હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકા અને ઈરાન વચ્ચે રવિવારે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર થશે તેવો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો : ઈરાને સમયમર્યાદા અંગે વ્યક્ત કરી અસંમતિ : વૈશ્વિક ભારે અસમંજસ!
હોર્મુઝની સામુદ્રધુની તમામ જહાજો માટે ખુલ્લી મુકાશે અને ૬૦ દિવસ માટે યુદ્ધવિરામ લંબાવાશે : પાકિસ્તાનની મધ્યસ્થતા વચ્ચે ઈરાને કહ્યું, રવિવારે નહીં પરંતુ આગામી દિવસોમાં થઈ શકે છે અંતિમ સમજૂતી!

નવી દિલ્હી:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ અને તણાવ વચ્ચે એક બહુ મોટા આંતરરાષ્ટ્રીય સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન રવિવારના રોજ એક ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે. જોકે, બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રાલયે સાર્વજનિક રૂપે સાવચેતીભર્યું વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયાની સમયમર્યાદા ધારણા કરતાં ધીમી હોઈ શકે છે. આ વાટાઘાટોમાં મુખ્ય મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાને પણ સંકેત આપ્યા હતા કે આગામી ૨૪ કલાકની અંદર આ શાંતિ કરારને આખરી ઓપ આપી દેવામાં આવશે. વારંવાર ના આવા વિરોધાભાસી નિવેદનો થી વૈશ્વિક સમુદાય ભારે અસમંજસમાં મુકાઈ ગયો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, આ મહત્ત્વપૂર્ણ કરાર પર રવિવારે હસ્તાક્ષર થવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે અને તેના પર સહી થતાંની સાથે જ ઈરાન દ્વારા બ્લોક કરાયેલી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) તમામ દેશોના વ્યાપારી જહાજોની અવરજવર માટે તાત્કાલિક અસરથી ખુલ્લી મૂકી દેવામાં આવશે. જોકે, અત્યાર સુધી અમેરિકા કે ઈરાન બંનેમાંથી કોઈ પણ દેશે આ સંભવિત કરારના સત્તાવાર દસ્તાવેજો કે ટેક્સ્ટ જાહેર કર્યા નથી. પરંતુ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મળતી વિગતો મુજબ, આ પ્રારંભિક સમજૂતી પત્ર (MoU) હેઠળ હોર્મુઝની સામુદ્રધુની પરથી અમેરિકી નાકાબંધી હટાવી લેવામાં આવશે અને વર્તમાન યુદ્ધવિરામને વધુ ૬૦ દિવસ માટે લંબાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન બંને દેશો ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને હટાવવા જેવા જટિલ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરશે.
બીજી તરફ, ઈરાને શનિવારે સવારે જ આ મામલે અપેક્ષાઓને થોડી અંકુશમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ સરકારી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ શાંતિ કરાર રવિવારે જ સાઇન થઈ જશે તેવું નક્કી નથી. જોકે, તેમણે એવી સંભાવના ખુલ્લી રાખી હતી કે આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થઈ શકે છે. આ પ્રારંભિક કરાર પાટા પરથી ઉતરી જવાની સંભાવનાઓ પણ હજુ સેવાઈ રહી છે, કારણ કે શનિવારે વહેલી સવારે જ અમેરિકી સેનાએ હોર્મુઝની સામુદ્રધુનીમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવી રહેલા ઈરાની આત્મઘાતી ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત લેબનોનમાં પણ ઈઝરાયેલ અને ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહ વચ્ચે છેલ્લા ૧૦૦ કરતાં વધુ દિવસોથી ભીષણ યુદ્ધ ચાલુ છે, જેના કારણે પ્રાદેશિક સ્થિરતા હજુ પણ નાજુક બનેલી છે. ઈરાની અધિકારીઓનું કહેવું છે કે કોઈપણ વ્યાપક પ્રાદેશિક પતાવટમાં લેબનોનનો સમાવેશ થવો જોઈએ અને ઈઝરાયેલી સેના ત્યાંથી પીછેહઠ કરે તે જરૂરી છે.
શાંતિ કરારની આ પ્રક્રિયા વચ્ચે ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયેલ કાત્ઝે શનિવારે સોશિયલ મીડિયા પર કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું હતું કે, જો અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ પણ પ્રકારનો કરાર થાય તો પણ ઈઝરાયેલ લેબનોન, સીરિયા અને ગાઝા પટ્ટીના પોતાના કબજા હેઠળના વિસ્તારોમાંથી પોતાની સેના પાછી ખેંચશે નહીં. તેમણે ઉમેર્યું કે ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા રોકવા માટે તેમનો દેશ સ્વતંત્ર રીતે સૈન્ય કાર્યવાહી કરવાની ક્ષમતા અકબંધ રાખશે. આ બધાની વચ્ચે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેની, જેઓ ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત સૈન્ય હુમલામાં માર્યા ગયા હતા, તેમના અંતિમ સંસ્કાર આગામી ૯ જુલાઈના રોજ ઈરાનના ઉત્તર-પૂર્વીય શહેર મશહાદ ખાતે કરવામાં આવશે અને તેની ધાર્મિક વિધિઓ ૪ જુલાઈથી જ શરૂ થઈ જશે તેવું ઈરાની સ્ટેટ મીડિયાએ જણાવ્યું છે.
અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓની બ્રીફિંગ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં વધુમાં દાવો કર્યો છે કે આગામી સમયમાં જ્યારે સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થપાશે, ત્યારે અમેરિકી દળો અગાઉ બોમ્બમારો કરીને નષ્ટ કરાયેલી ઈરાનની ભૂગર્ભ સુવિધાઓના કાટમાળ નીચે દબાયેલા અત્યંત સંવર્ધિત યુરેનિયમ (Highly Enriched Uranium) ના જથ્થાને બહાર કાઢવા માટે ઈરાનમાં પ્રવેશ કરશે. ટ્રમ્પે વચન આપ્યું હતું કે આ પરમાણુ જથ્થાને ઈરાનમાં અથવા તો અમેરિકા લાવીને સંપૂર્ણપણે નાબૂદ (Destroy) કરી દેવામાં આવશે. જોકે, ઈરાન આખરે અમેરિકાની આ પરમાણુ શરતો સ્વીકારશે કે કેમ અને તેના પરમાણુ ભંડારનું ભવિષ્ય શું હશે, તે અંગે હાલ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સ્તરે ભારે આશંકાઓ સેવાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
