<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

મમતા બેનર્જીને વધુ એક મોટો આંચકો: દિગ્ગજ નેતા માનસ ભુઈયાએ TMC ને કહ્યું અલવિદા

પશ્ચિમ બંગાળમાં રાજકીય ભૂકંપ: ૬ વખત ધારાસભ્ય રહી ચૂકેલા માનસ ભુઈયાના રાજીનામાથી મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં વધારો, પક્ષમાં આંતરિક બળવો તેજ.

કોલકાતા :પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક મોટો વળાંક આવ્યો છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી માનસ ભુઈયાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા મમતા બેનર્જી માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. પાર્ટીના રાજકીય સિદ્ધાંતોથી ભટકી જવાનો આરોપ લગાવતા, ૬ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભુઈયાએ પોતાનું રાજીનામું સીધું મમતા બેનર્જીને મોકલી આપ્યું છે, જેના કારણે રાજ્યમાં સત્તાપલટાની અટકળોએ જોર પકડ્યું છે.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ રાજનીતિમાંથી નિવૃત્તિ નથી લઈ રહ્યા, પરંતુ આગળનું પગલું શું હશે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. આથી તે પોતાની જૂની પાર્ટી કોંગ્રેસમાં પાછા ફરશે કે અન્ય કોઈ પક્ષમાં જોડાશે તે અંગે અટકળો તેજ થઈ ગઈ છે.

માનસ ભુઈયા છેલ્લા એક દાયકાથી મમતા બેનર્જી સાથે હતા, પરંતુ આ વખતે તેમણે સબાંગ વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. અવિભાજિત મિદનાપુર જિલ્લાના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંથી એક માનસ ભુઈયા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા હતા, જ્યાં તેઓ પાર્ટી અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ 2016માં ભુઈયા TMC માં જોડાયા હતા અને રાજ્ય કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

માનસ ભુઈયાનું આ રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે ચૂંટણી હાર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ પર અસ્તિત્વનું સંકટ મંડરાઈ રહ્યું છે. પાર્ટીના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદો બળવાખોર બન્યા છે. મમતા બેનર્જીના સમર્થનમાં હવે માત્ર 8 સાંસદો જ બચ્યા છે. 4 રાજ્યસભા સાંસદોએ પણ પોતાની સદસ્યતા છોડી દીધી છે. વિધાનસભાના વિપક્ષના નેતા પદ સ્વીકારનારા ઋતબ્રત બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે, 'તે મમતા બેનર્જીને નેતા માને છે, પરંતુ પાર્ટીમાં અભિષેક બેનર્જી માટે કોઈ જગ્યા નથી.' ઋતબ્રતને અંદાજે 60 TMC ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરાયો છે.

આ ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી દિવસોમાં કેટલા અન્ય નેતાઓ પક્ષ છોડે છે તે જોવું રસપ્રદ રહેશે, જે મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની સરકારની સ્થિરતા માટે મોટી કસોટી સાબિત થશે.

(4:18 PM IST)