News of Saturday, 13th June 2026
સુપ્રીમ કોર્ટના આદેશ સામે ગુજરાતના ૭૫,૦૦૦ શિક્ષકોનું રણશિંગુ: TET પરીક્ષાના વિરોધમાં ૧૫ જૂનથી રાજ્યવ્યાપી મહાઆંદોલન, ત્રણ તબક્કાના કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત!
૨૦૧૦ પહેલાના અનુભવી શિક્ષકોની નોકરી પર તોળાતું સંકટ: અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશથી ધારાસભ્યો, સાંસદો અને કલેક્ટરોને અપાશે આવેદનપત્ર, ચોમાસું સત્રમાં દિલ્હી ગજવવાની તૈયારી

અમદાવાદ : દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) દ્વારા વર્ષ ૨૦૧૦ પહેલાના પ્રાથમિક શિક્ષકો માટે પણ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે TET (ટેટ) પરીક્ષા પાસ કરવાનો ચુકાદો આપવામાં આવતા સમગ્ર દેશ સહિત ગુજરાતના શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ કડક આદેશના કારણે એકલા ગુજરાતના જ અંદાજે ૭૫,૦૦૦ જેટલા અને સમગ્ર દેશના આશરે ૨૫ લાખ જેટલા સિનિયર તેમજ અનુભવી શિક્ષકોની વર્ષો જૂની નોકરી અને આજીવિકા પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. આ નિર્ણયની સામે પોતાના વ્યવસાયિક ગૌરવ અને સેવાની રક્ષા કરવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આરપારની લડાઈ લડવા માટે રાજ્યવ્યાપી આંદોલનનું રણશિંગુ ફૂંકી દીધું છે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ (AIPTF) ની દિલ્હી ખાતે મળેલી હાઈ-લેવલ એક્શન કમિટીની બેઠકમાં લેવાયેલા રાષ્ટ્રવ્યાપી નિર્ણયને પગલે હવે ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શન તેજ કરવામાં આવશે. જો કે, સુપ્રીમ કોર્ટે રીવ્યુ પીટિશનની સુનાવણી દરમિયાન તમામ સેવારત શિક્ષકોને રાહત આપતા ટેટ પરીક્ષા પાસ કરવાની મુદ્દત વધારીને ૩૧ ઓગસ્ટ ૨૦૨૮ સુધીની કરી દીધી છે, પરંતુ શિક્ષક સંગઠનો આ ફરજિયાત પરીક્ષાના નિયમનો જ મૂળમાંથી વિરોધ કરી રહ્યા છે.
ગુજરાતમાં ત્રણ આક્રમક તબક્કામાં યોજાશે વિરોધ પ્રદર્શન
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ ડી. જાડેજા અને મહામંત્રી જૈમિનકુમાર એન. પટેલે એક સંયુક્ત યાદી જાહેર કરીને આગામી ૧૫ જૂનથી શરૂ થનારા આંદોલનની સંપૂર્ણ રૂપરેખા અને ત્રણ મુખ્ય તબક્કાઓની જાહેરાત કરી છે:
· પ્રથમ તબક્કો (૧૫ થી ૩૦ જૂન, ૨૦૨૬): આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ જિલ્લા મથકોએ શિક્ષકો દ્વારા વિશાળ ધરણાં કાર્યક્રમો યોજવામાં આવશે. આ સાથે જે-તે વિસ્તારના સંસદ સભ્યો (MPs), ધારાસભ્યો (MLAs) અને જિલ્લા કલેક્ટરશ્રીઓને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવામાં આવશે.
· બીજો તબક્કો (૫ થી ૨૦ જુલાઈ, ૨૦૨૬): આંદોલનને વધુ ઉગ્ર બનાવીને રાજ્ય કક્ષાએ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સંઘના હોદ્દેદારો દ્વારા માનનીય મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર અપાશે. આ ઉપરાંત, જનતાનું સમર્થન મેળવવા માટે પ્રેસ કોન્ફરન્સ દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન છેડવામાં આવશે.
· ત્રીજો તબક્કો (૧ થી ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬): અત્યાર સુધીના વિરોધ કાર્યક્રમોની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે અને કાનૂની તેમજ વહીવટી પાસાઓની ચકાસણી કરાશે. આ અંતિમ તબક્કામાં કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માટે સંસદના ચોમાસું સત્ર દરમિયાન દિલ્હી ખાતે રાષ્ટ્રવ્યાપી આંદોલનની મોટી તૈયારીઓ શરૂ કરવામાં આવશે.
અનુભવી શિક્ષકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ
શિક્ષક સંઘના નેતાઓનું કહેવું છે કે જે શિક્ષકો છેલ્લા ૧૫-૨૦ વર્ષથી નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપી રહ્યા છે અને જેમની ઉંમર હવે નિવૃત્તિની નજીક પહોંચવા આવી છે, તેમની પાસે આ ઉંમરે ફરીથી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની અપેક્ષા રાખવી તે સંપૂર્ણપણે અન્યાયી છે. આ કાનૂની ગૂંચવણને કારણે હજારો શિક્ષક પરિવારો માનસિક તણાવ હેઠળ આવી ગયા છે. ૧૫ જૂનથી શરૂ થઈ રહેલું આ શિક્ષકોનું મહાઆંદોલન આગામી દિવસોમાં ગુજરાતના શિક્ષણ કાર્ય પર કેવી અસર કરે છે તેના પર હવે સૌની નજર મંડાયેલી રહેશે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
