<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યાઃ લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો

આત્મહત્યાના આ દરમાં રેકોર્ડ ૮૨%નો વધારો નોંધાયો

નવી દિલ્હીઃ ભારતમાં બદલાતી સામાજિક પરિસ્થિતિઓ અને કૌટુંબિક તણાવની વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા દર્શાવે છે કે દેશમાં લગ્ન સંબંધિત વિવાદો અથવા પત્ની સાથેના અણબનાવને કારણે આત્મહત્યા કરનારા પરિણીત પુરુષોની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા એક દાયકામાં આ આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે, જે વર્તમાન કૌટુંબિક વ્યવસ્થા સામે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરે છે.

NCRBના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૫માં લગ્નજીવનના વિવાદોને કારણે આશરે ૨,૪૯૭ પુરુષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં આ આંકડો વધીને ૪,૫૩૬ પર પહોંચી ગયો છે. પરિણીત પુરુષોની આત્મહત્યાના આ દરમાં રેકોર્ડ ૮૨%નો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે ઘરેલું અને માનસિક સમસ્યાઓ પુરુષોને કેટલા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહી છે. આ પરિસ્થિતિમાં પુરુષોના માનસિક સ્વાસ્થ્યને સમજવું અત્યંત મહત્ત્વનું બની ગયું છે.

અગાઉના રેકોર્ડ્સ પર નજર કરીએ તો, લગ્ન સંબંધિત બાબતોમાં પુરુષો કરતાં મહિલાઓના આત્મહત્યાના કેસ વધુ જોવા મળતા હતા. પરંતુ વર્ષ ૨૦૨૨માં આ આખો આંકડો પલટાઈ ગયો હતો. વર્ષ ૨૦૨૪માં પણ આ ટ્રેન્ડ સતત ચાલુ રહ્યો છે, જ્યાં લગ્નજીવનના કલેશના કારણે મહિલાઓ કરતાં પુરુષો વધુ આત્મહત્યા કરી રહ્યા છે.

વર્ષ ૨૦૨૪માં લગ્ન સંબંધિત વિવાદોને કારણે કુલ ૮,૫૨૪ લોકોએ આત્મહત્યા કરી હતી. આ કુલ કેસમાંથી ૪,૫૩૬ એટલે કે આશરે ૫૩% પુરુષો હતા, જ્યારે ૩,૯૮૬ એટલે કે આશરે ૪૬% મહિલાઓ હતી. જો વર્ષ ૨૦૧૫ની વાત કરીએ તો તે સમયે આત્મહત્યા કરનારી મહિલાઓની   સંખ્યા પુરુષોની સરખામણીએ ૬૧% જેટલી વધારે હતી, જે હવે સંપૂર્ણપણે ઉલટી થઈ ગઈ છે.

આ અહેવાલમાં ઉંમરને લઈને પણ એક ચોક્કસ તારણ સામે આવ્યું છે. ૧૮થી ૩૦ વર્ષની નાની ઉંમરમાં આત્મહત્યા કરવાના કિસ્સામાં મહિલાઓની સંખ્યા વધુ છે. વર્ષ ૨૦૨૪માં આત્મહત્યા કરનારી મહિલાઓમાંથી આશરે બે-તૃતીયાંશ મહિલાઓ ૩૦ વર્ષથી ઓછી ઉંમરની હતી. બીજી તરફ, પુરુષોમાં આ ટ્રેન્ડ તદ્દન અલગ છે. આત્મહત્યા કરનારા અડધાથી વધુ પુરુષો ૩૦ વર્ષથી વધુ ઉંમરના હતા, જેમાં ૪૦% પુરુષો ૩૦થી ૪૫ વર્ષની વયજૂથના હતા.

રિપોર્ટના આંકડા અનુસાર, દેશમાં લગ્નજીવન અથવા પતિ-પત્ની વચ્ચેના વિવાદોના કારણે દરરોજ સરેરાશ ૨૩થી ૨૪ લોકો આત્મહત્યા કરે છે. આ દૈનિક સરેરાશમાં ૧૨ પુરુષો અને ૧૧ મહિલાઓનો સમાવેશ થાય છે. પુરુષોની વિગતો જોઈએ તો, દરરોજ ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ૫ પુરુષો અને ૩૦ વર્ષથી વધુ ઉંમરના ૬ પુરુષો કૌટુંબિક વિવાદોના કારણે મોતને વહાલું કરે છે. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ સુધીના ૫ વર્ષ ગાળામાં આ રીતે આત્મહત્યા કરનારાઓની કુલ સંખ્યા ૨૪,૩૩૫ પર પહોંચી ગઈ છે.

લગ્નજીવન તૂટવા પાછળ અથવા આ પ્રકારનું ગંભીર પગલું ભરવા પાછળ મુખ્યત્વે દહેજ પ્રથા, લગ્નેતર સંબંધો અને છૂટાછેડા જેવા સામાજિક દૂષણો જવાબદાર છે. વર્ષ ૨૦૨૪માં નોંધાયેલા આત્મહત્યાના ૮,૫૩૪ કેસમાંથી ૩,૦૫૨ કેસ એવા હતા, જેમાં લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે પરસ્પર સામંજસ્ય ન બેસી શકવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. આ સિવાય, લગ્નેતર સંબંધોના કારણે થતી આત્મહત્યાના દરમાં પણ પાછલા વર્ષોની સરખામણીએ મોટો વધારો થયો છે.

રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો લગ્નજીવનના વિવાદોમાં આત્મહત્યાના મામલે ઉત્તર પ્રદેશ દેશમાં સૌથી આગળ છે. વર્ષ ૨૦૨૪માં ઉત્તર પ્રદેશમાં લગ્ન પછી પરસ્પર તાલમેલ ન જળવાવાને કારણે કુલ ૭૬૪ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં ૩૯૪ પુરુષો અને ૩૭૦ મહિલાઓ સામેલ હતી. આ યાદીમાં ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે મહારાષ્ટ્ર આવે છે, જ્યાં આવા પારિવારિક વિવાદોને કારણે ૪૨૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

(12:06 PM IST)