને પ્રસાદ સંબંધિત તમામ નાણાકીય પાસાઓ અને સોશિયલ મીડિયાના આરોપોની ઊંડી તપાસ કરીને ટૂંક સમયમાં જ પોતાનો રિપોર્ટ રાજ્ય સરકાર અને પીએમઓ સમક્ષ રજૂ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
