News of Sunday, 14th June 2026
વૈશ્વિક દબાણ છતાં રશિયન ક્રૂડની ખરીદીમાં ભારતનો મોટો ધડાકો: જામનગર અને વાડીનાર રિફાઇનરીઓ બની તેલ આયાતનું મુખ્ય કેન્દ્રબિંદુ
ચીન પછી ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ખરીદદાર યથાવત્; ગુજરાતના બે મોટા રિફાઇનિંગ હબમાં ક્રૂડ ઓઇલની આવકમાં ૨૧% સુધીનો જંગી ઉછાળો

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય રાજકીય દબાણો અને પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધોને નેવે મૂકીને ભારતે રશિયા પાસેથી સસ્તા દરે મળતા ક્રૂડ ઓઇલની ખરીદીમાં રેકોર્ડબ્રેક વધારો કર્યો છે. ઊર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા તરફ આગળ વધી રહેલા ભારતે રશિયા પાસેથી અંદાજે ૫.૮ અબજ યુરો (આશરે ૬.૭ અબજ ડોલર)ના જીવાશ્મ ઇંધણની આયાત કરી છે. આ આંકડા સાથે જ ભારત વૈશ્વિક સ્તરે ચીન પછી રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર દેશ બની રહ્યો છે. આ સમગ્ર તેલ વેપારમાં ગુજરાતના બે અગ્રણી રિફાઇનિંગ હબ જામનગર અને વાડીનાર મુખ્ય કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવ્યા છે.
ગુજરાતના રિફાઇનિંગ હબમાં તેલની ભારે આવક
સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA)ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતીય રિફાઇનરીઓએ રશિયાથી તેલની ખરીદીમાં ધરખમ વધારો કર્યો છે. ખાસ કરીને ગુજરાતમાં આવેલી વાડીનાર રિફાઇનરીમાં અગાઉના મહિનાની સરખામણીએ ૩૬ ટકા વધુ ક્રૂડ ઓઇલ ઉતારવામાં આવ્યું છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જામનગર રિફાઇનિંગ કોમ્પ્લેક્સમાં ડિલિવરીમાં ૧૪ ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે. ભારતે રશિયાથી આયાત કરેલા કુલ ઇંધણમાં માત્ર ક્રૂડ ઓઇલનો હિસ્સો જ ૮૩ ટકા જેટલો રહ્યો છે, જે રિફાઇનરીઓ માટે જબ્બર પ્રોફિટ માર્જિન લાવી રહ્યો છે.
સરકારી તેલ કંપનીઓએ પણ વધારી ખરીદી
માત્ર ખાનગી જ નહીં, પરંતુ દેશની સરકારી રિફાઇનરીઓએ પણ રશિયન ક્રૂડ પર પોતાની પકડ મજબૂત કરી છે. ન્યૂ મેંગલોર, વિશાખાપટ્ટનમ અને પારાદીપ જેવી સરકારી તેલ કંપનીઓએ રશિયન ક્રૂડની ખરીદીમાં જંગી વધારો કર્યો છે. વિશાખાપટ્ટનમ રિફાઇનરીમાં રશિયન તેલની આવકમાં ૪૨ ટકાનો રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ઓડિશાની પારાદીપ રિફાઇનરીએ છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ રશિયન ક્રૂડ ઓઇલ પ્રોસેસ કર્યું છે.
> વૈશ્વિક બજારમાં ભારતનો દબદબો
રશિયાના કુલ ક્રૂડ ઓઇલ નિકાસમાંથી ૫૦ ટકા હિસ્સો એકલું ચીન ખરીદી રહ્યું છે, જ્યારે ૩૬ ટકાના મજબૂત હિસ્સા સાથે ભારત બીજા ક્રમે છે. તુર્કી ૬ ટકા અને યુરોપિયન યુનિયન ૫ ટકા સાથે ઘણા પાછળ રહી ગયા છે.
પ્રતિબંધો છતાં રશિયન તેલ 'મેડ ઇન ઇન્ડિયા' બની યુરોપ-અમેરિકા પહોંચ્યું
ચોંકાવનારી વિગત એ છે કે યુરોપિયન યુનિયન અને અમેરિકા દ્વારા રશિયન ક્રૂડ પર પ્રતિબંધ હોવા છતાં, ભારત અને તુર્કીની રિફાઇનરીઓમાં પ્રોસેસ થયેલું તેલ આડકતરી રીતે પશ્ચિમી દેશોમાં જ સપ્લાય થઈ રહ્યું છે. જામનગર અને અન્ય રિફાઇનરીઓમાંથી તૈયાર થયેલા પેટ્રોલિયમ ઉત્પાદનોના જહાજો સીધા યુરોપિયન બંદરો, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા પહોંચ્યા છે. આ સસ્તા ક્રૂડ ઓઇલના કારણે ભારતીય રિફાઇનરીઓ ઊંચા નફા સાથે વૈશ્વિક બજારમાં ખૂબ જ મજબૂત અને સ્પર્ધાત્મક સ્થિતિમાં આવી ગઈ છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
