<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

અમેરિકી સૈન્ય ઓપરેશનના ડરથી ઈરાનનો મોટો દાવ: ભૂગર્ભ સુરંગો તોડી પાડી ૫૦૦ કિલો 'બોમ્બ ગ્રેડ' યુરેનિયમ સીલ કર્યું, પ્રવેશદ્વારો પર ગોઠવી બારૂદી સુરંગો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુરેનિયમનો જથ્થો જપ્ત કરવા ગ્રાઉન્ડ મિશન મંજૂર કરે તે પહેલાં જ તેહરાને કિલ્લાબંધી કરી; હવે પરમાણુ સામગ્રી બહાર કાઢવી અમેરિકા કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ માટે લગભગ અશક્ય અને જીવલેણ બની

વોશિંગ્ટન/તેહરાન:અમેરિકાની જાસૂસી સંસ્થા (ઇન્ટેલિજન્સ)ના ગુપ્ત અહેવાલોને ટાંકીને આંતરરાષ્ટ્રીય મીડિયાએ મોટો દાવો કર્યો છે કે, ઈરાને છેલ્લા કેટલાક અઠવાડિયામાં અણુબોમ્બ બનાવી શકાય તેવા પોતાના અતિ સંવર્ધિત (હાઈલી એનરિચ્ડ) યુરેનિયમના વિશાળ જથ્થાને કાયમી ધોરણે છુપાવવા માટે આક્રમક સૈન્ય પગલાં લીધાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર સૈન્ય હુમલો કરીને આ પરમાણુ સામગ્રી જપ્ત કરી શકે છે તેવા ભય વચ્ચે, ઈરાને મધ્ય ઈરાનમાં આવેલા ઇસ્ફહાન, નતાંઝ અને ફોર્દો જેવા પરમાણુ પ્લાન્ટ્સની અંદર જમીનની ઊંડે આવેલી ગુપ્ત સુરંગોને જાણીજોઈને ભારે વિસ્ફોટોથી તોડી પાડી (કોલેપ્સ કરી) દીધી છે. અંદાજે અડધો ટન (૫૦૦ કિલોગ્રામ) જેટલો આ કિંમતી અને ખતરનાક યુરેનિયમનો જથ્થો આ કાટમાળ નીચે સીલ કરી દેવામાં આવ્યો છે અને તેના તમામ પ્રવેશદ્વારો પર શક્તિશાળી એક્સપ્લોઝિવ માઇન્સ (બારૂદી સુરંગો) બિછાવી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર એક મહિના પહેલાં જ અમેરિકી સેનાએ ઈરાનમાં ગ્રાઉન્ડ ફોર્સ મોકલીને આ યુરેનિયમનો જથ્થો બળજબરીપૂર્વક કબજે કરવાનું એક તાકીદનું મિશન તૈયાર કર્યું હતું. યુએસ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેને આ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પને બ્રીફિંગ પણ આપ્યું હતું, પરંતુ ઈરાન તરફથી વળતો મોટો હુમલો થવાની, અમેરિકી સૈનિકોની જાનહાનિ થવાની અને વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ જવાની આશંકાથી ટ્રમ્પે છેલ્લી ઘડીએ આ સૈન્ય ઓપરેશન પર રોક લગાવી દીધી હતી. જોકે, અમેરિકાના આ પ્લાન્ટની ગંધ આવી જતાં ઈરાને તાબડતોબ આ આખી કિલ્લાબંધી કરી નાખી છે. હવે આ સામગ્રી સુધી પહોંચવું અગાઉ કરતાં હજાર ગણું વધુ મુશ્કેલ, જોખમી અને સમય માંગી લે તેવું બની ગયું છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પરમાણુ ડીલ (કરાર) પર આનાથી મોટો ફટકો પડ્યો છે. કરાર અંતર્ગત ઈરાને આ તમામ યુરેનિયમ અમેરિકાને સોંપવાનું હતું જેને નષ્ટ કરવાનું આયોજન હતું, પણ હવે ઈરાન પોતે પણ ભારે ઉત્ખનન સાધનો અને માઈન-ક્લિયરિંગ ઓપરેશન વગર આ સામગ્રી બહાર કાઢી શકે તેમ નથી.

આંતરરાષ્ટ્રીય પરમાણુ નિષ્ણાતો માની રહ્યા છે કે ઈરાને આ ચાલબાજી કૂટનીતિક ફાયદો ઉઠાવવા માટે કરી છે. ભવિષ્યમાં જ્યારે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ઈરાનના પરમાણુ જથ્થાની તપાસ કરશે, ત્યારે ઈરાન સરળતાથી એવું બહાનું કાઢી શકશે કે કાટમાળ અને બારૂદી સુરંગોના કારણે તે પોતે પણ આ સામગ્રી બહાર કાઢવા સક્ષમ નથી. આ રીતે તે વૈશ્વિક નજરોથી બચીને પોતાનો બોમ્બ ગ્રેડ યુરેનિયમનો જથ્થો સુરક્ષિત રાખી શકશે. આ સામગ્રીને બહાર કાઢવા માટે હવે અમેરિકાએ પોતાની અત્યંત આધુનિક 'મોબાઈલ યુરેનિયમ ફેસિલિટી' (વિશેષ વાહન) ઈરાન મોકલવી પડે તેમ છે, જે વર્તમાન યુદ્ધ જેવા માહોલમાં અશક્ય દેખાઈ રહ્યું છે. ઈરાનના આ પગલાથી પશ્ચિમ એશિયામાં પરમાણુ યુદ્ધનો ખતરો વધુ ઘેરો બન્યો છે.

(3:58 PM IST)