<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

ટ્રમ્પ સાથે 'ડીલ'ના સમાચારથી ઈરાનમાં ભડકો: કટ્ટરપંથીઓએ વિદેશ પ્રધાનને 'દેશદ્રોહી' ગણાવ્યા

અમેરિકા-ઈરાન વચ્ચેના ઐતિહાસિક શાંતિ સોદા સામે તેહરાન સહિત દેશના મોટા શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન, અબ્બાસ અરાઘચીના રાજીનામાની ઉઠતી માંગ

તેહરાન:  આજે જ્યારે દુનિયા અમેરિકા અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક 'શાંતિ સોદા' પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ત્યારે ઈરાનમાં જ આ કરારને લઈને ઉગ્ર બળવો ફાટી નીકળ્યો છે. શનિવારે, ઈરાનના ઘણા મોટા શહેરોમાં કટ્ટરપંથીઓ પ્રસ્તાવિત શાંતિ કરારનો ઉગ્ર વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધીઓનો ગુસ્સો ખાસ કરીને ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ પર છે. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ છે કે વિરોધીઓ વિદેશ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ આ સોદા અંગે રાજ્ય ટેલિવિઝન પર નિવેદન આપ્યા બાદ વિરોધ પ્રદર્શન શરૂ થયા. થોડા સમય પછી, મશહદમાં વિદેશ મંત્રાલયના કાર્યાલયની બહાર ડઝનબંધ કટ્ટરપંથીઓ એકઠા થયા અને આ પ્રદર્શન ઝડપથી રાજધાની તેહરાન અને અન્ય શહેરોમાં ફેલાઈ ગયા. રોઇટર્સ અને એએફપીના અહેવાલ મુજબ, કટ્ટરપંથીઓનો આરોપ છે કે ઈરાની વાટાઘાટકારો વોશિંગ્ટન સમક્ષ શરણાગતિ સ્વીકારી રહ્યા છે. વિરોધના મુખ્ય કારણોમાં હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ ગુમાવવાનો ડર અને પરમાણુ નીતિ પર સમાધાનની ચિંતા છે, જેનાથી દેશનો પરમાણુ કાર્યક્રમ અને એનપીટી હેઠળની પ્રતિબદ્ધતાઓ નબળી પડી શકે છે.

ભારે વિરોધ વચ્ચે, વિદેશ મંત્રી અરાઘચીએ રાષ્ટ્રને ખાતરી આપતા જણાવ્યું કે આ કરારના બદલામાં યુએસ ઈરાની બંદરો પરનો તેનો નૌકાદળ નાકાબંધી સંપૂર્ણપણે હટાવી લેશે અને હોર્મુઝની સામુદ્રધુની હંમેશા ઈરાનની પ્રાથમિક સુરક્ષાનું મુખ્ય માધ્યમ રહેશે. બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મધ્યસ્થી પાકિસ્તાન દાવો કરે છે કે ફ્રેમવર્ક કરાર પર રવિવાર સુધીમાં ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર થઈ શકે છે. જોકે, આંતરિક હોબાળાને પગલે ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘેઈએ સ્પષ્ટતા કરી છે કે રવિવારે તાત્કાલિક હસ્તાક્ષર થશે નહીં અને ઈરાન કોઈ ઉતાવળમાં નિર્ણય લેશે નહીં.

આ આંતરિક સત્તા સંઘર્ષ અને જનતાના આક્રોશ વચ્ચે, ઈરાન સરકાર માટે હવે પોતાના જ દેશના સૈન્ય વર્ગ અને કટ્ટરપંથી જૂથોને મનાવવાનું અનિવાર્ય બન્યું છે. જો આગામી દિવસોમાં સરકાર આ આંતરિક ગતિરોધને ઉકેલવામાં નિષ્ફળ રહેશે, તો દાયકાઓથી ચાલી આવતા વૈશ્વિક તણાવને સમાપ્ત કરનારી આ આંતરરાષ્ટ્રીય મહાડીલ પર કાયમી બ્રેક વાગી શકે છે અને મધ્ય-પૂર્વ એશિયામાં ફરી અસ્થિરતાનો નવો દોર શરૂ થવાની સંભાવના છે.

(2:05 PM IST)