News of Sunday, 14th June 2026
ઈરાન-અમેરિકા વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતીના એંધાણ: પરમાણુ કાર્યક્રમ પર રોક અને ૨૫ અબજ ડોલરની રાહત
તેહરાન પરમાણુ હથિયારો નહીં બનાવે, બદલામાં અમેરિકા તેલ પ્રતિબંધો હટાવશે; હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સહિતની શરતો સાથે સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર.

તેહરાન :વૈશ્વિક રાજકારણમાં મોટા ફેરફારના સંકેત આપતા, ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ શસ્ત્રો ન બનાવવા અને તેલ પરના પ્રતિબંધો હટાવવા માટેની એક મહત્વપૂર્ણ શાંતિ સમજૂતીનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર થયો છે. આ સમજૂતી હેઠળ, ઈરાન તેના અણુ કાર્યક્રમને મર્યાદિત રાખશે, જેના બદલામાં અમેરિકા તેને ૨૫ અબજ ડોલરની આર્થિક સહાય અને તેલ વેચવાની છૂટ આપશે, જેથી વર્ષોથી ચાલી રહેલા મિડલ ઈસ્ટના તણાવમાં ઘટાડો થઈ શકે.
તેહરાન અને વોશિંગ્ટન વચ્ચેની આ સમજૂતીના એમઓયુમાં અનેક મહત્વના મુદ્દાઓ સામેલ છે. તેહરાન પોતાના અતિ સંવર્ધિત યુરેનિયમનો સંગ્રહ ઘટાડવા અને પરમાણુ વિસ્તરણ અટકાવવા સહમત થયું છે, જેની પ્રક્રિયા આગામી ૬૦ દિવસમાં શરૂ થશે. બીજી તરફ, અમેરિકા ઈરાની બંદરો પરથી સૈનિક નાકબંધી હટાવી લેશે અને તેલ નિકાસ પરના પ્રતિબંધોમાં મોટી રાહત આપશે. આ સાથે જ, હોર્મુઝ સ્ટ્રેટને તમામ વ્યાપારી જહાજો માટે તાત્કાલિક ખોલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વિશ્વાસને પુનઃસ્થાપિત કરવાનો છે. અમેરિકાએ ખાતરી આપી છે કે જ્યાં સુધી અંતિમ સમજૂતી અમલી ન બને ત્યાં સુધી ઈરાન પર કોઈ નવા પ્રતિબંધો લાદવામાં આવશે નહીં. આ આર્થિક રાહત પેકેજમાં ફાઈનેશિયલ ક્રેડિટ, ક્ષેત્રીય દેશો સાથે સહયોગ અને સ્વિફ્ટ ટ્રાન્સફર જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જે ઈરાની અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવામાં મદદરૂપ થશે.
આ શાંતિ સમજૂતી આગામી ૬૦ દિવસમાં થનારી અંતિમ વાટાઘાટો બાદ અમલમાં આવશે. જો આ સમજૂતી સફળ રહે છે, તો તે મિડલ ઈસ્ટમાં એક નવા યુગની શરૂઆત કરશે અને વૈશ્વિક ઉર્જા બજારમાં તેલના ભાવને સ્થિર કરવામાં મદદરૂપ થશે. વિશ્વભરના દેશો હવે આ ઐતિહાસિક સમજૂતીના અમલીકરણ પર નજર રાખી રહ્યા છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
