News of Sunday, 14th June 2026
અયોધ્યા-જનકપુર વચ્ચે સીધી ટ્રેન દોડાવવાનું આયોજન; ઈરાને સુરંગોમાં ૫૦૦ કિલો 'બોમ્બ ગ્રેડ' યુરેનિયમ છુપાવ્યું; દેશના ૫ રાજ્યોમાં વહેલી ચૂંટણીના એંધાણ
ભારત-નેપાળના દ્વિપક્ષીય સંબંધોને રેલ કનેક્ટિવિટીથી નવી ગતિ મળશે; અમેરિકી હુમલાના ડરથી ઈરાને પરમાણુ સ્ટોકને કર્યો સીલ; ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાય તેવી શક્યતા

નવી દિલ્હી:ભારત અને નેપાળ વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક ઐતિહાસિક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. કાઠમંડુમાં યોજાયેલી ભારત અને નેપાળના ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત બેઠકમાં ભગવાન રામની નગરી અયોધ્યા અને માતા સીતાના જન્મસ્થળ જનકપુર વચ્ચે સીધી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ઘડવા પર ગંભીર ચર્ચા થઈ છે. ભારતની આર્થિક સહાયથી વિકસિત થઈ રહેલા આ રેલ લિંક પ્રોજેક્ટના કારણે બંને દેશના લાખો શ્રદ્ધાળુઓ માટે સરહદ પારની ધાર્મિક યાત્રા અત્યંત સરળ બની જશે. આ ઉપરાંત રક્સૌલ-કાઠમંડુ બ્રોડગેજ રેલવે લિંક અને નેપાળના ઇસ્ટ-વેસ્ટ રેલવે લિંક માટે ભારત ટેકનિકલ સહયોગ આપશે, જેનાથી સરહદી કનેક્ટિવિટીનો એક નવો અધ્યાય શરૂ થશે.
બીજી તરફ, વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારોની હોડ વચ્ચે એક સનસનાટીપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઈરાનના પરમાણુ જથ્થાને જપ્ત અથવા નષ્ટ કરવા માટે સૈન્ય ઓપરેશન હાથ ધરાય તેવી અટકળો વચ્ચે ઈરાને વળતો મોટો દાવ ખેલ્યો છે. ઈરાને પોતાના અતિ સંવર્ધિત અને અત્યંત જોખમી એવા અડધા ટન (૫૦૦ કિલોગ્રામ) જેટલા 'બોમ્બ ગ્રેડ' યુરેનિયમના જથ્થાને મધ્ય ઈરાનમાં આવેલી ઇસ્ફહાન પરમાણુ પ્લાન્ટની ઊંડી ભૂમિકાત સુરંગોમાં છુપાવીને સીલ કરી દીધો છે. આ સુરંગોના માર્ગોને બ્લોક કરીને આસપાસ એટલી કડક સૈન્ય ઘેરાબંધી અને લેન્ડમાઈન્સ (બારૂદી સુરૂંગો) ગોઠવી દેવામાં આવી છે કે હવે આ આંતરરાષ્ટ્રીય સ્તરના પરમાણુ જથ્થાને બહાર કાઢવો અમેરિકા કે કોઈ પણ વિદેશી એજન્સી માટે લગભગ અશક્ય બની ગયો છે. આ ચાલબાજીને કારણે ઈરાન કૂટનીતિક ફાયદો ઉઠાવી શકે છે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) પણ ક્યારેય ખાતરી નહીં કરી શકે કે ઈરાને પોતાનો તમામ સ્ટોક જાહેર કર્યો છે કે કંઈક છુપાવી રાખ્યું છે.
જ્યારે દેશના આંતરિક રાજકારણમાં પણ એક મોટા સમાચાર મળી રહ્યા છે. દેશના પાંચ મહત્વના રાજ્યોની રાજકીય ગરમી વહેલી વધી શકે તેમ છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણીઓ તેના નિર્ધારિત સમય કરતાં વહેલી એટલે કે આગામી નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં યોજાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. વાસ્તવમાં આ રાજ્યોની મુદત આવતા વર્ષની શરૂઆતમાં પૂર્ણ થતી હોવા છતાં, ચોક્કસ વહીવટી અને રાજકીય ગણતરીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા વર્ષના અંતમાં જ મતદાન પ્રક્રિયા પુરી કરી લેવાનું આયોજન હોવાની ચર્ચા છે. જો આમ થશે તો આગામી બે-ત્રણ મહિનામાં જ આ પાંચેય રાજ્યોમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ જશે અને દેશમાં ફરી એકવાર મોટો ચૂંટણી જંગ જામશે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
