News of Sunday, 14th June 2026
મુંબઈ પોલીસની નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી: નશીલી સીરપ સહિતનો 53 લાખનો મુદામાલ જપ્ત :સગીર સહીત ચાર આરોપી ઝડપાયા
માલાડ પશ્ચિમ વિસ્તારમાં એસ.વી. રોડ પર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સામે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત માહિતીના આધારે વોચ ગોઠવી ચાર આરોપીઓને કોર્ડન કરીને ઝડપી લીધા

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-11 એ નશાના કાળા કારોબાર સામે એક મોટી કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો નશીલું સિરપ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે માલાડથી લઈને નવી મુંબઈ સુધીના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.
મુંબઈના માલાડ પશ્ચિમ વિસ્તારમાં આવેલા એસ.વી. રોડ પર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સામે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત માહિતીના આધારે વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ હલચલ જોતા જ ચાર આરોપીઓને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. આરોપીઓની પ્રાથમિક તલાશી લેતા જ તેમની પાસેથી નશા માટે ઉપયોગમાં લેવાતી કોડીન ફોસ્ફેટ યુક્ત સિરપની ૧૫૩ બોટલો મળી આવી હતી, જેને પોલીસે ઘટનાસ્થળે જ જપ્ત કરી લીધી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા પોલીસને એક ખૂબ જ મહત્વની કડી હાથ લાગી હતી. આરોપીઓ પૈકીના એકે કબૂલાત કરી હતી કે તેણે નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં આવેલા એક ગુપ્ત ગોડાઉનમાં આ નશીલી સિરપનો મોટો જથ્થો છુપાવી રાખ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિલંબ કર્યા વિના ખારઘરના લોકેશન પર દરોડો પાડીને ત્યાંથી વધુ ૪,૫૮૧ બોટલો શોધી કાઢી હતી.
પોલીસે આ સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ ૪,૭૩૪ નશીલી સિરપની બોટલો અને ગુનામાં વપરાયેલી એક મોટરસાઇકલ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા નશીલા સિરપની બજાર કિંમત આશરે ૫૨ લાખ ૭ હજાર ૪૦૦ રૂપિયા આંકવામાં આવી છે. મોટરસાઇકલની કિંમત ઉમેરતા પોલીસે કુલ ૫૩ લાખ ૭ હજાર ૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ પોતાના કબજે લીધો છે, જે ડ્રગ્સ નેટવર્ક માટે મોટો ફટકો છે.
પકડાયેલા ચાર આરોપીઓમાં ત્રણ પુખ્ત વયના પુરુષો છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર (બાળક) સામેલ છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ માલાડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ હવે આ ડ્રગ્સ સપ્લાય ચેઈનના મુખ્ય સૂત્રધાર અને અન્ય ગ્રાહકો સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
