News of Sunday, 14th June 2026
મહારાષ્ટ્રના લાતુર-ઔસા રોડ પર કાર અને ક્રુઝર જીપ વચ્ચે ભયંકર અકસ્માત: ત્રણ લોકોનાં મોત: 17 લોકોને ગંભીર ઇજા
કારે આગળ જઈ રહેલી ક્રૂઝર જીપને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી કે ક્રૂઝરનો પાછળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો

મહારાષ્ટ્રના લાતુર-ઔસા રોડ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીંના બુધોડા ગામ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલી ક્રેટા કારે આગળ જઈ રહેલી ક્રૂઝર જીપને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી હતી કે ક્રૂઝરનો પાછળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેના અવાજથી આખું ગામ ધ્રૂજી ઊઠ્યું હતું.
આ ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે અને સારવાર દરમિયાન મળીને કુલ ત્રણ લોકોનાં કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલા મૃતકો પૈકી બે મહિલાઓની ઓળખ થઈ ચૂકી છે, જેમાં રેશ્મા પાટિલ (ઉંમર 29 વર્ષ) અને સરોજા પતગે (ઉંમર 42 વર્ષ) નો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, ક્રૂઝર જીપમાં સવાર તમામ મુસાફરો ધારાશિવ જિલ્લાના ઉમરગા તાલુકાના રહેવાસી હતા.
અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે ક્ષતિગ્રસ્ત વાહનોમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. તમામ 17 ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર અર્થે લાતુરની 'વિલાસરાવ દેશમુખ સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ'માં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેટલાકની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે.
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ક્રેટા કારચાલકની અતિશય ઝડપ અને બેદરકારીભર્યા ડ્રાઈવિંગના કારણે સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ ઉમરગા મતવિસ્તારના ધારાસભ્યએ વિગતો મેળવી હતી અને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તેવા આદેશ આપ્યા હતા. હાલમાં ઔસા પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
