News of Sunday, 14th June 2026
રોમાંચ બન્યો કાળ: બ્રાઝિલમાં બ્રિજ જમ્પિંગ વખતે યુવતીને સેફ્ટી રોપ બાંધવાનું જ ભૂલી ગયા, ૪૦ મીટરની ઊંચાઈએથી પટકાતા કરુણ મોત
એડવેન્ચર ટૂરિઝમની ગંભીર બેદરકારી: સોશિયલ મીડિયા પર હૃદયદ્રાવક વીડિયો વાયરલ થયા બાદ કંપનીના ૬ લોકોની ધરપકડ

સાઓ પાઉલો:વિદેશમાં એડવેન્ચર સ્પોર્ટ્સના નામે થતી ગંભીર બેદરકારીની એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. બ્રાઝિલના સાઓ પાઉલોમાં એક બ્રિજ પરથી રોમાંચક જમ્પ (બ્રિજ જમ્પિંગ) કરવા ગયેલી ૨૬ વર્ષની યુવતી મારિયા એદુઆર્ડા (Maria Eduarda) માટે આ છેલ્લો પ્રવાસ સાબિત થયો છે. આયોજકોની ગંભીર બેદરકારીને કારણે યુવતીને સુરક્ષા દોરડું (સેફ્ટી રોપ) બાંધ્યા વગર જ બ્રિજ પરથી નીચે કૂદવા દેવામાં આવી હતી, જેના કારણે ૪૦ મીટર (આશરે ૧૩૦ ફૂટ)ની ઊંચાઈએથી સીધી જમીન પર પટકાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મારિયા એદુઆર્ડા રજાઓ માણવા અને એડવેન્ચર ટૂરિઝમનો આનંદ લેવા માટે સાઓ પાઉલો નજીકના એક જાણીતા બ્રિજ પર ગઈ હતી. ત્યાં તેણે બ્રિજ જમ્પિંગ કરવાનું નક્કી કર્યું. આખી ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે આયોજકો તેને કૂદવા માટેની સૂચનાઓ આપી રહ્યા છે. પરંતુ, સુરક્ષાની તમામ ગાઈડલાઈન્સને નેવે મૂકીને, તેને મુખ્ય સેફ્ટી રોપ સાથે કનેક્ટ કરવાનું જ આયોજકો ભૂલી ગયા હતા. જેવી યુવતીએ બ્રિજ પરથી છલાંગ લગાવી, તે સેકન્ડોમાં જ નીચે પથરાયેલા પથ્થરો અને જમીન પર પટકાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોના કંપારી છૂટી ગઈ હતી.
આ દર્દનાક અકસ્માત બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. એડવેન્ચર સ્પોર્ટ્સનું આયોજન કરતી કંપની સામે ગુનાહિત બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે ઘટનાસ્થળે હાજર ગાઈડ અને કંપનીના મેનેજમેન્ટ સહિત કુલ ૬ લોકોની ધરપકડ કરી લીધી છે.
આ ઘટનાએ વૈશ્વિક સ્તરે એડવેન્ચર ટૂરિઝમ ઓપરેટરોની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. રોમાંચના નામે પ્રવાસીઓના જીવ સાથે રમત રમતી આવી કંપનીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની માગ ઉઠી રહી છે. હાલમાં બ્રાઝિલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે કે આટલી મોટી ચૂક કઈ રીતે થઈ. એક નાની બેદરકારીએ એક હસતી-રમતી યુવતીનો જીવ લઈ લીધો, જેના કારણે સમગ્ર દેશમાં અને સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
